મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ લકવીની ધરપકડઃ મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને ટેરર ફંડિંગ મામલે કુખ્યાત લશ્કરે તોયબાના કમાન્ડર ઝકી-ઉર-રહેમાન લખવીની ધરપકડ કરાઈ છે. તેની ધરપકડ મુંબઈ હુમલા બદલ નહીં પણ એક અન્ય કેસમાં કરાઈ છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના કાઉન્ટર ટેરેરિઝમ ડિપાર્ટમેન્ટે લખવીને લાહોરમાંથી પકડ્યો છે. સંયુક્ત રાષ્ટ્રએ લખવીને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરી તેના પર પ્રતિબંધો મૂકી દીધા હતા.
ઝી એન્ટરટેઇનમેન્ટના ૧૫ સ્થળે આઈટીના દરોડાઃ જીએસટી ઇન્ટેલિજન્સ શાખાએ આવકવેરા વિભાગને પૂરી પાડેલી કરચોરી અંગેની માહિતીના આધારે આઈટીએ ઝી એન્ટરટેઇનમેન્ટના ૧૫ ઠેકાણે દરોડા પાડીને તપાસ હાથ ધરી હતી.
૧૦ કરોડ યુઝર્સના ડેટાની ચોરીઃ ભારતીય યુઝર્સના ક્રેડિટ-ડેબિટ કાર્ડના ડેટાની સંદર્ભે ભારતીય સાઇબર સિક્યુરિટી સંશોધક રાજશેખર રાજહરિયાએ તાજેતરમાં દાવો કર્યો કે અંદાજે દેશના ૧૦ કરોડ ક્રેડિટ - ડેબિટ કાર્ડધારકોનો ડેટા ડાર્ક વેબ પર વેચાયા છે.
છોટા રાજનને ખંડણી કેસમાં બે વર્ષની સજાઃ ૨૦૧૫માં પનવેલના બિલ્ડર નંદુ વાજેકરને છોટા રાજને રૂ. ૨૬ કરોડની ખંડણી આપવા દબાણ - ધમકીના કેસમાં મુંબઈ સેશન કોર્ટે છોટા રાજનને બે વર્ષની સજા ફટકારી છે. આ કેસમાં અન્ય ત્રણને પણ સજા થઈ છે.
આઈટી દ્વારા રોબર્ટ વાડ્રાની ૯ કલાક સુધી પૂછપરછઃ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ પર આક્ષેપ છે કે, ગેરકાયદે રકમથી લંડનના બ્રાયનસ્ટન સ્કવેરમાં આશરે રૂ. ૧૮.૯૪ કરોડનું મકાન ખરીદ્યું છે. હાલમાં આ મામલે રોબર્ટ વાડ્રા જામીન પર બહાર છે ત્યારે રોબર્ટ વાડ્રાની સોમવારે આવકવેરા વિભાગે બ્રિટનમાં બેનામી સંપત્તિ મામલે ૯ કલાક પૂછપરછ કરી હતી.
પંજાબમાં રિલાયન્સના ટાવર તૂટતાં કોર્ટમાં અરજીઃ પંજાબમાં ખેડૂતોએ રિલાયન્સ - જિયો સહિતના ૧૫૦૦થી વધુ મોબાઈલ નેટવર્કના ટાવર તોડી નંખાતા રિલાયન્સે હાઈ કોર્ટમાં અરજી કરીને સરકારને દખલ દેવા માગ સાથે જણાવ્યું કે, કંપનીએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે ક્યારેય જમીન નથી લીધી કેે ખેડૂતોની પાસેથી સીધા અનાજ નથી ખરીદતા. તો ટાવર શા માટે તોડી નંખાયા?
મહિલાઓ માટે લગ્નની વય ૨૧ કરવાની ભલામણઃ મહિલાઓની લગ્નની લઘુતમ વય અંગે નવેસરથી વિચારણા માટે રચાયેલી ટાસ્ક ફોર્સે રિપોર્ટ સરકારને સોંપતાં નીતિ પંચ અને મહિલા તથા બાળ વિકાસ મંત્રાલય પાસે રિપોર્ટ ગયો છે. ટાસ્ક ફોર્સે યુવતીઓની લગ્નની વય વધારી ૨૧ વર્ષ કરવાનો પ્લાન સોંપ્યો છે.
રૂ. ૩૨૬૯ કરોડના ફ્રોડ બદલ શક્તિભોગ ફૂડ સામે કેસઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના નેતૃત્વવાળા દસ બેંકોના જૂથ સાથે રૂ. ૩૨૬૯ કરોડની છેતરપિંડી બદલ સીબીઆઇએ દિલ્હીની શક્તિભોગ ફૂડ લિ. સામે કેસ કર્યો છે કે, ખોટા નાણાકીય હિસાબો અને નકલી દસ્તાવેજો રજૂ કરીને કંપનીએ બેંકના નાણાનો દુરૂપયોગ કર્યો હતો.
લોન એપ કૌભાંડમાં ચીની નાગરિકની ધરપકડઃ હૈદરાબાદ પોલીસે ૩૧મી ડિસેમ્બરે રૂ. ૨૧૦૦૦ કરોડના લોન એપ કૌભાંડમાં ચીની નાગરિક ઝુ વેઈ ઊર્ફે લામ્બોની ધરપકડ કરી હતી. આ કૌભાંડમાં પોલીસે અત્યાર સુધીમાં ૧૮ લોકોની ધરપકડ કરી છે.
એરવાઈસ માર્શલ અજિતસિંહ લાંબાનું અવસાનઃ ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર વાઈસ માર્શલ અજિસસિંહ લાંબા (ઉં ૮૫)નું ૩જીએ નિધન થયું હતું. એરફોર્સની ઉજ્જવળ કારકિર્દીમાં તેમણે ૧૦૦થી વધુ પ્રકારના વિમાનો ઉડાવ્યા હતા. ૧૯૬૫ના યુદ્ધ વખતે ફાઈટર વિમાન હન્ટર ઉડાવી દુશ્મનોને પરેશાન કરી મૂક્યા હતા.
એવરેસ્ટ અભિયાનના હીરો કર્નલ નરેન્દ્ર કુમારનું નિધનઃ ૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના હીરો અને ઈન્ડિયન આર્મીના સુપર સ્ટાર કર્નલ નરેન્દ્ર કુમારનું તાજેતરમાં ૮૭ વર્ષે નિધન થયું હતું. કાશ્મીરના ઉત્તર છેડે આવેલી સિઆચેન હિમનદી જે આજે ભારતના કબજામાં છે તેનો શ્રેય પણ બુલના લાકડા નામે ઓળખાતા કર્નરલ નરેન્દ્રને જાય છે. ૧૯૮૪માં કર્નલ નરેન્દ્રના નેજામાં ઈન્ડિયન આર્મીએ અશક્ય સિઆચેન શિખર કબજે લીધું હતું.
હિમાલયમાં બર્ડ ફ્લૂઃ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ બાદ હિમાચલના પોંડ ડેમ અભ્યારણ્યમાં ૩જીથી છેલ્લા અઠવાડિયામાં ૧૦૦૦થી વધુ યાયાવર પક્ષીઓના મોત થયાં છે.
નાગાલેન્ડની આગ મણિપુર સુધીઃ નાગાલેન્ડના કોહિમા જિલ્લાના દજુકુ ખીણ વિસ્તારમાં લાગેલી ભીષણ આગ મણિપુર સુધી ફેલાઈ છે. મણિપુરમાં ફેલાઈ રહેલી આગને અંકુશમાં લેવા મણિપુર સરકારે એન.ડી.આર.એફ. અને સેનાની મદદ માગી હતી.
કાર ડિઝાઈનર દિલીપ છાબરિયાની ધરપકડઃ ભારતના જાણીતા કાર ડિઝાઇનર દિલીપ છાબરિયા પર મલ્ટિપલ કાર રજિસ્ટ્રેશનનું રેકેટ ચલાવવાના આરોપ સાથે તેમની ધરપકડ કરાઈ છે. ક્રાઇમબ્રાન્ચે છાબરિયાની કંપની ડીસી ડિઝાઇન્સ દ્વારા મોડિફાય કરેલી તામિલનાડુનું રજિસ્ટ્રેશન ધરાવતી એક વૈભવી સ્પોર્ટસ કાર જપ્ત કરી હતી. આ કાર છેતરપિંડી અને બનાવટ તેમજ ગુનાહિત પડયંત્રના એક કેસ બાબતે તાબામાં લેવામાં આવી હતી.
ભારતમાં પ્રથમ વખત ૩૫૦૦ મીટરની ઊંચાઇએ હવામાન કેન્દ્રઃ કેન્દ્ર શાસિત પ્રદેશ લદ્દાખમાં હવામાન શાસ્ત્ર કેન્દ્રનું ઉદ્ઘાટન ૨૭મી ડિસેમ્બરે કરાયું હતું. આ કેન્દ્ર લદ્દાખમાં હવામાન સંબધી ચેતવણી આપવાનું કાર્ય કરશે. ભારતે પ્રથમ વખત ૩૫૦૦ મીટર જેટલી ઉંચાઇએ હવામાન કેન્દ્રની સ્થાપના કરી છે. આ કેન્દ્ર લેહ અને કારગીલ માટે ત્રણ દિવસ (ટૂંકા ગાળા), ૧૨ દિવસ (મધ્યમ ગાળા) અને ૩૦ દિવસ (લાંબાગાળ)ના હવામાનની આગાહી કરશે.
શ્રીનગરમાં ત્રણ આતંકી ઠારઃ શ્રીગરના પરા વિસ્તાર લવાયાપોરામાં રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ૩૦મી ડિસેમ્બરે ૩ આતંકી ઠાર થયા હતા. સર્ચ ઓપરેશન વખતે એક મકાનમાં છુપાયેલા આતંકીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કર્યો હતો. સૈન્ય કમાન્ડરે જણાવ્યું હતું કે, માર્યા ગયેલા ત્રણેય લોકો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. આ ઉપરાંત અથડામણ સ્થળે કેટલાક સ્થાનિક યુવાનોએ આતંકીઓને બચાવવા માટે સુરક્ષાદળો પર પથ્થરમારો કર્યો હતો.
પાકિસ્તાની જેલમાં કુલ ૩૧૯ ભારતીયોઃ ભારત અને પાકિસ્તાન દર વર્ષે બે વખત એકબીજાના કેદીઓની અને પરમાણુ હથિયારોની માહિતીનું આદાન-પ્રદાન કરે છે. ૧લી જાન્યુઆરીએ પાકિસ્તાને જાહેર કરેલી માહિતી પ્રમાણે પાકિસ્તાનની જેલમાં ભારતના કુલ ૩૧૯ નાગરિકો સબડે છે. ભારતમાં પણ ૩૪૦ પાક. નાગરિકો બંધ છે.

