• તોયબાના ચાર આતંકી ઠારઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સૈન્ય અને લશ્કરે તોયબાના આતંકીઓ સોમવારે વચ્ચે ભારે ઘર્ષણ થયું હતું. જેમાં સૈન્યએ ચાર આતંકીઓને ઠાર માર્યા હતા. આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળ્યા બાદ સૈન્ય દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આઇજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે આતંકીઓએ આત્મસમર્પણ કરવાની ના પાડી દીધી હતી જે બાદ આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા આતંકીઓમાં રઇસ અહેમદ, આમીર શરીફ, રકીબ અહેમદ, આફતાબ અહેમદનો સમાવેશ થાય છે. આ વર્ષે નવ એન્કાઉન્ટર કરાયા છે. આ વર્ષે ૧૮ કાશ્મીરી યુવકો આતંકવાદી બની ગયા હતા જેમાંથી પાંચ માર્યા ગયા છે.
• નક્સલી હુમલામાં ૫ જવાન શહીદઃ છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં મંગળવારે નક્સલવાદીઓએ ડીઆરજી જવાનોથી ભરેલી બસમાં વિસ્ફોટ કર્યો હતો. જેમાં પાંચ જવાન શહીદ થઈ ગયા છે, જ્યારે ૧૪ જવાન ઈજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ સમયે બસમાં ૨૪ જવાન હતા. ઘટનાની જાણ થતા જ બેકઅપ ફોર્સ ઘટના સ્થળે રવાના થઈ ગઈ હતી. તમામ જવાન એક ઓપરેશન પાર પાડીને પરત ફરી રહ્યા હતા. છત્તીસગઢના પોલીસ વડા એ ઘટનાની પૃષ્ટિ કરી હતી.
• દિલ્હીમાં ઉપરાજ્યપાલનું કદ - સત્તા વધ્યાઃ લોકસભામાં વિરોધ વચ્ચે ગવર્ન્મેન્ટ ઓફ નેશનલ કેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી (અમેન્ડમેન્ટ) બિલ ૨૦૨૧ પસાર કરી દેવાયું છે. કેન્દ્રીય પ્રધાન જી. કિશન રેડ્ડી દ્વારા દાખલ કરાયું આ બિલ લોકસભાની બહાલી મેળવી ચૂક્યું છે જેના દ્વારા હવે દિલ્હીમાં ઉપરાજ્યપાલને વધારે સત્તા મળશે અને રોજિંદા ગવર્નન્સમાં તેમનું કદ પણ વધશે. ઘણા સમયથી કેજરીવાલ સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે અને તેમાં આ બિલને નીચલા ગૃહમાં મંજૂરી મળતાં દિલ્હી સરકાર ભીંસમાં આવે તેમ છે.
• લેખક-દિગ્દર્શક સાગર સરહદીનું નિધનઃ વિખ્યાત ઉર્દૂ લેખક અને હિન્દી ફિલ્મોમાં પટકથા લેખક-સંવાદ લેખક કરનારા સાગર સરહદીનું રવિવારે ટૂંકી માંદગી બાદ ૮૮ વર્ષની વયે અવસાન થયું હતું. તેમના ભત્રીજા અને ફિલ્મસર્જક રમેશ તલવારે જણાવ્યું હતું કે છેલ્લા થોડા દિવસથી તેમની તબિયત સારી નહોતી. રવિવારે મધરાત પૂર્વે તેમનું સાયન ખાતે આવેલા નિવાસસ્થાને અવસાન થયું હતું. સરહદીએ સ્મિતા પાટીલ અને નસીરુદ્દીન શાહની ૧૯૮૨ની ફિલ્મ બાઝારને ડાયરેક્ટ કરી હતી. તો તેમણે હૃતિક રોશન અને અમીષા પટેલની કહોના પ્યાર હૈ તેમજ અમિતાભ બચ્ચનની સુપરહિટ ફિલ્મ સિલસિલાની પણ સ્ક્રિન લખી હતી.