સંક્ષિપ્ત સમાચાર (ભારત)

Wednesday 02nd June 2021 08:11 EDT
 

• દેશના GDPમાં ચાર દાયકાનો સૌથી મોટો ૭.૩ ટકાનો ઘટાડોઃ

કોરોના મહામારીએ છેલ્લા દોઢ વર્ષમાં દેશની ઈકોનોમીને ઉધઈની જેમ કોરી ખાધી છે. કોરોનાને કારણે ભારતની ઈકોનોમીને જોરદાર ફટકો પડ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં દેશના GDPમાં ૭.૩ ટકાનો ઘટાડો થયો છે જેના લીધે દેશનાં ૪૦ વર્ષનાં ઈતિહાસમાં ઈકોનોમીએ મોટામાં મોટો ઝટકો સહન કરવો પડ્યો છે.

• કોરોનામાં લોકોને સ્વસ્થ ન રાખી શકનાર રાજાને દંડ કરોઃ બાબા રામદેવ

એલોપથી સારવાર વિશે ખુબ વિવાદાસ્પદ નિવેદન કરીને IMA (ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન) સાથે શિંગડા ભરાવી બેઠેલા યોગગુરૂ બાબા રામદેવે વધુ વિવાદાસ્પદ નિવેદનો કરીને રાજકીય ભૂકંપ સર્જ્યો છે. રામદેવે કહ્યું કે, જે દેશ પોતાના નાગરિકોને સ્વસ્થ ન બનાવી શકે તો તેના રાજાને દંડ થવો જોઈએ. રામદેવે કહ્યું કે તેઓ એવો કાયદો બનાવશે કે દેશમાં કોઈ બીમાર પડે તો એને માટે જવાબદાર વ્યક્તિની જવાબદારી અને સજા નક્કી કરવામાં આવી હોય. બાળકો માંદા પડતા હોય તો માંદા પડે એવાં બાળકોને જન્મ આપવા બદલ માતા-પિતાને જવાબદાર ઠેરાવો. તેમને બીમારીથી બચાવવા યોગ કેમ ન કરાવ્યો? વધુમાં રામદેવે કહ્યું હતું કે, વિજ્ઞાન કહે છે કે માણસ બીમાર તો પડી જ શકે. હું કહું છું કે જો તે યોગ કરશે તો કદી માંદો નહીં પડે. દવા ઉદ્યોગ આખા જગતને અભણ અને માંદું રાખવા માગે છે.

• ટ્વિટરે નવા IT નિયમોનું પાલન કરવું જ પડશે: દિલ્હી હાઈકોર્ટ

દિલ્હી હાઈકોર્ટે ટ્વિટરને આકરા શબ્દોમાં ભારતના ડિજિટલ મીડિયા માટેના નવા IT નિયમોનું પાલન કરવું જ પડશે તેવો આદેશ આપ્યો હતો. અમિત આચાર્ય નામના વકીલે અગાઉ કોર્ટમાં અરજી કરી હતી કે ટ્વિટર દ્વારા નવા IT નિયમોનું પાલન કરવા આનાકાની કરવામાં આવી રહી છે. આ પછી દિલ્હી હાઈકોર્ટના જસ્ટિસ રેખા પલ્લીએ આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરવા કેન્દ્ર સરકાર અને ટ્વિટરને નોટિસ બજાવી હતી.

• દેશમાં કોરોનાના નવા ૧,૫૩,૭૩૪ કેસ જયારે ૨,૩૮,૦૨૨ સાજા થયા ઃ

દેશમાં કોરોનાના બીજા વેવની અસર ધીમે ધીમે શાંત થઈ રહી છે. પાછલા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોના સંક્રમણમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો. એે તેની સાથે મૃત્યુઆંક પણ ઘટી રહ્યો છે. ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાના નવા ૧,૫૨,૭૩૪ કેસ નોંધાયા હતા અને કુલ ૩૧૨૮ દર્દીનાં મોત નોંધાયા છે. પાછલા ૨૪ કલાકમાં દરમિયાન ૨,૩૮,૦૨૨ દર્દીઓ સાજા થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

• વાવાઝોડું યાસ ૧૪૦ કિ.મી.ની ઝડપે ત્રાટક્યું, ભારે તબાહીઃ

બંગાળનાં અખાતમાં સર્જાયેલું ખતરનાક વાવાઝોડું યાસ બુધવારે સવારે ૯ કલાકે ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા નજીક ૧૪૦ કિ.મી.ની ઝડપે ત્રાટક્યું હતું. ત્યારબાદ વાવાઝોડું ૧૫૫ કિ.મી.ની ઝડપે બાલાસોર પરથી પસાર થઈને બંગાળ તરફ આગળ વધ્યું હતું. બંગાળનાં સીએમ મમતા બેનરજીએ દાવો કર્યો હતો કે વાવાઝોડું યાસને કારણે બંગાળમાં એકનું મોત થયું હતું જ્યારે ૧ કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા હતા. રાજ્યમાં ૩ લાખથી વધુ મકાનો પડી ગયાં હતાં. દરિયાનું પાણી કાંઠાના વિસ્તારોમાં ઘૂસી જતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઠેરઠેર હજારો વૃક્ષો પડી ગયાં હતાં અને રસ્તાઓ તૂટી ગયા હતા. વાવાઝોડું ત્રાટક્યા પછી ઓડિશા અને બંગાળ તેમજ બિહાર, ઝારખંડમાં મુશળધાર વરસાદ પડવાનું ચાલુ રહ્યું હતું. વાવાઝોડાને લીધે ચાર લોકોના મોત થયા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter