• ફ્રાન્સથી વધુ ૩ રાફેલ ભારત પહોંચ્યાઃ ફ્રાન્સથી ૭૩૬૪ કિ.મી.નું અંતર કાપીને ત્રણ રાફેલ લડાયક જેટ વિમાન ચોથીએ જામનગર વાયુસેના મથકે પહોંચ્યાં હતાં. આ ત્રણેય વિમાન પાંચમીએ અંબાલા પહોંચાડવા સૂચના હતી. નવા ત્રણ વિમાન સહિત ભારતમાં રાફેલની કુલ સંખ્યા ૮ થઇ છે. આવનારા બે વર્ષમાં ફ્રાન્સ તમામ ૩૬ વિમાનોની ડિલિવરી કરશે. ભારતે વર્ષ ૨૦૧૬માં ફ્રાન્સ સાથે રૂ. ૫૮૦૦૦ હજાર કરોડમાં ૩૬ રાફેલ લડાયક જેટ માટે સમજૂતી કરાર કર્યાં હતાં. રાફેલ ડીએચ (ટુ સીટર) અને રાફેલ ઇએચ (સિંગલ સીટર) બંને ટ્વિન એન્જિન, ડેલ્ટા- વિંગ, સેમી સ્ટીલ્થ કેપેબિલિટીના ચોથી જનરેશનના લડાયક વિમાન છે. તે પરમાણુ હુમલાની ક્ષમતા ધરાવે છે.
• અદાણી ગ્રૂપ - સ્નેમ કંપની વચ્ચે કરારઃ અદાણી જૂથે યુરોપની અગ્રણી ગેસ ઇન્ફ્રાસ્ટ્રકચર કંપની ઇટાલી સ્થિત સ્નેમ સાથે વ્યૂહાત્મક સહયોગ – કરાર કર્યો છે. આ સહયોગ ભારતના વડા પ્રધાન મોદી અને ઈટાલીના વડા પ્રધાન ગીયુસેપ્પ કોન્ટે વચ્ચેની વર્ચ્યુઅલ સમિટનો આંતરિક હિસ્સો હતો. આ સહયોગથી ભારત અને વિશ્વના બજારોમાં હાઇડ્રોજન વેલ્યુચેઈનની સાથે બાયોગેસના વિકાસ મિથેન અને
લો કાર્બન પ્રોબાલિટી તરફ આગળ ધપાવવા સહાય થશે.
• ભારત-નેપાળે સંવાદથી વિવાદ ઉકેલવોઃ ઈન્ડિયન આર્મીના વડા એમ. એમ. નરવણે તાજેતરમાં ત્રણ દિવસ માટે નેપાળના પ્રવાસે હતા. નેપાળી આર્મીએ તેમનું માનદ સન્માન કર્યું હતું. ઓલીએ પણ આર્મી વડાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. અને ભારત-નેપાળના સંબંધો મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. ઓલીએ કહ્યું હતું કે, ભારત-નેપાળ વચ્ચે જે પણ વિવાદ છે તે સંવાદથી ઉકેલવો જોઈએ. બંને દેશો વચ્ચે સદીઓથી દોસ્તી છે તેને જાળવી રાખવી જોઈએ.