સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 06th March 2019 07:35 EST
 

• એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘જયહિંદ’: એર ઇન્ડિયાના ક્રૂ મેમ્બર્સે હવે તમામ ફ્લાઈટની ઉદઘોષણાના અંતે ‘જયહિંદ’ બોલવાનું રહેશે. એર ઇન્ડિયાના ડાયરેક્ટર ઓપરેશન્સ અમિતાભ સિંહે સોમવારે એડવાઇઝરી જારી કરીને આ સૂચના આપી છે. તેનો અમલ તત્કાલ પ્રભાવથી કરવાનો છે. હવે તમામ ફ્લાઈટની ઉદઘોષણા પછી જોશથી ‘જયહિંદ’ શબ્દ સાંભળવા મળશે.
• બાગી કોંગ્રેસી ધારાસભ્યનું રાજીનામુંઃ કર્ણાટક કોંગ્રેસના ચાર બાગી ધારાસભ્યોમાંથી કલબુરગી જિલ્લાની ચિચોલીના ધારાસભ્ય ઉમેશ જાધવે રાજીનામું આપી દીધું છે. રાજીનામા બાદ ઉમેશ જાધવ ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. ઉમેશ જાધવે કોઈ કારણ આપ્યા વગર વિધાનસભા અધ્યક્ષને રાજીનામું આપ્યું હતું. કર્ણાટકની રાજકીય કટોકટી ટાણે ચાર ધારાસભ્યોએ કોંગ્રેસ સામે બળવો પોકારીને પાર્ટીની મુશ્કેલી વધારી દીધી હતી. તે વખતે ઉમેશ જાધવ ઘણા દિવસો સુધી લાપતા રહ્યાં હતાં. કોંગ્રેસે જાધવને દગાખોર ગણાવ્યા હતાં.
• અદાણી પાવરના પ્રોજેક્ટને મંજૂરીઃ ઝારખંડમાં અદાણી પાવરના રૂ. ૧૪,૦૦૦ કરોડનાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (સેઝ)ના પ્રોજેક્ટને સરકારે મંજૂરી આપી છે. આ પ્લાન્ટમાં ઉત્પાદન થનારી તમામ વીજળીને બાંગ્લાદેશ નિકાસ કરાશે.
• ૯૦ સરકારી વેબસાઈટ્સ હેક કરવા પ્રયાસઃ ભારત – પાકિસ્તાન વચ્ચે તણાવ વચ્ચે પુલવામા આતંકી હુમલાના એક કલાકમાં જ પાકિસ્તાની હેકર્સે ભારતને બીજા મોરચે ઘેરવાની નાકામ કોશિશ કરી હતી. પાકિસ્તાની હેકર્સે ૯૦ સરકારી વેબસાઈટ્સને નિશાન બનાવી હતી, પરંતુ હેક કરવામાં સફળતા મળી ન હતી.
• ચિદમ્બરમે ગંગાસફાઈ વખાણીઃ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણા પ્રધાન પી. ચિદમ્બરમે માર્ગ નિર્માણ અને ગંગા સફાઈ મોરચે એનડીએ સરકારે કરેલી સારી કામગીરીની પ્રશંસા કરી હતી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નિર્માણ કાર્યક્રમ અને યુપીએની આધાર યોજનાને આગળ ધપાવવા બદલ પણ સરકારની પ્રશંસા કરી હતી.
• રાહુલ ગાંધીની સંપત્તિમાં ઝડપી વધારોઃ ઉત્તર પ્રદેશમાં ચૂંટાયેલા તમામ નેતાઓની સંપત્તિમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. બસપા વિધાનસભ્ય મુખ્તાર અંસારી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સંપત્તિમાં સૌથી મોટો વધારો નોંધાયો છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને ઉત્તર પ્રદેશ ઇલેક્શન વોચ દ્વારા જારી થયેલા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભાજપ, બસપા, સપા, કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા સભ્યો પૈકી ૨૧ થી ૪૧ ટકા સભ્યો ગુનાઈત રેકર્ડ ધરાવે છે. અહેવાલ મુજબ ૨૦૦૪થી ૨૦૧૭ દરમિયાન ઉત્તર પ્રદેશના સાંસદો અને વિધાનસભ્યોની સંપત્તિમાં સરેરાશ અંદાજે રૂ. છ કરોડનો વધારો નોંધાયો છે.
• ઉ. પ્રદેશના સાંસદ સાવિત્રીબાઈ કોંગ્રેસમાં: પૂર્વીય ઉત્તર પ્રદેશના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, પશ્ચિમ ઉત્તરના મહાસચિવ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં દિલ્હીમાં સાવિત્રીબાઈ ફૂલે ત્રીજીએ કોંગ્રેસમાં જોડાયા હતા.
• ગડકરી વડા પ્રધાન પદની રેસમાં નથીઃ હું વડા પ્રધાન પદની રેસમાં નથી, હું સંઘનો સ્વયંસેવક છું જેના માટે દેશ સર્વોપરી હોય છે તેમ કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ પહેલીએ જણાવ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સંપૂર્ણ બહુમતી મળશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્ત્વમાં દેશ વિકાસના પથ પર આગળ વધશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter