સંસદનું ચોમાસું સત્ર ધોવાયુંઃ રૂ. ૧૩૧ કરોડ બરબાદ

Friday 14th August 2015 05:13 EDT
 
 

નવી દિલ્હીઃ શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની રાજકીય હુંસાતુંસી અને આરોપ-પ્રત્યારોપ વચ્ચે સંસદનું ચોમાસું સત્ર કોઇ નક્કર કામગીરી વિના સંપૂર્ણ ધોવાઇ ગયું છે. સત્રનો છેલ્લો દિવસ પણ ભારે હોગોકીરા અને ધાંધલધમાલ વચ્ચે પસાર થયો હતો. બંને ગૃહો લોકસભા અને રાજ્યસભા અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થતાં છેલ્લા દિવસે પણ કોઈ કામગીરી થઈ શકી નહોતી. સંસદના ૧૬ દિવસના ચોમાસું સત્રમાં માત્ર ૫૭ કલાક કામ થયું છે અને કુલ ૧૧૯ કલાક વેડફાયા છે અને કરદાતાઓના આશરે ૧૩૧ કરોડ રૂપિયા વેડફાઇ ગયા છે.
સરકારનું સૌથી મહત્ત્વાકાંક્ષી બિલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ (જીએસટી) છેલ્લા દિવસે પસાર થઈ શક્યું નહોતું. અર્થતંત્રને ચેતનવંતુ બનાવવા માટે મહત્ત્વનું મનાતું જીએસટી બિલ રાજ્યસભામાં રજૂ થયું છે, પરંતુ તેના પર ચર્ચા થઇ શકી નથી. હવે સરકાર જીએસટી બિલ માટે સરકાર ૩૧ ઓગસ્ટે વિશેષ સત્ર બોલાવે તેવી શક્યતા છે.
રાહુલ ગાંધીએ સત્રના છેલ્લા દિવસે વધુ એક ઘા મારતાં કહ્યું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડરપોક છે અને કોંગ્રેસ લલિત મોદીને દેશમાં પાછો લાવવા માટે સરકાર પર દબાણ લાવશે. તો બીજી તરફ આખા સત્ર દરમિયાન એક હરફ નહીં ઉચ્ચારનારા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મૌન તોડતાં ગુરુવારે નિવેદન આપ્યું હતું કે, કોંગ્રેસ પરિવાર બચાવવા માગે છે અને ભાજપ દેશ બચાવવા માગે છે.
ગુરુવારે કોંગ્રેસ, ડાબેરીઓ, તૃણમૂલ કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ, જનતા દળ (યુ)ના સભ્યોએ લલિત મોદી મામલે વડા પ્રધાન મોદીનાં નિવેદનની માગણી સાથે લોકસભામાંથી વોકઆઉટ કર્યું હતું. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના શાબ્દિક પ્રહારો ગૃહમાં છેલ્લા દિવસે પણ એટલા જ ગાજ્યા હતા. સુષ્મા સ્વરાજ, વસુંધરા રાજે અને શિવરાજ સિંહ ચૌહાણનાં રાજીનામાની માગ કરનારા વિપક્ષે ચોમાસું સત્રનો એક પણ દિવસ હોબાળા વગરનો છોડયો નહોતો. એક રીતે કહી શકાય કે, વિદેશમાં બેઠાં-બેઠાં લલિત મોદીએ ભારતની લોકશાહીની રફતાર થંભાવી દીધી છે.
'લોકતંત્ર બચાવો' માર્ચ
કોંગ્રેસ દ્વારા ગૃહની અંદર ઘેરાયા બાદ હવે એનડીએના સાંસદો કોંગ્રેસને ગૃહની બહાર ઘેરવાનું આયોજન કરી રહ્યા છે. એનડીએની સંસદીય સમિતિએ કોંગ્રેસ દ્વારા સંસદની કાર્યવાહીને બાધિત કરવા અંગે એક પ્રસ્તાવ પસાર કર્યો હતો, જેમાં એક મહિનો લાંબુ કેમ્પેઇન ચલાવી કોંગ્રેસને લોકો સમક્ષ ઉઘાડા પાડવાની પ્રતિજ્ઞાા લેવામાં આવી હતી. કોંગ્રેસ વિરુદ્ધના આ કેમ્પેઇનની શરૂઆત ગુરુવારે એનડીએના ૩૦૦ સાંસદોએ વિજયચોકથી રાષ્ટ્રપતિભવન સુધી માર્ચ કાઢીને કરી હતી. આ માર્ચમાં એલ. કે. અડવાણી, સુષમા સ્વરાજ અને રાજનાથસિંહ સહિતના સાંસદો જોડાયા હતા, તેને લોકતંત્ર બચાવો માર્ચ નામ આપવામાં આવ્યું હતું. નાણામંત્રી જેટલીએ જણાવ્યું કે, ૪ સાંસદો અને એક મંત્રીની ટીમ બનાવવામાં આવશે અને જે સાંસદોએ સંસદની કાર્યવાહી બાધિત કરી તેમનાં કરતૂતો વિશે લોકોને જણાવવામાં આવશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter