સંક્ષિપ્ત સમાચારઃ લોકસભા ચૂંટણીવિશેષ

Saturday 18th May 2019 09:23 EDT
 
 

ચૂંટણી પરિણામો એક દિવસ મોડા આવી શકે છે: લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવામાં એકાદ દિવસ મોડું થઈ શકે છે. ચૂંટણી પંચના સૂત્રોએ જણાવ્યું છે કે વીવીપેટ ચકાસણી સાથે જોડાયેલી પ્રક્રિયાને કારણે પરિણામ મોડું આવવા શક્યતા છે. પહેલાની યોજના પ્રમાણે ચૂંટણીનું પરિણામ ૨૩ મેના રોજ જાહેર થવાનું હતું, પરંતુ હવે અંતિમ પરિણામ ૨૪ મીએ જાહેર થઈ શકે છે. વીવીપેટ ચકાસણીની સંખ્યામાં પણ વધારો કરાયો છે. તેથી ફાઇનલ રિઝલ્ટ તૈયાર થવામા ૬ કલાકથી લઈ મહત્તમ ૨૪ કલાક સુધીનો સમય લાગી શકે છે. નાયબ ચૂંટણી કમિશનર સુદીપ જેને જણાવ્યું કે, આ વખતે ચૂંટણીના પરિણામોમાં ઓછામાં ઓછા ૬ કલાકનો વિલંબ તો થશે જ. ચૂંટણી પંચ લોકસભા મતવિસ્તારમાં આવતા દરેક વિધાનસભા મતવિસ્તારમાં પાંચ ઇવીએમ પસંદ કરીને તેમની મેળવણી વીવીપીએટી સ્લિપ સાથે કરે. તેનો અર્થ એ થયો કે, દરેક બેઠકના પાંચ ઇવીએમની વીવીપીએટી સ્લિપ સાથે મેળવણી કરવામાં આવશે.
મોદીએ ટીવી પર ૭૨૨ કલાક, રાહુલ ગાંધીએ ૨૫૧ કલાક વિતાવ્યાઃ લોકસભાના આ કટોકટ ચૂંટણી જંગમાં વડા પ્રધાન મોદીને ટીવી પર સૌથી વધુ એરટામ મળ્યો. તેમણે ૭૨૨ કલાક ટીવી પર વિતાવ્યા. રાહુલ ગાંધીને ૨૫૧ કલાકનો સમય ટીવી પર મળ્યો. વડા પ્રધાને ૧થી ૨૮ એપ્રિલ વચ્ચે દેશભરમાં ૬૪ રેલીઓ કરી. આ ચાર સપ્તાહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ૬૫ રેલીઓને સંબોધિત કરી. દેશની ટોપની ૧૧ હિન્દી સમાચાર ચેનલો પર વડા પ્રધાન મોદીની હાજરી રાહુલની તુલનામાં બહુ વધારે હતી. બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બીઆરસી)ના જણાવ્યા મુજબ વડા પ્રધાન મોદીને સમાચાર ચેનલોએ કુલ ૭૨૨.૨૫.૪૫ કલાકનો સમય આપ્યો રાહુલે પીએમ કરતાં એક રેલી વધુ કરી પરંતુ તેમને ટીવી પર સમય ઓછો મળ્યો. રાહુલને આ ગાળામાં ૨૫૧.૩૬.૪૩ કલાકનો સમય મળ્યો.
લોકસભાની ચૂંટણી ખર્ચમાં ૪૦ ટકા વૃદ્ધિઃ ભારતમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. જુદી-જુદી પાર્ટીઓ ૯૦ કરોડ મતદારોને રિઝવવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. દુનિયાની સૌથી ખર્ચાળ ચૂંટણીમાં ભારતની આ વખતની ચૂંટણીની ગણના થઈ રહી છે. સેન્ટર ફોર મીડિયા સ્ટડીઝના રિપોર્ટ અનુસાર, ૨૦૧૪ની લોકસભા ચૂંટણીની તુલનાએ આ વખતે ૪૦ ટકા વધુ ખર્ચ થઈ રહ્યો છે. આ ચૂંટણીમાં આશરે રૂ. ૫૦ હજાર કરોડ ખર્ચ થવાનો અંદાજ મુકાયો છે. આટલી મોટી રકમમાં હિસ્સો મેળવવા વિભિન્ન કંપનીઓ લાઈનમાં લાગી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter