રાષ્ટ્રીય તખતે બનેલી ઘટનાઓની ઝલક...
• પેગાસસ મામલે તપાસ પંચ રચનારું પશ્ચિમ બંગાળ પહેલું રાજ્યઃ પેગાસસ જાસૂસી મામલે પશ્ચિમ બંગાળની મુખ્યપ્રધાન મમતા બેનરજીએ તપાસ પંચ રચવાનો આદેશ આપ્યો છે. આ તપાસપંચમાં બે નિવૃત્ત ન્યાયાધીશ સામેલ છે. તે પશ્ચિમ બંગાળમાં ફોન ટ્રેકિંગ, ફોન હેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરશે. મમતાએ દિલ્હી જતા પહેલા કેબિનેટમાં આ નિર્ણય લીધો છે. મમતાએ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા હતા કે પેગાસસ જાસૂસી કૌભાંડની તપાસ માટે કેન્દ્ર પંચ બનાવે, પરંતુ કેન્દ્ર કશું કરી રહ્યું નથી.
• ટ્રેક્ટર લઇને સંસદ પહોંચ્યા રાહુલ ગાંધીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતે ટ્રેક્ટર ચલાવીને સંસદ પહોંચ્યા હતા. તેમણે સંસદ બહાર કેન્દ્ર સરકારના ત્રણ કૃષિકાયદાનો વિરોધ કર્યો. આ દરમિયાન સંસદમાં ચોમાસુ સત્ર ચાલતું હતું. રાહુલ ગાંધીએ મીડિયા સાથેની વાતચિતમાં કહ્યું કે અમે ખેડૂતોનો સંદેશ લઇને સંસદ આવ્યા છીએ. સરકાર ખેડૂતોનો અવાજ દબાવી રહી છે. સંસદમાં વિવાદિત કૃષિકાયદાની તેઓ ચર્ચા રોકી રહ્યા છે. સરકારે આ ત્રણેય કાયદા પાછા ખેંચવા પડશે. આખો દેશ જાણે છે. આ કાયદા ફક્ત બે- ત્રણ ઉદ્યોગપતિને ફાયદો કરાવશે.
• રાષ્ટ્રપતિ કોવિંદના કાર્યકાળના ચાર વર્ષ, ૬૩ બિલને મંજૂરીઃ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોતાના કાર્યકાળના ચાર વર્ષ પૂર્ણ કર્યા હતા. કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિએ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોને ૬૩ બિલોને મંજૂરી આપી હતી. તેઓએ ૨૫મી જુલાઈએ ૨૦૧૭ના પદ સંભાળ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનના સૂત્રો અનુસાર રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાને ચાર વર્ષ પૂર્ણ થતાં ઈ-બુક પણ લોંચ કરાઈ હતી. ઈ-બુક મુજબ કોવિંદે ૧૩ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની મુલાકાત લીધી છે. રાષ્ટ્રપતિ કોવિંદે કેન્દ્ર સરકારના ૪૩ જ્યારે રાજ્ય સરકારના ૨૦ બિલોને મંજૂરી આપી હતી.
• સિદ્ધુ પંજાબ કોંગ્રેસના કેપ્ટન બન્યાઃ ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદ સંભાળી લીધું હતું. મુખ્યપ્રધાન અમરિન્દરસિંહ આ સમારંભમાં હાજર રહેતા બંનેના સંબંધોમાં આવેલી કડવાશનો અંત આવ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પંજાબ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષપદે સિદ્ધુની વરણી કરી હતી. સમારંભને સંબોધવા ઊભા થતાં જ તેમણે ક્રિકેટ ખેલાડીની જેમ જ બોલને બેટથી શોટ મારતા હોય તેવી એક્શન કરી હતી. પાસે બેઠેલા કેપ્ટન અમરિન્દરસિંહ અને હરીશ રાવતને ઇગ્નોર કરતા આગળ વધ્યા હતા.
• RBI દેશમાં તબક્કાવાર ડિજિટલ કરન્સી દાખલ કરશે: આરબીઆઈ દ્વારા દેશમાં તબક્કાવાર ડિજિટલ કરન્સી દાખલ કરવામાં આવશે તેવા સંકેતો આરબીઆઈનાં ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકરે આપ્યા હતા. તેમણે કહ્યું કે ડિજિટલ કરન્સી ચલણમાં મૂકતા પહેલાં દેશનાં ફોરેન એક્સ્ચેન્જ નિયમોમાં તેમજ માહિતી ટેક્નોલોજીનાં કાયદામાં સુધારા કરવા પડશે તે પછી ડિજિટલ કરન્સી દાખલ કરવામાં આવશે.
• પેગાસસ દ્વારા અનિલ અંબાણી પર જાપ્તો રખાયો હતો?ઃ સીબીઆઇના ભૂતપૂર્વ વડા આલોક વર્માને રફાલે મામલે કેન્દ્ર સરકાર મુશ્કેલીમાં મુકાયા પછી વર્ષ ૨૦૧૮માં તેમને રાતોરાત રવાના કરી દેવાયા હતા. તેમને હોદ્દા પરથી રવાના કરાયાના કલાકોમાં જ પેગાસસથી તેમની જાસૂસી કરાઈ હોવાનો દાવો ધ વાયર નામની વેબસાઇટે કર્યો હતો. આ ઉપરાંત ઉદ્યોગપતિ અનિલ અંબાણી અને એરોસ્પેસ ઉદ્યોગના કેટલાક ટોચના અિધકારીઓના નામ પણ આ કહેવાતી સર્વેલન્સ યાદીમાં જોવા મળ્યા હતા. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીઓ વખતે રફાલ સોદો ચર્ચાનો વિષય બન્યો હતો અને અનિલ અંબાણી પણ એ સોદામાં રફાલ બનાવનારી કંપની દસોલ્ટ સાથે કોઇ સોદો કર્યો હોવાના સંકેતો થયા હતા.
• ટીએમસી સાંસદ શાંતનુ સેન ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડઃ રાજ્યસભામાં ગેરશિસ્ત આચરવા માટે તૃણમૂલ કોંગ્રેસનાં સાંસદ શાંતનુ સેનને આખા ચોમાસું સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પેગાસસ કાંડની ચર્ચા વખતે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ દ્વારા જવાબ આપવામાં આવતો હતો તે વખતે શાંતનુ સેન દ્વારા તેમનાં હાથમાંથી કાગળો આંચકીને ફાડી નાખવામાં આવ્યા હતા. સંસદમાં બેજવાબદાર અને અભદ્ર વર્તન કરવા માટે તેમની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા. રાજ્યસભાનાં અધ્યક્ષ વેંકૈયા નાયડુ દ્વારા શાંતનુ સેનને ગૃહમાંથી સસ્પેન્ડ કરવાની જાહેરાત કરાઈ હતી. ગૃહની બેઠક મળતા જ નાયડુએ બનેલી ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે આઈટી પ્રધાનનાં હાથમાંથી કાગળો આંચકીને ફાડી નાખવાની ઘટનાને કારણે ગૃહની ગરિમાને લાંછન લાગ્યું છે.
• ટીઆરએસ સંસદને ૬ મહિનાની જેલ, મતદારોને લાંચ આપવા બદલ સજાઃ તેલંગાણાની એક કોર્ટ મહેબૂબાબાદના ટીઆરએસ સાંસદ મલોથ કવિતાએ ૬ મહિનાની જેલની સજા સંભળાવી, સજા ૨૦૧૯ની ચૂંટણીમાં મતદારોને લાંચ આપવા મામલે સંભળાઇ હતી. કવિતા વિરુદ્વ ચૂંટણી અધિકારીઓએ બર્ગમપહાડ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. કવિતાએ જણાવ્યું કે તેમને જામીન મળી ગયા છે અને તેઓ આ ચુકાદાએ હાઇકોર્ટમાં પડકારશે.