સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Thursday 02nd September 2021 05:16 EDT
 

ભારત સાથે સંકળાયેલા સમાચારો સંક્ષિપ્તમાં...

• નિરવ મોદીની વધુ રૂ. ૫૦૦ કરોડની સંપત્તિ બેંકને સોંપાશેઃ મુંબઇની એક વિશેષ કોર્ટે ભાગેડુ નિરવ મોદીની કંપનીઓની ૫૦૦ કરોડ રૂપિયાની સંપત્તિને પંજાબ નેશનલ બેંકને સોપી દેવા અનુમતી આપી દીધી છે. બે સપ્તાહમાં ત્રીજો એવો આદેશ છે કે જેમાં નિરવ મોદીની કંપનીઓની સંપત્તિને બેંકને સોંપવામાં આવી રહી છે. આ બધી સંપત્તિઓનું કુલ મુલ્ય ૧૦૦૦ કરોડ રૂપિયા છે. નિરવ મોદીને ડિસેમ્બર ૨૦૧૯માં ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવામાં આવ્યો હતો. નિરવ અને તેના મામા મેહુલ ચોકસી પર પંજાબ નેશનલ બેંક સાથે છેતરપિંડીથી ૧૪૦૦૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચરવાનો આરોપ છે. હાલમાં જ ઇડી દ્વારા પણ તેની સંપત્તિઓને અટેચ કરવામાં આવી હતી. આ પહેલા કોર્ટે પીએનબી દ્વારા આ વર્ષે જુલાઇમાં ૧૦૮.૩ કરોડ રૂપિયાની ફાયરસ્ટાર ઇંટરનેશનલ (એફઆઇએલ) અને ૩૩૧.૬ કરોડ રૂપિયાની ફાયરસ્ટાર ડાયમંડ ઇંટરનેશનલ પ્રાઇવેટ લિ.ની સંપત્તિઓને જારી કરવાની માગ કરતી અરજીઓને અનુમતિ આપી દીધી હતી. પીએનબીએ આ બે કંપનીઓને આપવામાં આવેલા લોનના બદલામાં જે સંપત્તિ ગિરવી રાખવામાં આવી હતી તેને જારી કરવાની માંગ કરવામાં આવી હતી.
• ૮૦ ટકા દક્ષિણ મુંબઈ ૨૦૫૦ સુધીમાં દરિયામાં ગરકાવ થશે: બૃહદ મુંબઇ નગરપાલિકાના કમિશનર ઇકબાલસિંહ ચહલે મુંબઈ શહેરને લઈને એક અત્યંત ભયાનક આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે નરિમાન પોઇન્ટ અને રાજ્ય સચિવાલય મંત્રાલય સહિત ૮૦ ટકા દક્ષિણ મુંબઈ ૨૦૫૦ સુધીમાં પાણીનું સ્તર વધવાના કારણે દરિયામાં ગરકાવ થશે. તેમણે ઉમેર્યું હતું કે પ્રકૃતિ ચેતવણી આપી રહી છે, પરંતુ જો લોકો જાગશે નહીં તો આગામી સમયમાં અહીંની સ્થિતિ ખતરનાક થઈ જશે. દક્ષિણ મુંબઈના એ, બી, સી, ડી વોર્ડનો ૭૦ ટકા હિસ્સો ક્લાઇમેટ ચેન્જના કારણે પાણીમાં ગરકાવ થશે. કફ પરેડ, નરિમાન પોઇન્ટ અને મંત્રાલય જેવા એંસી ટકા વિસ્તારો પાણીમાં ગાયબ થઈ જવાના છે. અને આ ફક્ત ૨૫-૩૦ વર્ષ દૂરની જ વાત છે, કેમ કે ૨૦૫૦ વધારે દૂર નથી.
ચહલે જણાવ્યું હતું કે, પાછલા વર્ષે ૧૨૯ વર્ષમાં પહેલી વાર કોઈ ચક્રવાત (નિસર્ગ) મુંબઈ સાથે ટકરાયું હતું અને તે પછી પાછલા ૧૫ મહિનામાં ત્રણ ચક્રવાત આવ્યા છે. તે પછી પાંચ ઓગસ્ટ ૨૦૨૦ના રોજ નરિમાન પોઇન્ટ ઉપર પાંચથી સાડા પાંચ ફૂટ પાણી જમા થયા હતાં. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, આ શહેરે તાજેતરમાં અત્યંત પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કર્યો છે.
• પબજીની લતમાં પુત્રે માતાના રૂ. ૧૦ લાખ ઉડાવ્યાઃ પબજી ગેમની કૂટેવ બાળકોને કેટલી હદ સુધી લઈ જઈ શકે તે દર્શાવતો વધુ એક કિસ્સો મુંબઈમાં બહાર આવ્યો છે. પબજી ગેમ રમવા માટે ઓનલાઈન લેવડદેવડમાં માતા-પિતાના ખાતામાંથી રૂ. ૧૦ લાખ ઉડાવી દેનાર ૧૬ વર્ષના તરુણને માતાપિતાએ ઠપકો આપતાં તે ઘરેથી ભાગી ગયો હતો. જોકે પછી માતાપિતા બાળકે શોધવા માટે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે તરુણને અંધેરી (ઈસ્ટ)માં મહાકાળી કેવ્ઝ વિસ્તારમાંથી શોધી કાઢ્યો હતો અને માતાપિતાને સોંપી દીધો હતો. કિશોર પાછલા મહિને પબજી ગેમની ટેવનો શિકાર થયો હતો અને મોબાઈલ ફોન ઉપર આ ગેમ રમતા રમતા પોતાની માતાના બેન્ક ખાતામાંથી દસ લાખ રૂપિયા ખર્ચી નાખ્યા હતા.
• ઝવેરાત કંપનીની રૂ. ૩૬૩ કરોડની મિલકતો ટાંચમાંઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ૨૮ ઓગસ્ટે જણાવ્યું હતું કે જાહેર ક્ષેત્રની કંપની એમએમટીસી સાથે થયેલી છેતરપિંડી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીએ એક ઝવેરાત કંપનીની રૂપિયા ૩૬૩ કરોડની મિલકતો ટાંચમાં લીધી છે. એમબીએસ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, એમબીએસ ઇમ્પેક્ટ પ્રાઇવેટ લિમિટેડ, સુકેશ ગુપ્તા, અનુરાગ ગુપ્તા, નીતુ ગુપ્તા, વંદના ગુપ્તાની ૪૫ જેટલી સ્થાવર મિલકતો પર મની લોન્ડરિંગ કાયદા હેઠળ ટાંચ મૂકવામાં આવી છે. હૈદરાબાદ સીબીઆઈ એન્ટિકરપ્શન બ્યૂરો દ્વારા સુકેશ ગુપ્તા અને અન્યો સામે મેટલ એન્ડ મિનરલ્સ ટ્રેડિંગ કોર્પોરેશન (એમએમટીસી) પાસેથી ક્રેડિટ સ્કીમ હેઠળ થયેલી ખરીદી સંદર્ભમાં ઇડીએ પણ મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
• ફ્યુચર જૂથે એમેઝોન સામે ફરી સુપ્રીમમાં ધા નાંખીઃ ફ્યૂચર રિટેલે દિગ્ગજ અમેરિકન ઓનલાઈન રિટેલર એમેઝોન સામે શનિવારે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ૬૦૦૦થી વધારે પેજિસ ધરાવતાં ફાઇલિંગમાં ફ્યુચર જૂથે દલીલ કરી છે કે જો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથેનો તેનો આ સોદો આગળ નહી વધી શકે તો તેને પરિણામે કલ્પના પણ ના થઈ શકે તેટલું નુકસાન જૂથને થઈ શકે છે. જેમાં ૩૫,૫૭૫ કર્મચારીઓ માટે રોજગારી છીવાઈ જવાની સંભાવનાનો પણ સમાવેશ થાય છે તો બેન્ક લોન અને ડિબેન્ચરમાં આશરે રૂ. ૨૮૦૦૦ કરોડનું જોખમ ઊભું થઈ શકે છે. ફ્યૂચરના વકીલ યુગાંધરા પવાર ઝાએ જણાવ્યું હતું કે આ પિટિશનને સાંભળવી અત્યંત જરૂરી છે.
• આસામ પૂરથી ૧૧ જિલ્લાના ૧.૩૩ લાખ લોકો સંકટમાંઃ આસામના અધિકારીઓએ જણાવ્યા મુજબ રાજ્યમાં પૂરસંકટ વકર્યું છે. ૧૧ જિલ્લામાં જળબંબાકાર જેવી સ્થિતિ હોવાથી ૩૯,૦૦૦ બાળકો સહિત ૧.૩૩ લાખ લોકો પૂરસંકટનો સામનો કરી રહ્યા છે. ૭,૫૮૪ હેક્ટર ઉપજાઉ વિસ્તારમાં પાણી ભરાઈ જતાં ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ બોંગાઇગાંવ (સૌથી વધુ ૬૩, ૮૯૧ લોકો પ્રભાવિત), ધેમાજી (૩૧,૫૦૦), મોજુલી (૧૩,૨૩૯), દિબ્રુગઢ (૧૦,૬૯૭) અને ચિરાંગ (૧૦,૬૩૪) એમ પાંચ જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. બ્રહ્મપુત્રા અને તેની પેટા નદીઓમાં ભારે પૂર આવતાં ૨૪૩ ગામો પૂરસંકટનો સામનો કરી રહ્યા છે. બ્રહ્મપુત્રા નદી અનેક સ્થાને ખતરાના નિશાન ઉપર વહી રહી હતી. પૂર અસરગ્રસ્તોને મદદ કરવા ૭૪ રાહત છાવણી શરૂ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને પૂરને કારણે સંખ્યાબંધ રસ્તા, પુલ, આડબંધ સહિતના માળખાને નુકસાન પહોંચ્યું છે. બોંગાઇગાંવ અને ધેમાજી જિલ્લામાં ૧૬ જેટલા રસ્તાને નુકસાન પહોંચ્યું હતું. ઠેર ઠેર જમીન ધોવાણ થયું છે.
• શીલા મથાઇ ASMSના પ્રથમ મહિલા ડીજી બન્યાઃ સર્જન વાઇસ એડમિરલ શીલા સામંતા મથાઇ આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વીસિસ (એએસએમએસ)ના ડાયરેક્ટર જનરલ બની ગયા છે. નેવીમાં આ રેન્કના પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી છે. પૂણે આર્મી મેડિકલ કોલેજમાંથી એમબીબીએસ થયેલા મથાઇ નેવી મેડલથી પણ સન્માનવામાં આવ્યા છે. તાજેતરમાં આર્મીમાં ૫ મહિલાઓને પણ કર્નલપદે નિમણૂક આપવાનું ઠરાવવાનું આવ્યું છે. આર્મી અને નેવીમાં મહિલા અધિકારીઓનો દબદબો વધી રહ્યો છે.
• ભારતીય વાયુસેના રશિયા પાસેથી ૭૦ હજાર એસોલ્ટ રાઇફલ ખરીદશેઃ ભારતીય વાયુસેનાએ રશિયા સાથે ૭૦ હજાર એકે-૧૦૩ અસોલ્ટ રાઇફલ ખરીદવા માટે એક સમજૂતી કરાર કર્યા છે. આ ડીલ જૂની થઇ ચુકેલા ઇન્સાસ રાઇફલના સપ્લાઇને બદલવા માટે કરાઇ છે. ગુપ્તચર એજન્સીઓને ભારતમાં સક્રિય આતંકી સમુહોને અફઘાનમાં અમેરિકી સૈનિકો દ્વારા છોડવામાં આવેલા હથિયારો મળવાની આશંકા વ્યક્તિ કરી છે. એટલા માટે આ ડીલ મહત્વપૂર્ણ મનાઇ રહી છે.
• ઉત્તર પ્રદેશમાં વાઇરલ તાવથી ૫૦ મોતઃ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે પશ્ચિમ યુપીના ૬ જિલ્લામાં રહસ્યમય વાઈરલ તાવથી એક સપ્તાહમાં ૫૦ લોકોના મોત થયા છે. જેમાં ૨૬ બાળકોનો પણ સમાવેશ થાય છે. આગ્રા, ફિરોઝાબાદ, મથુરા, મેનપુરી, એટા અને કાસ્તગંજ જિલ્લામાં સૌથી વધુ અસર જોવા મળે છે. તમામ કેસમાં તાવ, ડિહાઈડ્રેશન, પ્લેટલેટ કાઉન્ટમાં અચાનક ઘટાડો જેવા લક્ષણ જોવા મળ્યા છે. આ તાવનું હવે સ્વરૂપ બદલાયું છે અને દર્દીના સાજા થતાં ૧૫ દિવસનો સમય લાગે છે. અનેક હોસ્પિટલો આ કારણે ફૂલ થઈ ગઈ છે. સૌથી વધુ ૨૫ મોત ફિરોઝાબાદમાં નોંધાયા છે. ડોક્ટરનું કહેવું છે કે મૃતકમાં કોઈ પણ કોરોના પોઝિટિવ નહોતું. પહેલા વાઈરલ તાવ ખતમ થવામાં ૪-૫ દિવસ લાગતા હતા હવે ૧૨થી ૧૫ દિવસ લાગે છે.
• આંતરરાષ્ટ્રીય માનવ તસ્કરીનો પર્દાફાશઃ ઉત્તર પ્રદેશ પોલીસે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી માનવ તસ્કરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. ઉત્તર પ્રદેશથી અનેક મહિલાઓ, યુવતીઓને વિદેશમાં નોકરીની લાલચ આપીને મોકલવામાં આવતી હતી. જ્યારે વિદેશ પહોંચ્યા બાદ આ મહિલાઓને અલગ જ કામમાં લગાવી દેવામા આવતી હતી. આ આંતરરાષ્ટ્રીય રેકેટમાં માત્ર ઉત્તર પ્રદેશ જ નહીં પંજાબ, ગોવા, તમિલનાડુ, કર્ણાટકથી પણ મહિલાઓને વિદેશ મોકલવામાં આવતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ૨૪થી ૪૫ વર્ષની મહિલાઓ અને યુવતીઓને ગલ્ફ દેશો જેવા કે ઓમન, કતાર, કુવૈત, સાઉદી અરેબિયા વગેરેમાં મોકલવામાં આવતી હતી. આ રેકેટ પાડોશી દેશો પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકામાં પણ ચાલી રહ્યું છે. કાનપુર પોલીસના જણાવ્યા પ્રમાણે, કાનપુરના જ એક નાગરિક દ્વારા માનવ તસ્કરીની ફરિયાદ અમને એપ્રિલમાં મળી હતી જે બાદ અમે તપાસ શરૂ કરતા રેકેટ બહાર આવ્યું છે.
• હરિયાણામાં આંદોલનકારી ખેડૂતો પર બર્બર લાઠીચાર્જઃ હરિયાણામાં આંદોલનકારી ખેડૂતો પર રવિવારે પોલીસ દ્વારા નિર્દયતાપૂર્વક લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો, જેને પગલે અનેક ખેડૂતો લોહીલુહાણ થઇ ગયા છે. આ ઘર્ષણમાં આશરે ૧૦ જેટલા ખેડૂતો ઘાયલ થયા છે. પોલીસના બર્બર્તાપૂર્વકના લાઠીચાર્જ બાદ ખેડૂતો વિફર્યા હતા અને હરિયાણાના હાઇવે જામ કરી દીધા હતા. લોહીલૂહાણ ખેડૂતોના વીડિયો અને તસવીરો વાઇરલ થઇ રહી છે અને ખટ્ટર સરકારની ભારે ટીકા થઇ રહી છે. હરિયાણાના કર્નાલમાં ભાજપના નેતાઓ એકઠા થવા રહ્યા હોવાની જાણકારી ખેડૂતોને મળી હતી. કેન્દ્ર સરકારના કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહેલા ખેડૂતો હરિયાણાના મુખ્ય પ્રધાન પર આ કાયદા પરત લેવા દબાણ કરી રહ્યા છે. તેઓ આ વિરોધના ભાગરૂપે જ કર્નાલ તરફ જઇ રહ્યા હતા જ્યાં ભાજપનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો હતો. જોકે તેમને પોલીસે રસ્તામાં જ રોકી લીધા હતા અને ભારે લાઠીચાર્જ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter