સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Saturday 13th March 2021 06:12 EST
 

• ભારતીય સૈન્યને ‘ભાવિ બળ’ તરીકે વિકસાવાશેઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કેવડિયા કોલોનીમાં ત્રણ દિવસથી ચાલતી કમ્બાઈન્ડ કમાન્ડર કોન્ફરન્સના સમાપન કાર્યક્રમને સંબોધન કર્યું હતું. કોન્ફરન્સમાં વડા પ્રધાન ઉપરાંત રક્ષાપ્રધાન રાજનાથ સિંહ, સીડીએસ બિપિન રાવત, નૌકાદળ વડા એડમિરલ કર્મબીરસિંગ, ભૂમિદળ વડા જનરલ એમ. એમ. નરવણે, હવાઈદળ વડા એર ચીફ માર્શલ આર. કે. એસ. ભદૌરિયા, સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ડીઆરડીઓના ચેરમેન જી. સતીષ રેડ્ડી સહિત ૭૦ જેટલા સુરક્ષા સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરસ્થિત હતા. વડા પ્રધાને સંબોધનમાં જણાવ્યું હતું કે, ઝડપથી બદલાતા ટેકનોલજિકલ લેન્ડસ્કેપમાં ભારતીય સૈન્યને ‘ભાવિ બળ’ તરીકે વિકસાવવાની જરૂરિયાત છે, જે દિશામાં સરકાર દ્વારા કામ કરાશે.
• ‘સ્વતંત્રતાના ૭૫ વર્ષ’ આયોજન માટે ૨૫૯ સભ્યોની સમિતિઃ દેશની આઝાદીના ૭૫ વર્ષ ૨૦૨૨માં પૂરા થશે. આ માટે એક વર્ષ ઉજવણી કરાશે. ૧૫ ઓગસ્ટ ૨૦૨૨થી ૭૫ સપ્તાહ પહેલા એટલે કે ૧૨ માર્ચથી જ સમારંભ શરૂ થઇ રહ્યા છ. આ માટે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતા હેઠળ ૨૫૯ સભ્યોની સમિતિ બનાવી છે. તેમાં સીજેઆઈ બોબડે, સોનિયા ગાંધી, મનમોહનસિંહ, એલ.કે. અડવાણી, જગ્ગી વાસુદેવ, બાબા રામદેવ, શરદ પવાર ઉપરાંત કેબિનેટ પ્રધાન, મુખ્ય પ્રધાનો, રાજ્યપાલ, ત્રણેય પાંખના વડાને સામેલ કરાયા છે. પહેલી બેઠક ૮ માર્ચે દિલ્હીમાં યોજાશે. અન્ય સભ્યોમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, રજનીકાંત, લત્તા મંગેશકર, શિવકુમાર શર્મા, તેંદુલકર, ગાવાસ્કર, રતન ટાટા, ઈશ્રીધરન વગેરેનો સમાવેશ થાય છે.
• ઉત્તરાખંડના મુખ્ય પ્રધાનનું રાજીનામુંઃ ઉત્તરાખંડના રાજકારણમાં મંગળવારે અપેક્ષા મુજબ પરિવર્તન આવ્યું હતું. મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવતે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપના ધારાસભ્યોના એક વર્ગમાં રાવતની કાર્યશૈલીની વિરુદ્ધ આક્રોશ જોવા મળી રહ્યો હતો, જેના કારણે તેમની વિરુદ્ધ હાઈકમાન્ડને ફરિયાદ ગઈ હતી. પાર્ટીના ધારાસભ્યોની બુધવારે બેઠક મળશે, જેમાં નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવશે. મુખ્ય પ્રધાન રાવતની કાર્યપદ્ધતિ સામે ધારાસભ્યોના એક સમૂહે નવી દિલ્હીમાં પાર્ટી હાઈકમાન્ડને ફરિયાદ કરી હતી. આને પગલે સોમવારે રાવતને દિલ્હી બોલાવાયા હતા.
• દીદીને વધુ એક આંચકો, મિથુન તથા પાંચ ધારાસભ્યો ભાજપમાંઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનરજીને ફરી મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે ટીએમસીના પાંચ વિધાયકો પક્ષ છોડીને ભાજપમાં જોડાયા હતા. જે ટીએમસી નેતાઓએ મમતા બેનરજીનો સાથ છોડયો તેમાં સોનાલી ગુહા, દીપેન્દૂ બિસ્વાસ, રબિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટૂ લાહિડી, શીતલ સરદાર અને હબીબપુરના ટીએમસી ઉમેદવાર સરલા મુર્મૂ સામેલ છે. તો બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કોલકતામાં યોજાયેલી વિશાળ રેલી દરમિયાન મિથુન ચક્રવર્તી પણ ભાજપમાં સામેલ થયા હતા.
• એન્ટિલિયા પાસેથી મળેલી કારના માલિકનું શંકાસ્પદ મૃત્યુઃ મુંબઈઃ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીકથી વિસ્ફોટકો અને ધમકીભર્યા પત્ર સાથે મળેલી એસયુવીના માલિક મનસુખ હિરેનનું શંકાસ્પદ મોત થયું છે. મુંબ્રા વિસ્તારની ખાડીમાંથી શુક્રવારે મૃતદેહ મળી આવ્યો હતો. અગાઉ એસયુવીના માલિક મનસુખ હિરેન ગુમ થયાની નોપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. જિલેટિનની ૨૦ સ્ટિક સાથે મનસુખની એસયુવી થોડા દિવસો અગાઉ મુકેશ અંબાણીના ઘર નજીકથી મળી હતી. સમગ્ર કેસ જે પ્રકારે ગુંચવાઇ રહ્યો છે તે જોતાં ભારત સરકારે કેસની તપાસ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીને સોંપી છે. મનસુખ હિરેનના પરિવારજનો અને પડોશીઓે કહ્યું કે મનસુખભાઇ તો બિલ્ડિંગના બાળકોને સ્વિમિંગ શીખવતા હતા. તેઓ આપઘાત ન કરી શકે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter