રાજિબ બેનર્જી ભાજપમાં જોડાયાઃ પશ્ચિમ બંગાળના પૂર્વ પ્રધાન રાજિબ બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ છોડીને દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને મળ્યા પછી ૩૦મીએ ભાજપમાં જોડાયાનું જાહેર થયું હતું. તેમની સાથે તૃણમુલના કેટલાક અન્ય નેતાઓ પણ ભાજપમાં જોડાયા હતાં. બેનર્જીની સાથે તાજેતરમાં જ તૃણમૂલમાંથી બરતરફ થયેલા બે ધારાસભ્યો પ્રબીર ઘોષલ અને બૈશાલી દાલમિયા પણ ભાજપમાં જોડાયા હતાં. આ ઉપરાંત હાવરાના પૂર્વ મેયર રાથિન ચક્રવર્તી, તૃણમૂલના પૂર્વ ધારાસભ્યો પાર્થસારથિ ચટ્ટોપાધ્યાય અને રૂદ્રાની ઘોષ પણ ભાજપના વરિષ્ઠોને મળ્યા હોવાના અહેવાલ હતાં.
જમ્મુ કાશ્મીરમાં બે આતંકીની શરણાગતિઃ જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં ભારતીય સુરક્ષા દળો સાથેની અથડામણમાં ઘેરાઈ ગયેલા બે ત્રાસવાદીઓએ બે એકે ૪૭ રાઈફલ્સ સાથે આત્મસમર્પણ કરી લીધું હતું.
અદાણી અને FICના ગોદામ પર દરોડાઃ ક્રાઈમ બ્રાંચને એફસીઆઈનાં ગોડાઉનોમાં ભ્રષ્ટાચારની ફરિયાદો મળતાં ૨૯મી જાન્યુઆરીએ પંજાબ અને હરિયાણામાં અદાણી અને FCIના ૫૦ ગોડાઉનો પર દરોડાની કાર્યવાહી કરી હતી.

