સંસદના ચોમાસું સત્રમાં દેશની સુરક્ષાનાં મુદ્દા ગાજશે

Thursday 20th July 2017 08:11 EDT
 

નવી દિલ્હીઃ વિરોધપક્ષો રાષ્ટ્રીય સુરક્ષા, વિદેશનીતિ, અમરનાથયાત્રા પર હુમલો, ગૌરક્ષાનાં નામે થતી હિંસા જેવા વિવિધ મુદ્દાઓ પર સરકારને ઘેરવા સજ્જ બન્યા હોવાથી સોમવારથી શરૂ થઇ રહેલું સંસદનું ચોમાસું સત્ર તોફાની બની રહેવાની સંભાવના છે. સત્તાધારી ગઠબંધન પણ વિપક્ષનાં આક્રમણનો જોરદાર જવાબ આપવાની તૈયારી કરી ચૂક્યું છે. વિપક્ષ સંસદમાં ચીન સાથેનો સરહદી વિવાદ, અમરનાથયાત્રા પર તાજેતરમાં થયેલો આતંકવાદી હુમલો, ગૌમાંસ વિવાદ અને ખેડૂતોની આત્મહત્યા જેવા મુદ્દા પર સરકાર પાસે જવાબ માગવા તત્પર છે. વિપક્ષ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં જ નહીં પરંતુ સંયુક્ત વિપક્ષ સંસદમાં પણ એકજૂથ બની સરકારને ઘેરશે.

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષા અને દેશનાં હિતોને અસર કરતા તમામ મુદ્દા ૧૨૫ કરોડ નાગરિકોની ચિંતાનો વિષય છે. જવાબદાર વિપક્ષ તરીકે અમે તમામ મુદ્દા સંસદમાં ઉઠાવીશું. પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ્ કહી ચૂક્યા છે કે હાલનો જીએસટી કાયદો કોંગ્રેસે તૈયાર કરેલો અસલ કાયદો નથી, તેથી તે મુદ્દો ઉઠાવવામાં આવશે. કોંગ્રેસ પેટ્રોલિયમ, વીજળી અને રિયલ એસ્ટેટને જીએસટીમાં સમાવવાની માગ કરશે. સીપીએમના સાંસદ મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે, સરહદીવિવાદથી માંડીને ગૌરક્ષાનાં નામે થતી હિંસા તથા ખેડૂતોની સમસ્યાના મુદ્દા અમે સંસદમાં ઉઠાવીશું. ૧૧મી ઓગસ્ટ સુધી ચાલનાર ચોમાસું સત્રમાં ૧૮ ખરડા પર ચર્ચા કરી પસાર કરાવવાનો સરકારનો એજન્ડા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter