નવી દિલ્હીઃ દેશભરમાં ખેડૂતોના આકરા વિરોધ વચ્ચે રવિવારે સરકારે કૃષિ ક્ષેત્રમાં સુધારા માટેના ૩ કૃષિ ખરડા રાજ્યસભામાં રજૂ કર્યાં હતાં. કેન્દ્રીય કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં પસાર કરાયેલા ફાર્મર્સ પ્રોડયુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિયેશન) બિલ ૨૦૨૦ અને ફાર્મર્સ (એમ્પાવરમેન્ટ એન્ડ પ્રોટેક્શન) એગ્રીમેન્ટ ઓન પ્રાઇસ એન્શ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ ૨૦૨૦ રાજ્યસભામાં રજૂ કરતાં જણાવ્યું હતું કે, આ બંને ખરડા ઐતિહાસિક છે. આ ખરડાઓ ખેડૂતોનાં જીવનોમાં મોટો બદલાવ લાવશે.
દેશના ખેડૂત દેશના ગમે તે ખૂણે પોતાની ઊપજ વેચી શકશે. હું ખેડૂતોને આશ્વાસન આપવા માગું છું કે આ ખરડાઓને લઘુત્તમ ટેકાના ભાવ સાથે કોઇ સંબંધ નથી. બંને ખરડા પર વિપક્ષ અને સત્તાધારી બેંચ વચ્ચે ઉગ્ર ચર્ચા બાદ રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ અને ડાબેરી સાંસદોની ખરડાને સિલેક્ટ કમિટી પાસે મોકલવાના ઠરાવ પર મત વિભાજનની માગ ફગાવી ખરડા પર ધ્વનિમત લેતાં ગૃહમાં ભારે હંગામો સર્જાયો હતો. આ હંગામાના કારણે રાજ્યસભાની કાર્યવાહી થોડા સમય માટે મોકૂફ કરાઈ હતી. કાર્યવાહી ફરી શરૂ થતાં ઉપાધ્યક્ષે ધ્વનિમતની પ્રક્રિયા હાથ ધરી હતી અને તેમાં બંને ખરડા પસાર કરાયા હતા. ઉગ્ર ધાંધલના કારણે એસેન્શિયલ કોમોડિટી અંગેના ખરડા પર કાર્યવાહી થઇ શકી નહોતી.
કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, ભારતે આત્મનિર્ભર કૃષિ ક્ષેત્રનો મજબૂત પાયો નાંખ્યો છે. વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારની અનંત પ્રતિબદ્ધતાના કારણે ભારતમાં ખાદ્ય સુરક્ષા મજબૂત બનશે. ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પ્રભાવશાળી પગલું બની રહેશે. કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, હવે ખેડૂતો તેમની ઇચ્છા પ્રમાણે દેશમાં ગમે ત્યાં પોતાની ઊપજ વેચી શકશે. દાયકાઓથી ખેડૂતોની આ માગ હતી. લઘુતમ ટેકાના ભાવ અને એપીએમસીનું માળખું યથાવત રહેશે.
સહી ન કરવા અપીલ
રાજ્યસભામાં બે કૃષિ બિલ પાસ થયા પછી કોંગ્રેસ અને ૧૨ પક્ષોના સાંસદોએ રાષ્ટ્રપતિને મળવા સમય માગ્યો હતો અને બિલ પર સહી ન કરવા અપીલ કરી હતી. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કૃષિ બિલ સંદર્ભમાં ૧૨ પક્ષોએ રાષ્ટ્રપતિને મળવા સમય માગ્યો છે અને તેમને બિલ મંજૂર ન કરવા અનુરોધ કર્યો છે.
ગૃહમાં હોબાળો
રાજ્યસભામાં બે કૃષિ બિલ પરની ચર્ચા વખતે ગૃહમાં હોબાળો કરનારા ૮ સાંસદોને ગૃહ અધ્યક્ષ વેંકૈયા નાયડુએ એક અઠવાડિયા માટે એટલે કે આખા સત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતાં. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કોંગ્રેસના ૩ સાંસદો રાજીવ સાતવ, સૈયદ નઝીર હુસેન અને રિપુન બોરા તેમજ તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓબ્રાયન - ડોલા સેન, આમઆદમી પાર્ટીના સંજયસિંહ, માર્કસવાદી પાર્ટીના કે. કે. રાગેશ અને ઈલામારમ કરીમનો સમાવેશ થાય છે.
ચેરમેનના આદેશ છતાં સસ્પેન્ડ થયેલા સાંસદોએ ગૃહની બહાર જવાનો ઇનકાર કરીને વિપક્ષોની સાથે હોબાળો મચાવ્યો હતો. આ પછી ગૃહને ચાર વખત મુલવતી રખાયું હતું. ગૃહ ફરી મળ્યું ત્યારે સાંસદોએ અવરોધો સર્જતા મંગળવાર સુધી ગૃહને મુલતવી રાખવાની ચેરમેનને ફરજ પડી હતી. આ પછી પ. બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ભાજપ પર લોકતંત્રની હત્યાનો આરોપ લગાવી ભાજપ સરકાર તાનાશાહી ચલાવે છે. એવું કહ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડૂતોનાં અધિકારો અને હિતોનાં રક્ષણ માટે અમે ઝૂકીશું નહીં. સંસદથી સડક સુધી લડીશું અને વિરોધ કરીશું.


