સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 27th March 2019 07:54 EDT
 

• મેહુલ ચોકસીની ભારત ન આવવા બહાનાબાજીઃ પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોકસીએ ભારત પાછા નહીં આવવા કોર્ટના રજૂ કરેલા મેડિકલ રિપોર્ટમાં તબિયત ખરાબ હોવાના અનેક કારણો આપ્યાં છે. જેમ કે, મારા મગજમાં લોહી ગંઠાઈ ગયું છે, હાઇપરટેન્શન છે, પગમાં દુખાવો થાય છે, ડાયાબીટિસની તકલીફ છે આથી હું ભારત પાછો આવી શકું તેમ નથી. મેહુલ ચોકસીએ મુંબઈની પીએમએલએ કોર્ટમાં અરજી કરી છે કે, તબિયત ખરાબ હોવાથી પ્રવાસ કરી શકું તેમ નથી.
• અલકાયદા દ્વારા ભયાનક હુમલાનો ભય: ન્યૂ ઝીલેન્ડની મસ્જિદમાં થયેલા હુમલાનો બદલો લેવા અલકાયદા અને આઈએસઆઈએસ જેવા આતંકી જૂથ મુંબઈ, દિલ્હી અને ગોવામાં હુમલો કરે એવી બાતમી ઇન્ટેલિજન્સ બ્યૂરોને મળી છે.
• જોધપુરમાં અસ્થિ બેંકનો પ્રારંભઃ તત્કાળ પોતાના દિવંગતના અસ્થિ ગંગામાં પધરાવવા અસમર્થ પરિજનો જોધપુરની અસ્થિ બેંકમાં મૃતકનાં અસ્થિ જમા કરાવી શકે છે. આ અસ્થિ વિના મૂલ્યે એક વર્ષ સુધી બેંકમાં સચવાશે. એક વર્ષ સુધીમાં પરિજનો અસ્થિ લેવા નહીં આવે તો અસ્થિને ગંગામાં પધરાવી દેવાશે.
• બોર્ડિંગ પાસમાં મોદી-રૂપાણીની તસવીરથી વિવાદઃ એર ઈન્ડિયાએ બોર્ડિંગ પાસમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની તસવીર છાપતાં વિવાદ સર્જાયો હતો. વિપક્ષોએ આચાર સંહિતા ભંગ થયા મુદ્દે વિરોધ કર્યો તે પછી એર ઈન્ડિયાએ તસવીરો ધરાવતા બોર્ડિંગ પાસ પાછા ખેંચ્યા હતા.
• કર્ણાટકમાં આઈટી દ્વારા કરોડોની વિદેશી સંપત્તિ જપ્તઃ કર્ણાટક-ગોવા આવક વેરા વિભાગે રૂ. ૮૦૦ કરોડની વિદેશી સંપત્તિ શોધીને ત્રણ જણા સામે કેસ કર્યા હતા, એમ વિભાગના ટોચના અધિકારીએ કહ્યું હતું. આજ સુધી વિભાગે આશરે રૂ. ૮૦૦ કરોડની વિદેશી સંપત્તિને શોધી કાઢી હતી અને ત્રણ કેસ કર્યા હતા. દસ આરોપીઓને પણ નોટીસો ફટકારવામાં આવી હતી. એમ ચીફ ઇન્કમ ટેક્સ કમિશનર બી. આર. બાલાક્રિષ્ણને કહ્યું હતું.
• યેદિયુરપ્પાએ ભાજપને રૂ. ૧૮૦૦ કરોડ લાંચ આપી?: લોકસભા ચૂંટણી પ્રચારમાં નેતાઓ એકબીજા પરના આરોપ-પ્રત્યારોપની વચ્ચે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ બોલાવી ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો છે. તેમણે એક અહેવાલનો સંદર્ભ આપી જણાવ્યું છે કે કર્ણાટકના પૂર્વ મુખ્ય પ્રધાન બી એસ યેદિયુરપ્પાની તરફથી ભાજપના કેન્દ્રીય નેતૃત્વને ૧૮૦૦ કરોડની લાંચ અપાઈ હતી.
• પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડનો સાથી પકડાયો: દિલ્હીની પોલીસે પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ મુદસ્સીર ખાનના સહયોગી જૈશ-એ-મોહમ્મદના આતંકી સજ્જાદ ખાનની દિલ્હીના લાજપત નગરમાંથી ૨૨મીએ ધરપકડ કરી લીધી હતી. સજ્જાદને એનઆઇએએ પટિયાલા હાઉસ કોર્ટમાં હાજર કર્યો હતો.
• અલગતાવાદી નેતાના સંગઠન પર પ્રતિબંધઃ કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકના સંગઠન વિરૃદ્ધ સરકારે કાર્યવાહી કરીને પ્રતિબંધ મૂકી દીધો છે. ગૃહ મંત્રાલયના અધિકારીએ આ અંગેની જાહેરાત કરી હતી. પુલવામા હુમલા પછી યાસીનની ધરપકડ કરવામાં આવી હતી.
• ગોવામાં પ્રમોદ સાવંત વિશ્વાસનો મત જીતી ગયાઃ ગોવા વિધાનસભામાં મુખ્ય પ્રધાન પ્રમોદ સાવંત ૨૧મીએ વિશ્વાસનો મત જીતી ગયા હતા. સાવંત સરકારની તરફેણમાં ૨૦ ધારાસભ્યોએ વોટિંગ કર્યું હતું. કોંગ્રેસ રાજ્યપાલે સૌથી મોટો પક્ષ હોવા છતાં તેને સરકાર રચવાની તક ન આપી તે માટે તેમની ટીકા કરી હતી. રાજ્યપાલ પર તેમણે ભાજપના એજન્ટ તરીકે કામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
• સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસમાં બધા આરોપી મુક્તઃ એનઆઈએની વિશેષ અદાલતે ૨૧મીએ સમઝૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ કેસના સ્વામી અસીમાનંદ સહિત ૪ને મુક્ત કર્યા છે. દિલ્હીથી લાહોર જતી ટ્રેનમાં ૧૮ ફેબ્રુ. ૨૦૦૭ના રોજ હરિયાણાના પાણીપત નજીકના દિવાના રેલવે સ્ટેશન પાસે વિસ્ફોટ થયો હતો જેમાં ૬૮ લોકોના મોત થયાં હતાં. મૃતકોમાં મોટાભાગના પાકિસ્તાની નાગરિક હતા. મુક્ત કરાયેલાઓમાં સ્વામી અસીમાનંદ ઉપરાંત કમલ ચૌહાણ, રાજેન્દ્ર ચૌધરી અને લોકેશ શર્માનો સમાવેશ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter