• મોદી સામે ફરી કોંગ્રેસના અજય રાયઃ વારાણસીથી પ્રિયંકા ગાંધી ચૂંટણી નહીં લડે. અગાઉ એવી ચર્ચા ચાલતી હતી કે પ્રિયંકા વારાણસીથી ચૂંટણી લડી શકે છે. ૨૦૧૪માં મોદી સામે માત્ર ૭૫ હજાર મત મેળવી અનામત પણ નહીં બચાવી શકેલા અજય રાય જ આ વખતે પણ કોંગ્રેસ તરફથી બનારસમાં ચૂંટણી લડશે. મતોનું ગણિત કોંગ્રેસના પક્ષમાં દેખાતું નહોતું તથા સોનિયા ગાંધી પ્રિયંકાને અમેઠી અને રાયબરેલીથી દૂર રાખવા માગતા હોવાનું પણ કહેવાય છે. કોંગ્રેસમાં પ્રિયંકાને જનરલ સેક્રેટરી બનાવ્યા બાદ તેઓ પૂર્વ ઉત્તર પ્રદેશનો હવાલો સંભાળી રહ્યાં છે.
• સાધ્વી પ્રજ્ઞા ઠાકુર-ઉમા ભારતી મળ્યા, ભેટ્યા ને રડી પડ્યા!ઃ માલેગાંવના વિસ્ફોટના આરોપી અને ભોપાલના ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર અને કેન્દ્રીય પ્રધાન ઉમા ભારતી સોમવારે મળ્યા ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભૂતકાળમાં ભોપાલમાંથી ચૂંટણી લડેલા પરંતુ આ વખતે ચૂંટણી લડવાનો ઇનકાર કરનાર ભારતી ઠાકુરને આશ્વાસન આપતા અને પ્રજ્ઞાના આસું લૂછતાં દેખાયા હતા. બંને વચ્ચે અણબનાવ હોવાના અહેવાલો વચ્ચે પ્રજ્ઞા તેમને મળવા ગયા હતા. અનેક લોકોની હાજરીમાં પ્રજ્ઞા ઠાકુર ઉમા ભારતીને ભેટયા હતા અને વિદાય વખતે પણ તેઓ રડતા દેખાયા હતા.
• મોદીને સંતનો દરજ્જો, ચૂંટણી પર અસર કરી શકેઃ ચૂંટણી પંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપિકને સંતોની જીવનકથા જેવી જાહેર કરતા કહ્યું કે તે ચૂંટણી સંતુલન બગાડી શકે છે. આ બાયોપિક ફિલ્મને ૧૯ મેના મતદાન પૂરું થતાં પહેલા રજૂ કરવાની મંજૂરી આપવી જોઈએ નહીં. સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂ કરેલા ૨૦ પાનાના જવાબમાં પંચે કહ્યું કે બાયોપિકથી એવું રાજકીય વાતાવરણ તૈયાર કરાયું છે, જેમાં એક વ્યક્તિ પૂજ્ય દરજ્જો મેળવી લે છે. ફિલ્મના અનેક દૃશ્યોમાં મુખ્ય વિપક્ષને ભ્રષ્ટ અને ખરાબ રીતે રજૂ કરાયો છે.
• પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવ સેનામાંઃ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી કોંગ્રેસ છોડીને શિવસેનામાં જોડાઈ ગયાં છે. તેમણે પક્ષ પ્રમુખ રાહુલ ગાંધીને રાજીનામું મોકલી આપ્યું હતું. આ પછી તેઓ મુંબઈમાં શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને શિવસેનામાં જોડાવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પ્રિયંકાએ કહ્યું કે આગ્રામાં તેમની સાથે ગેરવર્તન કરનારાઓને ફરી કોંગ્રેસમાં સામેલ કરાતાં તેઓ દુઃખી હતા, જેથી પક્ષ છોડ્યો છે. ઉલ્લેખનીય છે કે તેઓ રફાલ જેટ કરાર અંગે પત્રકાર પરિષદને સંબોધવા આગ્રા ગયા હતા, જ્યાં પક્ષના જ કાર્યકરોએ સાથે ગેરવર્તન કર્યું હતું.
• રૂ. ૩૨૦૫ કરોડની માલમત્તા ઝડપાઇઃ ચૂંટણી પંચની વિજિલન્સ બ્રાન્ચ દ્વારા અત્યાર સુધીમાં કુલ રૂ. ૩૨૦૫.૭૨ કરોડની રોકડ, દારૂ, ડ્રગ્સ અને સોનું તેમજ ઝવેરાત ઝડપવામાં આવ્યા છે. ચૂંટણીમાં બે નંબરનાં નાણાંનો વ્યાપક દુરૂપયોગ થતો હોવાના અને રોકડની ગેરકાયદે હેરાફરી થતી હોવાના કિસ્સા નોંધાતા હોય છે. આ હેરાફેરી અટકાવવા ચૂંટણી પંચ ચાંપતી નજર રાખે છે.