સંરક્ષણ ક્ષેત્રે ભારતની બદલતી તસ્વીરઃ 42 દેશો ભારતીય શસ્ત્રોના ગ્રાહક બન્યા

Monday 11th April 2022 12:20 EDT
 
 

નવી દિલ્હી: ભારત છેલ્લા આઠ વર્ષમાં સંરક્ષણ ક્ષેત્રે ખાસ્સુ મજબૂત થયું છે અને દક્ષિણ એશિયાના બીજા દેશોને પણ શસ્ત્રોની નિકાસ શરૂ કરી દીધી છે. ભારત હવે શસ્ત્રોના આયાતકાર દેશમાંથી આત્મનિર્ભર બનવાની સાથે સાથે હવે શસ્ત્રોની નિકાસમાં પણ કાઠું કાઢવા માંડયું છે. સરકારનું લક્ષ્ય છે કે 2024-25 સુધીમાં શસ્ત્રોની નિકાસનો આંકડો રૂ. 36,500 કરોડની નિકાસને આંબી જાય.
સરકારનું ધ્યાન સ્વદેશી નિર્માણ ટેકનિક પર વિશેષ છે. આ લક્ષ્યને હાંસલ કરવા માટે ભારત સરકારે ઓર્ડિનાન્સ ફેક્ટરી બોર્ડ અને શસ્ત્ર બનાવતી 41 ફેક્ટરીઓને ભેગી કરીને સંરક્ષણ ક્ષેત્રમાં સાત જાહેર ઉપક્રમ (ડીપીએસયુ) બનાવી દીધા છે. તેનો હેતુ વહીવટી ચુસ્તીની સાથે કામકાજમાં પારદર્શકતા અને તેજી લાવવાનો છે.
છેલ્લા આઠ વર્ષમાં ભારતની શસ્ત્ર નિકાસમાં છ ગણો વધારો થયો છે. ભારતે ફિલિપાઇન્સ સાથે 2,770 કરોડનો કરેલો કરાર મોટું સીમાચિહ્ન મનાય છે. દક્ષિણપૂર્વ એશિયાઈ દેશોમાં ભારતનો પ્રભાવ પણ વિસ્તરી રહ્યો છે. ફિલિપાઇન્સ પછી ઇન્ડોનેશિયા અને વિયેતનામ જેવા દેશોએ પણ ભારતીય શસ્ત્રોમાં રસ દાખવ્યો છે. ચીનના પ્રભાવને ખાળવા માટે ભારતે તેનો પ્રભાવ વિસ્તારવા જરૂરી છે. બ્રહ્મોસ મિસાઇલ ઉપરાંત આકાશે પણ એર ડિફેન્સ પ્રણાલિમાં ખાસ્સી ધૂમ મચાવી છે.
સાઉદી અરબ અને યુનાઇટેડ આરબ અમિરાત હવે ભારત પાસેથી શસ્ત્રો ખરીદવા માંગે છે. લગભગ 43 દેશ ભારત પાસેથી શસ્ત્રો આયાત કરવા માંગે છે. તેમાં કતર, લેબનોન, ઇરાક, ઇકવાડોર અને જાપાન વગેરે છે. જ્યારે 42 દેશ ભારત પાસેથી શસ્ત્રો ખરીદે છે. તેમાં શરીરનું રક્ષણ કરતાં પ્રોટેક્ટિંગ ઉપકરણની સંખ્યા
વિશેષ છે.
આ ઉપરાંત રડાર તથા એર પ્લેટફોર્મમાં પણ કેટલાક દેશોએ રસ દાખવ્યો છે. મોદી સરકાર સંરક્ષણ બજેટ સતત વધારી રહી છે અને દેશની આયાત ઘટાડી રહી છે. ભારતે તાજેતરમાં પૂરા થયેલા વર્ષમાં રૂ. 11,007 કરોડની નિકાસ કરી. તેની સામે અગાઉના વર્ષે આ નિકાસ રૂ. 1,491 કરોડ હતી. દેશનું સંરક્ષણ બજેટ પણ 2013-14ની તુલનાએ બમણું થઈ ચૂક્યું છે.
એક વર્ષમાં નવી ૧૪ ટેક્નિક વિકસાવી
ભારત હવે સંરક્ષણક્ષેત્રે આત્મનિર્ભર બની રહ્યું છે. છેલ્લા એક જ વર્ષમાં સુરક્ષાને લગતી 14 ટેક્નિક દેશમાં જ વિકસાવવામાં આવી છે. ભારતની સ્ટાર્ટઅપ્સ કંપનીઓ દ્વારા ફટાફટ સુરક્ષાનાં સાધનો અને ઉપકરણોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધી આ ટેક્નિક અને ઉપકરણો વિદેશથી આયાત કરવામાં આવતા હતા. હવે તેનું આયાત પરનું અવલંબન ખતમ થયું છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ અત્યાર સુધી સ્પેનથી સેંટ ગોબેન કંપનીની બ્રિજ વિન્ડો ગ્લાસ ટેક્નિક આયાત કરાતી હતી. હવે તે જયપુરના સ્ટાર્ટઅપ દ્વારા બનાવાય છે. આ જ રીતે સ્વીડનની રોક્સટેકથી આયાત કરાતા એમસીડી ગ્લેન્ડસ હવે ફરિદાબાદમાં બનાવાય છે. જર્મનીથી સીકેડ્સ મંગાવવામાં આવતા હતા તે હવે બેંગ્લુરુ અને ગ્વાલિયરમાં બનાવાય છે. ભારતમાં આ રીતે હવે 107 સુરક્ષા સાધનોનું ઉત્પાદન આવશે. સબમરીનમાં ઉપયોગમાં લેવાતી બેટરી લોડિંગ ટ્રોલી અગાઉ ફ્રાન્સથી આયાત કરાતી હતી, જે હવે હૈદરાબાદમાં બનાવવામાં આવે છે. સબમરીન માટે એસીનાં સાધનો ફ્રાન્સથી આયાત કરાતા હતા જે હવે ભારતમાં બની રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter