• જ્યોતિરાદિત્ય સિંધિયાની સંપત્તી રૂ. ૩૭૪ કરોડઃ લોકસભાના છઠ્ઠા ચરણનું મતદાન ૧૨ મેનાં રોજ યોજાનાર છે. ૭ રાજ્યોની ૫૯ બેઠક માટે ૯૭૯ ઉમેદવારો મેદાનમાં છે. આમાંથી ૧૮૯ એટલે કે ૨૦ ટકા ઉમેદવારો સામે ક્રિમિનલ કેસ થયેલા છે. ૧૪૬ એટલે કે ૧૫ ટકા ઉમેદવારો સામે ગંભીર કેસ કરાયા છે. આ તબક્કામાં ૩૧૧ એટલે કે ૩૨ ટકા ઉમેદવારો કરોડપતિ છે. જેમાં મધ્ય પ્રદેશની ગુના લોકસભા બેઠકનાં કોંગ્રેસનાં ઉમેદવાર જ્યોતિરાદિત્ય સિંધિયા પાસે સૌથી વધુ રૂ. ૩૭૪ કરોડની સંપત્તિ છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર)નાં રિપોર્ટમાં આ બાબતો ધ્યાનમાં આવી છે. એડીઆર દ્વારા ૯૭૯માંથી ૯૬૭ ઉમેદવારોની એફિડેવિટનો અભ્યાસ કરાયો હતો. કુલ ઉમેદવારમાંથી ૨૧ એવા છે કે જેમની સામે મહિલાઓ પર અત્યાચારને લગતા કેસ કરાયા છે. જ્યારે ૨૧માંથી બે સામે બળાત્કારનાં કેસ કરાયા છે.
• નાયડુ, દીદી, મયાવતી વડા પ્રધાન પદના મુખ્ય દાવેદારઃ એનસીપી અધ્યક્ષ શરદ પવારનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીઓમાં એનડીએને બહુમતી મળવાની સંભવાના ઓછી હોવાથી પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજી, આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુ અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતી વડા પ્રદાન પદના મુખ્ય દાવેદાર રહેશે. પવારનું નિવેદન એવા સમયે આવ્યુ છે કે જ્યારે આ ત્રણે નેતા વધુને વધુ બેઠકો જીતવા માટે આકાશ પાતાળ એક કરી રહ્યા છે. પવારે વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું કે વડા પ્રધાન બનતા અગાઉ નરેન્દ્ર મોદી પણ ગુજરાતના મખ્ય પ્રધાન હતા. મારા મતે એનડીએને સ્પષ્ટ બહુમતી મળવાની સંભવાના ઓછી હોવાથી મમતા બેનરજી, ચંદ્રબાબુ નાયડુ અને માયાવતી વડા પ્રધાન પદ માટે બહેતર વિકલ્પ છે. જોકે પવારે એવા અહેવાલો ફગાવી દીધા હતા જેમાં તેમણે એમ કહ્યું હોવાનું મનાય છે કે વડા પ્રધાન પદ માટે આ ત્રણે નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી કરતા વધુ સારો વિકલ્પ છે.
• ‘ભૂલ માટે કોર્ટની માફી માગી છે, ભાજપની નહીં’: કોંગ્રેસ અધ્યક્ષ પ્રમુખ રાહુલ ગાંધીએ શનિવારે પત્રકાર પરિષદ યોજીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ પર પલટવાર કર્યો હતો. રાહુલે પોતે શા માટે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માગી છે તે અંગે સ્પષ્ટતા કરી હતી કે, રાફેલ મુદ્દો કોર્ટમાં વિચારાધીન હતો અને સુપ્રીમ કોર્ટને ટાંકીને મેં ચોકીદાર ચોર હૈ એમ કહ્યું હતું. મારી આ ભૂલ સ્વીકારીને મેં સુપ્રીમ કોર્ટની માફી માગી છે, ભાજપ કે મોદીની નહીં. આ મામલે કોઈ પણ પ્રકારની ટિપ્પણી ઉચિત ન હતી તેથી સુપ્રીમ કોર્ટમાં માફી માગીને મેં મારી ભૂલ સ્વીકારી હતી. રાહુલે કહ્યું કે દેશમાં ગમે ત્યાં જાઓ અને પૂછો કે ચોકીદાર તો લોકો સામેથી કહે છે કે ચોર હૈ. આમ ચોકીદાર હી ચોર હૈની ટિપ્પણીને તેઓ વળગી રહ્યા હતા.