• પાક. યુદ્ધવિમાનોની ઘૂસણખોરીનો પ્રયાસઃ પાકિસ્તાનના એફ-૧૬ યુદ્ધ વિમાનોએ રવિવારે રાત્રે ત્રણ વાગ્યે ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. તેના કેટલાક યુદ્ધ વિમાનો પંજાબ બોર્ડર ઉપર આવ્યા હતા. બીજી તરફ ભારતીય એરફોર્સની સતર્કતા અને આક્રમકતાના કારણે પાકિસ્તાનીઓને પલાયન થવાનો વારો આવ્યો હતો. ભારતીય વાયુસેનાએ મિરાજ અને સુખોઈ વિમાન દ્વારા દુશ્મનના વિમાનોને પાછા કાઢયા હતા.
• અલગાવવાદી ગિલાનીનું મકાન જપ્તઃ જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતાઓ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઇએસઆઇ અને આતંકીઓની સાથે સાંઠગાંઠ ધરાવતા હોવાનું સામે આવ્યું છે. આ સાથે આઇટી વિભાગે કાશ્મીરના અલગાવવાદી સૈયલ અલી શાહ ગિલાનીનું દિલ્હી સ્થિત મકાન જપ્ત કરી લીધું છે. ગિલાનીએ રૂ. ૩.૬૨ કરોડના ટેક્સની ભરપાઇ નહોતી કરી જેથી આ કાર્યવાહી થઈ છે.
• વાડરાને વિદેશ નહીં જવાની શરતે જામીનઃ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડરાને મની લોન્ડરિંગના માામલામાં સોમવારે પતિયાલા કોર્ટમાંથી આગોતરા જામીન મળી ગયા. ખાસ જજ અરવિંદકુમારે તેમને પાસપોર્ટ જમા કરાવવાની તેમજ મંજૂરી વિના વિદેશ નહીં જવાની શરતે આગોતરા જામીન આપ્યા હતા. વાડરા અને તેમના સાથીદાર મનોજ અરોરાને કોર્ટે રૂ. પાંચ-પાંચ લાખના બોન્ડ પર જામીન આપ્યા હતા. આ દરમિયાન કોર્ટે બન્નેને તપાસમાં સહકાર આપવાની તેમજ પુરાવા સાથે છેડછાડ નહીં કરવાની અને સાક્ષીઓને પ્રભાવિત નહીં કરવાની પણ ચેતવણી આપી હતી.
• તાતા જૂથ એરપોર્ટ બિઝનેસમાંઃ તાતા ગ્રૂપે એરપોર્ટ બિઝનેસમાં પ્રવેશ કર્યો છે. તાતા જૂથ દ્વારા જીએમઆર એરપોર્ટસ લિમિટેડમાં રોકાણ કરાશે. તાતા સિંગાપુરના સોવરેન વેલ્થ ફંડનું યુનિટ જીઆઇસી અને એસએસજી કેપિટલ મેનેજમેન્ટનું કર્ન્સોટિયમ જીએમઆર એરપોર્ટ્સમાં રૂ. ૮૦૦૦ કરોડનું રોકાણ કરશે. જીએમઆર એરપોર્ટની પેરન્ટ કંપની જીએમઆર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડે રેગ્યુલેટરીને આપેલી માહિતીમાં ૨૭મી માર્ચે આમ જણાવ્યું હતું.
• ઓનલાઈન ખરીદારો સાથે રૂ. ૨૦૦ કરોડની છેતરપિંડીઃ નોઈડાની સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ ટીમે ડેટા હેક કરીને ઓનલાઈન શોપિંગ અને વીમા કંપનીના નામે પ્રલોભન આપીને આશરે રૂ. ૨૦૦ કરોડની ઠગાઈ કરી ચૂકેલી એક ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં બોગસ કોલ સેન્ટર્સને ઠગાઈ માટે લોકોના ડેટા પૂરા પાડનારી એક ખાનગી કંપનીના માલિક નંદન રાવ પટેલની ઉત્તર પ્રદેશ એસટીએફ ટીમે ધરપકડ કરી છે.
• રિલાયન્સનું રૂ. ૯ લાખ કરોડનું માર્કેટ કેપઃ ભારતીય શેરબજારોમાં એકથી વધુ વિક્રમો સર્જાયા હતા. સેન્સેક્સ ૩૯૦૦૦ની સપાટી કુદાવી ૩૦૧૧૫ની નવી ઐતિહાસિક સપાટીએ પહોંચી જવા સાથે ભારતની ખાનગી ક્ષેત્રની સર્વોચ્ચ કંપની અને માર્કેટ કેપિટલાઈઝેશનની રીતે પણ ટોચની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોમાં ફંડો-ઈન્વેસ્ટરોની સતત ખરીદીથી કંપનીનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૯ લાખ કરોડનો આંક પાર કરી જઈ નવી ઊંચાઈએ પહોંચી ગયું હતું. આમ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ. ૯ ટ્રીલિયનનું માર્કેટ કેપિટલાઈઝેશન પાર કરનારી પ્રથમ ભારતીય લિસ્ટેડ કંપની બની હતી.
• જોધપુરમાં ફાઈટર પ્લેન મિગ-૨૭ ક્રેશઃ રાજસ્થાનના દક્ષિણ પ્રાંતમાં આવેલા સિરોહીમાં ભારતીય વાયુ સેનાનું મિગ-૨૭ ફાઇટર જેટ ૩૧મી માર્ચે ક્રેશ થયું હતું. સદનસીબે આ દુર્ઘટનામાં તેના પાઈલટનો બચાવ થયો હતો. એરક્રાફ્ટ પોતાના રુટિન મિશન પર હતું ત્યારે દુર્ઘટનાનો ભોગ બન્યું હતું. ઉલ્લેખનીય છે કે પાંચ દશકાથી પણ વધુ પ્રાચીન મિગ વિમાનો ક્રેશ થવાની ઘટના સામાન્ય બની રહી છે અને છેલ્લા ત્રણ મહિનામાં વાયુ સેનાના નવ વિમાન દુર્ઘટનાનો ભોગ બન્યા છે.