સંક્ષિપ્ત સમાચારઃ લોકસભા ચૂંટણી ૨૦૧૯

Wednesday 22nd May 2019 06:14 EDT
 
 

ચૂંટણી પંચમાં અરોરા-લવાસા સામસામે

નવી દિલ્હીઃ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનના આરોપોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લીનચિટ આપવાના ચૂંટણી પંચના નિર્ણય સાથે અસહમત થનાર ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચોથી મે બાદ આચારસંહિતા ઉલ્લંઘનના મુદ્દાઓ પર મળેલી તમામ બેઠકોમાં ગેરહાજર રહે છે. લવાસાએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહને ક્લીનચિટ આપતા ચૂંટણી પંચના બહુમતી નિર્ણયમાં મારી અસહમતીની નોંધ અને લઘુમતી નિર્ણયની નોંધ નહીં લખાય ત્યાં સુધી હું ચૂંટણી પંચની બેઠકોમાં હાજર રહેવાનો નથી. અશોક લવાસાએ આરોપ મૂક્યો છે કે ૩ સભ્યોના ચૂંટણી પંચમાં લઘુમતી નિર્ણયને રેકોર્ડ કરાયો જ નથી. ૪ મેના રોજથી મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાને લખેલા ત્રણ પત્રમાં ચૂંટણી કમિશનર અશોક લવાસાએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચના નિર્ણયોમાં લઘુમતી નિર્ણયોને રેકોર્ડ પર લેવાતાં નથી, તેથી મને ચૂંટણી પંચની બેઠકોમાં ગેરહાજર રહેવાની ફરજ પડી રહી છે. લઘુમતી નિર્ણયની નોંધ જ ન લેવાતી હોય તો ચૂંટણી પંચની ચર્ચાઓ અને કામગીરીમાં મારી ભાગીદારી અર્થવિહીન બની રહી છે.

મોદી પરની ફિલ્મ ૨૪ મેએ રિલીઝ થશે

નાગપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં જીવન પરથી બની રહેલી બાયોપિક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ના ફિલ્મમેકરોએ ગત સપ્તાહે જ જાહેરાત કરી હતી કે લોકસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાતના એક દિવસ બાદ ૨૪ મેએ અભિનેતા વિવેક ઓબેરોય અભિનીત ફિલ્મ દેશભરમાં રિલીઝ કરાશે. સોમવારે સવારે નાગપુરમાં કેન્દ્રીય પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વિવેક ઓબેરોય અને ફિલ્મની ટીમ સાથે પોતાના નિવાસસ્થાને ફિલ્મનું નવું પોસ્ટર લોન્ચ કર્યું હતું. ફિલ્મના પોસ્ટરને ધ્યાનથી જોતા પોસ્ટર ખૂબ જ અગ્રેસિવ બનાવાયું છે. પોસ્ટરમાં વિવેક ઓબેરોય શંખનાદ કરતો જોવા મળી રહ્યો છે. ફિલ્મની ટેગ લાઇન રાખવામાં આવી છે કે ‘આ રહે હૈ પીએમ નરેન્દ્ર મોદી દોબારા, અબ કોઈ રોક નહીં શકતા’. ફિલ્મના પોસ્ટર લોન્ચ દરમિયાન નીતિન ગડકરીએ વડા પ્રધાનના કામોને યાદ કરી તેમની પ્રશંસા કરી હતી. વડા પ્રધાને વિશ્વભરમાં ભારતનું માન વધાર્યું છે. ગડકરીએ જણાવ્યું હતું કે મેં ફિલ્મ જોઈ છે, સમાજના યુવાનોને આ ફિલ્મ પ્રેરિત કરશે. આ ફિલ્મમાં વિવેક ઓબેરોયે ખૂબ જ સારું કામ કર્યું છે. ટીમે ફિલ્મ પર ખૂબ જ મહેનત કરી છે અને ફિલ્મમાં એક સંદેશ પણ છે.

ચૂંટણી ખર્ચ રૂ. ૭૦૦૦ કરોડ, પંચે જપ્ત કર્યા રૂ. ૩૫૦૦ કરોડ

નવી દિલ્હીઃ વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીનો ખર્ચ પણ વિશ્વમાં સૌથી વધુ છે. ભારતમાં ૬ સપ્તાહ લાંબી મતદાન પ્રક્રિયા ચાલી હતી. ૧૧ એપ્રિલના રોજ શરૂ થયેલું મતદાન ૧૯ મેના રોજ પૂરું થયું હતું. આ વખતની ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા સમગ્ર દેશમાંથી ૩,૫૦૦ કરોડ રૂપિયા જેટલી રકમની ચીજવસ્તુઓ જપ્ત કરાઈ છે. જેમાં રોકડથી માંડીને દારૂ, ભેટસોગાદો, ડ્રગ્સ વગેરેનો સમાવેશ થાય છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચના ખર્ચનો આંકડો ૬,૦૦૦થી ૭,૦૦૦ કરોડ રૂપિયા સુધી પહોંચવા સંભાવના છે. ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ૨૦૦૯ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણો ખર્ચ થયો હતો. ૨૦૦૯ની સામાન્ય ચૂંટણીમાં રૂ. ૧,૧૧૪ કરોડનો ખર્ચ થયો હતો. જ્યારે ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીમાં રૂ. ૩,૮૭૦ કરોડ ખર્ચાયા હતા. ઉલ્લેખનીય છે કે ભારતમાં ૭ તબક્કા લાંબી ચૂંટણી પ્રક્રિયા ચાલી હતી.

ફેસબુક-ગુગલમાં વિજ્ઞાપનઃ ભાજપ સૌથી આગળ

નવી દિલ્હીઃ ભારતના રાજકીય પક્ષોએ અત્યાર સુધી ફેસબુક અને ગુગલ પર વિજ્ઞાપન આપવા માટે ૫૩ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આમાં શાસક ભાજપનો હિસ્સો સૌથી મોટો હતો. ફેસબુકમાં ફેબ્રુઆરીની શરૂઆતથી ૧૫ મે સુધી ૧.૨૧ લાખ રાજકીય વિજ્ઞાપનો કરાયા હતા. તમામ પક્ષોએ આ માટે રૂપિયા ૨૬.૫ કરોડનો ખર્ચ કર્યો હતો. ઉપરાંત ગુગલ, યુટયુબ અને તેની સહાયક કંપનીઓ પર ૧૯ ફેબ્રુઆરીથી અત્યાર સુધીમાં ૧૪,૮૩૭ વિજ્ઞાપનો માટે રાજકીય પક્ષોએ રૂપિયા ૨૭.૩૬ કરોડનો ખર્ચ કર્યો હતો. શાસક ભાજપે ફેસબુકમાં ૨૫૦૦ ઉપરાંત વિજ્ઞાપનો કરી હતી, જેની પાછળ ૪.૨૩ કરોડનો ખર્ચ કર્યો હતો. ‘માય ફર્સ્ટ વોટ ફોર મોદી’, ‘ભારત કે મનકી બાત’ અને ‘નેશન વિથ નમો’ જેવા પેજને સોશિયલ મીડિયામાં નેટવર્કીંગ વેબસાઇટ પર વિજ્ઞાપનો માટે ચાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા હતા. ગુગલના મંચ પર ભાજપે રૂપિયા ૧૭ કરોડ કરતાં વધુ ખર્ચ કર્યો હતો. કોંગ્રેસે ફેસબુક પર ૩૬૮૬ વિજ્ઞાપનો પાછળ ૧.૪૬ કરોડનો ખર્ચ કર્યો હતો. તો ગુગલ પર ૪૨૫ વિજ્ઞાપનો માટે ૨.૭૧ કરોડનો ખર્ચ કર્યો હતો.

વિશ્વમાં સૌથી ઊંચું કેન્દ્રઃ ૧૪૩ ટકા મતદાન!

સિમલાઃ વિશ્વમાં સૌથી ઊંચાઇ પર આવેલા મતદાન કેન્દ્ર હિમાચલ પ્રદેશના તાશીગંગ મતદાન કેન્દ્ર પર વિક્રમજનક ૧૪૩ ટકા મતદાન નોંધાયું છે. પહેલી નજરે માન્યામાં ન આવે તેવી આ વાત હોવા છતાં એકદમ સાચી છે. આ મતદાન કેન્દ્ર વિશ્વમાં સૌથી વધુ ઊંચાઇ પર આવેલું હોવાથી અહીં નિયુક્ત ચૂંટણી સ્ટાફ અને આસપાસના ચૂંટણી સ્ટાફની પણ અહીંથી મતદાન કરવાની ઇચ્છા હતી. જેના કારણે આ કેન્દ્રની મતદાનની ટકાવારીમાં આટલો આશ્ચર્યજનક ઉછાળો નોંધાયો છે. તાશીગંગ ગામમાં નોંધાયેલા મતદારોની સંખ્યા ૪૯ છે, પરંતુ તેની સામે ૭૦ વ્યક્તિઓએ અહીં મતદાન કર્યું છે. ૪૯ નોંધાયેલા મતદારો પૈકી ૩૬ ગ્રામજનોએ આજે મતદાન કર્યુ હતું. જેમાં ૨૧ પુરૂષ અને ૧૫ મહિલાઓ હતી. ગ્રામજનોનું મતદાન ૭૪ ટકા નોંધાયુ હતું. ત્યારબાદ અહીં ચૂંટણી અધિકારીઓ મતદાન કરવા આવ્યા હતા. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા ઇલેક્શન ડયુટી સર્ટિફિકેટને તપાસીને તેમને મતદાનની પરવાનગી આપવામાં આવી હતી. જેમાં ૩૬ ચૂંટણી અધિકારીઓએ અહીંથી મતદાન કર્યુ છે. રવિવારે સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું ત્યારે તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી પણ નીચે હતું. ઉલ્લેખનીય છે કે તાશીગંગ મતદાન કેન્દ્ર મંડી લોકસભા વિસ્તારનો જ એક હિસ્સો છે. આ બેઠક પર ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સુખ રામના પૌત્ર આશ્રય શર્મા કોંગ્રેસના ઉમેદવાર છે અને રામસ્વરૂપ શર્મા ભાજપનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter