સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Thursday 25th February 2021 01:07 EST
 

ભારતતના વિવિધ ક્ષેત્રના સમાચારોની ઝલક...

• બાબા રામદેવની કોરોનિલને મંજૂરીનો વિવાદઃ પતંજલિની કોરોનિલને પરવાનગી કેવી રીતે મળી ગઈ? આ સવાલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને દેશના સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધનને પૂછ્યો છે. મેડિકલ એસોસિએશને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે વૈજ્ઞાનિક માપદંડોનું પાલન થયું નથી એ દવાનું લોન્ચિંગ ખુદ સ્વાસ્થ્ય પ્રધાને કયા આધારે કર્યું? બાબા રામદેવની પતંજલિ આયુર્વેદે કોરોના સામે લડત આપવાના દાવા સાથે કોરોનિલ લોંચ કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએસને આ દવાની પ્રમાણભૂતતા સામે સવાલ ખડાં કર્યા છે.
• નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા - રાહુલને નોટિસઃ દિલ્હી હાઈ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં નીચલી અદાલતમાં સુનાવણી સામે મનાઈ ફરમાવતાં સોમવારે આ કેસના આરોપી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતને પાંચને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કરેલી અરજી અનુસંધાને હાઇ કોર્ટે જવાબ માંગ્યો હતો. સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરલ્ડ કેસમાં નીચલી અદાલતમા ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો છે.
• રૂ. ૭૮૫ કરોડની બિનજાહેર આવકનો પર્દાફાશઃ આવકવેરા ખાતા દ્વારા મહારાષ્ટ્રના પૂણે સ્થિત જૂથ પર અને મધ્ય પ્રદેશના બિતુલ ખાતેના જૂથના વિવિધ સ્થળો પર સર્ચ ઓપરેશન અને દરોડા પાડીને અનુક્રમે રૂ. ૩૩૫ કરોડ અને રૂ. ૪૫૦ કરોડ મળીને કુલ ૭૮૫ કરોડની બિનજાહેર આવકનો પર્દાફાશ કર્યો હતો. મહારાષ્ટ્રમાં ૩૪ લોકેશન પર ઇન્કમટેક્સના અધિકારીઓએ દરોડા પાડયા હતાં અને રૂ. ૩૩૫ કરોડની બિનજાહેર આવક શોધી કાઢી હતી. બીજી તરફ અન્ય એક વ્યાપારી જૂથ સામેની કામગીરીમાં મધ્ય પ્રદેશના બેતુલ અને સતના ખાતે ૨૨ સ્થાનો પર દરોડા પાડયા હતા.
• ભારત મોરેશિયસને ધિરાણ આપશેઃ ભારતે મોરેશિયસને શસ્ત્રસામગ્રી ખરીદીમાં મદદરૂપ થવા રૂપિયા ૧૦ કરોડ ડોલરનું ધિરાણ પૂરું પાડવા ઓફર કરી છે. વિદેશપ્રધાન એસ. જયશંકર અને મોરેશિયસના વડા પ્રધાન પી. જગન્નાથ વચ્ચેની વાતચીત પછી બંને દેશોએ સમગ્ર આર્થિક સહયોગ ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. બંને દેશોએ મોરેશિયસની સમુદ્ર પર ચાંપતી નજર રાખવાની ક્ષમતામાં વધારો કરવા ડોર્નિયર વિમાન અને ધ્રુવ હેલિકોપ્ટરની જોગવાઈ માટેના પત્રોનું આદાનપ્રદાન કર્યું હતું.
• ડીએચએફએલની ગોબાચારીઃ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ)એ સોમવારે જણાવ્યું હતું કે તેના ટ્રાન્ઝેક્શન ઓડિટર ગ્રાન્ટ થોર્ટને કંપનીમાં વધુ રૂ. ૬,૧૮૨ કરોડનો કપટપૂર્ણ સોદો પકડી પાડયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter