સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Tuesday 09th February 2021 15:23 EST
 

• ગોવર્ધન પર્વતના ખડકના વેચાણ સામે કેસઃ મથુરાના ગોવર્ધન પર્વતના ખડક પ્રતિ નંગ રૂ. ૫૧૭૫માં ઓનલાઈન વેચાણ માટે મૂકવા બદલ ઇ-કોમર્સ કંપની ઇન્ડિયા માર્ટના સ્થાપક અને સીઈઓ દિનેશ અગ્રવાલ, સહસ્થાપક બ્રજેશ અગ્રવાલ તેમજ મથુરાના સપ્લાયર અંકુર અગ્રવાલ સામે કેસ નોંધાયો છે. પોલીસ અધિક્ષક શિરીષ ચંદ્રે જણાવ્યું હતું કે કંપની, તેના સીઈઓ અને સપ્લાયર સામે આઈટી ટેકનોલોજીનો ઉપયોગ કરીને દુરુપયોગ કરીને ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડવા બદલ કડક પગલાં લેવામાં આવશે.
• જૈન સંત સિદ્વિતિલકજીનું અક્સ્માતમાં નિધનઃ ભોપાવર તીર્થથી વિહાર કરી ધારના ભક્તામર તીર્થ દર્શન માટે જતા જૈન સંત સિદ્વિતિલકજીનું માંગોદ પાસે સોમવારે સવારે માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. ઇન્દોરથી આવતા કન્ટેઇનરે બાઇક ચાલકને બચાવવા હોટલ પાસે ઊભેલી એક પીકઅપ વાનને અડફેટે લેતાં વાને જૈન સંતને અડફેટમાં લીધા હતા. બંને જૈન સંત સિદ્વિતિલકજી અને સિદ્વિરત્નજીને ધાર ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. અહીંથી સિદ્વિતિલકજીને ઇન્દોરની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
• શશિકલા રાજકારણમાં ફરશેઃ પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના સાથી રહેલાં અને એઆઈએડીએમકેથી બરતરફ શશિકલા સોમવારે સવારે ૧૦ વાગ્યે તમિલનાડુના કૃષ્ણાગિરી જિલ્લાના અથિપલ્લી પહોંચ્યાં ત્યાં તેમણે સક્રિય રાજકારણમાં વાપસી અંગે જાહેરાત કરી હતી.
• ફ્યુચર-રિલાયન્સ સમજૂતીઃ દિલ્હી હાઇ કોર્ટે ફ્યુચર રિટેલ અને રિલાયન્સની સાથે ૨૪૭૧૩ કરોડ રૂપિયાની સમજૂતી અંગે યથાસ્થિતિ જાળવી રાખવાના સિંગલ જજના નિર્ણયની વિરુદ્ધ એફઅરએલની અપીલ પર એમેઝોનને પોતાનું વલણ સ્પષ્ટ કરવાના નિર્દેશ આપ્યા છે. આ સાથે ફ્યુચર રિટેલ લિમિટેડ (એફઆરએલ) અને રિલાયન્સ રિટેલ વચ્ચે થયેલી સમજૂતી અંગે યથાસ્થિતિ જાળવી રાખવાના હાઇ કોર્ટના સિંગલ જજના આદેશ પર દિલ્હી હાઇ કોર્ટની ડિવિઝનલ બેન્ચે આઠમીએ સ્ટે મૂકી દીધો છે.
• નેવીના ઓફિસરનું અપહરણઃ ઝારખંડના સુરજકુમાર દુબે (ઉ.વ.૨૭) વર્ષ ૨૦૧૯થી નેવીના ફરજ બજાવતા હતા. હાલમાં તે આયએનએસ અગ્રણી પર ડયુટી કરતા હતા. ૩૦ જાન્યુઆરીના રજા પૂરી થતા તે રાંચીથી વિમાનમાં ચેન્નાઈ આવ્યા હતા ત્યારે અજાણ્યા ૩ આરોપીઓએ પિસ્તોલની અણીએ તેમનું અપહરણ કરીને રૂ. ૧૦ લાખની ખંડણી માગી હતી, પણ દુબેએ ખંડણીની રકમ ન આપતા આરોપીઓ તેમને ૩ દિવસ સુધી ચેન્નાઈમાં ગોંધી રાખ્યા હતા. એ પછી પાલઘરના જંગલમાં પેટ્રોલ રેડીને સળગાવીને તેમની હત્યા કરી હતી. પોલીસે આ કેસમાં તપાસ આદરી છે.
• આતંકીઓને ફંડ મામલે હાફિઝ સઈદ સામે વોરંટઃ પાકિસ્તાનના આતંકી અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદ વિરુદ્ધ દિલ્હીની કોર્ટે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ છઠ્ઠીએ જાહેર કર્યું છે. જમ્મુ કાશ્મીરમાં આતંકીઓને નાણા પૂરા પાડવાના ફન્ડિંગ કેસમાં આ વોરંટ જાહેર કરાયું છે. હાલમાં પાકિસ્તાનમાં રહેતા હાફિઝ સઇદ સામે પાકિસ્તાનમાં પણ આ જ પ્રકારનો કેસ ચાલી રહ્યો છે જેમાં તેની ધરપકડ પણ કરાઇ છે.
• વિઝા લઈ પાકિસ્તાન ગયેલા ૧૦૦ કાશ્મીરીઓ અંગે એલર્ટઃ કાયદેસરના વિઝાના આધારે પાકિસ્તાન ગયેલા કાશ્મીરના આશરે ૧૦૦ યુવકો પરત નથી આવ્યા જેને પગલે ભારતીય સિક્યોરિટી એજન્સીઓ એલર્ટ થઇ છે. શંકા છે કે આમાંથી કેટલાક યુવકો પરત ફર્યા બાદ ગુમ પણ થયાં છે જેથી તેઓ આતંકી સંગઠનો સાથે ભળી ગયા અંગેની પણ શંકાઓ સેવાઇ રહી છે. મોટા ભાગે આવા યુવકોને પાકિસ્તાનમાં તાલીમ આપ્યા બાદ આતંકીઓની મદદ માટે સ્લીપર સેલ તરીકે કામે લગાવાતા હોય છે.
• રામ મંદિર નિર્માણકાર્ય માટે ખ્રિસ્તી સમાજનું દાનઃ કર્ણાટકના ખ્રિસ્તી સમાજે અયોધ્યામાં બંધાઇ રહેલા રામ મંદિર માટે રૂ. એક કરોડથી વધુ રકમનું યોગદાન કર્યું છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન સી. એન. અશ્વાથ નારાયણે જણાવ્યું કે, ખ્રિસ્તી સભ્યોના જૂથની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં રામ મંદિર નિર્માણ નિધિ અભિયાનમાં સભ્યોએ રૂ. એક કરોડથી વધુ રકમનું યોગદાન જાહેર કર્યું છે. બેઠકમાં ઉદ્યોગપતિઓ વેપારીઓ, શિક્ષણવિદો, બિનનિવાસી ભારતીયો, મુખ્ય કાર્યકારી અધિકારીઓ, માર્કેટિંગ નિષ્ણાતો, સામાજિક સેવા કાર્યકરો તથા ખ્રિસ્તી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.
• અદાણી એરપોર્ટ મુંબઇ એરપોર્ટની ૨૩.૫ ટકા ભાગીદારીઃ અદાણી એન્ટરપ્રાઇઝની સંપૂર્ણ માલિકીની પેટા કંપની અદાણી એરપોર્ટ હોલ્ડિંગે (એએએચએલ) મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટમાંની ૨૩.૫ ટકાની ભાગીદારી એસીએસએ (એરપોર્ટ કંપની સાઉથ આફ્રિકા) ગ્લોબલ અને બિડ સર્વિસીઝ ડિવિઝન (મોરેશિયસ- બિડવેસ્ટ) પાસેથી રૂપિયા ૧૬૮૫.૨૫ કરોડમાં ખરીદી લીધી છે. સાત ફેબ્રુઆરીએ કંપનીએ શેરબજારમાં આ માહિતી આપી હતી.
• લશ્કર એ મુસ્તફાનો વડો હિદાયતુલ્લા મલિક પકડાયોઃ જમ્મુ પોલીસ અને અનંતનાગ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં શોપિયાં જિલ્લામાં ત્રાસવાદી પ્રવૃત્તિનું સંચાલન કરતાં લશ્કરે મુસ્તફાના કમાંડર હિદાયતુલ્લા મલિકને પકડી લેવાયો હતો. જમ્મુના આઈજી મુકેશ સિંહે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, જૈશ એ મોહમ્મદના એક આતંકીને પકડીને તેની પાસેથી આતંકવાદ સંબંધિત અન્ય માહિતી પોલીસ મેળવી રહી છે. પ્રાથમિક માહિતી અનુસાર તે જમ્મુમાં મોટો આતંકવાદી હુમલો કરવાની યોજના તૈયાર કરતો હતો ત્યારે જ ઝડપાઇ ગયો હતો. તેની પાસેથી એક પિસ્તાલ અને હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter