સતીષ કૌશિકને ફિલ્મ નિષ્ફળ જતાં એક સમયે આપઘાતનો વિચાર આવ્યો હતો

Wednesday 15th March 2023 05:37 EDT
 
 

‘મિસ્ટર ઇન્ડિયા’ ફિલ્મમાં બાળકોનો માનીતો ‘કેલેન્ડર’ તો સૌને યાદ હશે જ, આ ફિલ્મમાં તેમનું ગીત ‘મેરા નામ હૈ કેલેન્ડર મેં તો ચલા કિચન કે અંદર...’ આજે પણ લોકોમાં એટલું જ લોકપ્રિય છે. જોકે આ લાઇનને લોકપ્રિય બનાવનાર અભિનેતા-દિગ્દર્શક-લેખક અને નિર્માતા સતીશ કૌશિક આ ફાની દુનિયાને અલવિદા કહી ગયા છે. પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોને હસવા માટે મજબૂર કરતા સતીશ કૌશિકનું આઠમી માર્ચે તીવ્ર હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ 66 વર્ષના હતા. 1983માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી કારકિર્દીની શરૂઆત કરનાર આ પ્રતિભાશાળી કલાકારે તેમની આ ફિલ્મસફરમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું. જોકે તેમને ખરી ઓળખ તો 1987માં આવેલી ફિલ્મ ‘મિસ્ટર ઇન્ડિયા’માં કેલેન્ડરનાં પાત્રથી મળી હતી. તેમણે તેમની કારકિર્દીમાં લગભગ 100 જેટલી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
સતીશ કૌશિકના મેનેજરે જણાવ્યું હતું કે, તેઓ ગુરગાંવના પુષ્પાંજલિ ફાર્મહાઉસમાં પાર્ટીનો આનંદ માણી કહ્યા હતા. તેઓ 10.30ની આસપાસ પાર્ટીમાંથી નીકળીને સુવા પોતાની રૂમમાં જતા રહ્યા હતા. મોડી રાતના એટલે કે લગભગ 12.30 વાગ્યે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી અને છાતીમાં દુખાવો ઉપડયો હતો. તેમને ફોર્ટિસ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ અંતિમ શ્વાસ લીધા હતા. કોઈ ઈજાથી તેમના મોતની આશંકાથી પોસ્ટમોર્ટમ પણ કરાયું હતું.
• એનએસડીમાં અભ્યાસઃ સતીશ કૌશિકનો જન્મ 13 એપ્રિલ 1956માં હરિયાણામાં થયો હતો. જ્યારે દિલ્હીના કરોલ બાગમાં તેમનો ઉછેર થયો હતો અને શિક્ષણ મેળવ્યું હતું. તેમણે અભિનેતા બનવા માટે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા અને ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઇન્સ્ટીટયૂટ ઓફ ઇન્ડિયામાં શિક્ષણ અને તાલીમ મેળવ્યાં હતાં. તેમાં પણ જ્યારે તેઓ દિલ્હીની ડ્રામા સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે અનુપમ ખેર તેમના બેચમેટ હતા. સતીશ કૌશિકે તેમનો અભ્યાસ પૂર્ણ કરીને ફિલ્મોમાં પોતાનું નસીબ અજમાવવા મુંબઇની વાટ પકડી. કારકિર્દીના પ્રારંભના દિવસોમાં જ્યારે સતીશ કૌશિકને ફિલ્મોમાં કામ મળતું ન હતું ત્યારે તેમણે ટેક્સટાઇલ ફેક્ટરીમાં પણ કામ કર્યું હતું. આ દરમિયાન તેઓ નાદિર બબ્બરના થિયેટર ગ્રૂપમાં પણ જોડાયા. આ ગાળામાં તેમણે કુંદન શાહની ફિલ્મ ‘જાનેં ભી દો યારોં’ના ડાયલોગ લખ્યા અને તેમાં નાનકડો રોલ કરવાની પણ તક મળી. આ તેમની પહેલી ફિલ્મ હતી. સમય જતાં તેમને ફિલ્મ ‘માસૂમ’માં ડિરેક્ટર શેખર કપૂરના આસિસ્ટન્ટ બનવાની તક મળી. ત્યાર બાદ 1987માં તેમને ‘મિસ્ટર ઇન્ડિયા’માં કેલેન્ડરના પાત્રથી ફિલ્મ જગતમાં ઓળખ મળી. આ ફિલ્મના સેટ પર શ્રીદેવી અને બોની કપૂર સાથે તેની સારી મિત્રતા બની ગઇ હતી. આ મિત્રતાના કારણે તેમને ફિલ્મ ‘રૂપ કી રાની ચોરો કા રાજા' ડિરેક્ટર કરવા મળી. જોકે ફિલ્મ નિષ્ફળ ગઇ હતી અને તેના કારણે એક સમયે તેમને આપઘાતનો વિચાર પણ આવ્યો હતો. દિગ્દર્શક તરીકે આ તેમની પહેલી ફિલ્મ હતી. તે પછી તેમણે અનેક ફિલ્મો, ટીવી સીરીઝ તથા ઓટીટી સીરીઝમાં પણ યાદગાર ભૂમિકાઓ ભજવી હતી.
• દિગ્દર્શક તરીકે પણ ચમક્યાઃ સતીશ કૌશિકે ‘હમ આપકે દિલ મેં રહેતે હૈ’, ‘મુઝે કુછ કહેના હૈ’, ‘તેરે નામ’, ‘ઢોલ’ અને ‘બધાઇ હો બધાઇ’ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કર્યું. તેમના અંગત જીવન ૫૨ ડોકિયું કરીએ તો સતીશ કૌશિકે 1985માં શશી કૌશિક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પછી તેમના પહેલાં સંતાન શાનુ કૌશિકનો જન્મ થયો, પણ કમનસીબે 1996માં બે વર્ષની વયે જ તેનું મૃત્યું થયું હતું. ત્યાર બાદ 2012માં સરોગસીની મદદથી તેઓ એક પુત્રીના પિતા બન્યા, જેનું નામ વંશિકા છે. પરિવારમાં પુત્રીના આગમન બાદ સતિશ કૌશિક હંમેશા કહેતા હતા કે હવે મારે બહુ લાંબુ જીવવું છે. અને આ માટે તેમણે આલ્કોહોલ છોડી દઇને લાઇફસ્ટાઇલ પણ ધરમૂળથી બદલી નાંખી હતી. જોકે કુદરતને કદાચ આ મંજૂર નહોતું.
• કુંવારી સગર્ભા બનેલી નીનાને લગ્નની ઓફરઃ સતીશ કૌશિક અને નીના ગુપ્તા ખાસ મિત્રો હતા. એ દરમિયાન નીના ગુપ્તા ક્રિકેટર વિવિયન રિચર્ડસ સાથેના લવઅફેરના કારણે ગર્ભવતી થઇ હતી. જોકે વિવિયને લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધો હતો. નીનાના જીવનના આ કપરા સમયે સતીશે તેને લગ્ન કરવાની ઓફર કરી હતી, જેથી તેના સંતાનને પિતાનું નામ મળી હતી. તેઓ નીનાને સમાજથી એકલી પડી જતી જોઇ શક્યા નહોતા. તેઓ એક સાચા મિત્ર બનીને તેની સાથે ઊભા રહ્યા હતા. તેમણે નીનાને કહ્યું હતું કે, ‘મૈં હૂં ના તું ચિંતા ક્યો કરતી હૈ, અગર બચ્ચા ડાર્ક સ્કિન કલર કા હુઆ તો હમ શાદી કર લેંગે ઔર કિસીકો શક નહીં હોગા.’ આ સમયે સતીશ અને શશીના લગ્નને ચાર વર્ષ થઇ ગયા હતા. સતીશે શશી સાથે 1985માં લગ્ન કર્યા હતા. નવ વરસના લગ્નજીવન પછી તેમના ત્યાં એક પુત્રનો જન્મ થયો હતો. જે બે વરસનો થયા પછી અવસાન પામ્યો હતો. ત્યારે સતીશ ભાંગી પડયા હતા. આ પછી 56 વરસની વયે તેઓ સરોગસી દ્વારા ફરી પિતા બન્યા અને પુત્રી વંશિકાનો જન્મ થયા હતો.
• હોળીના છેલ્લા ફોટો વાયરલ બન્યાંઃ મુંબઈથી ગુરુગ્રામ રવાના થયા તેના આગલા દિવસે સતીશ કૌશિકે મુંબઈના જૂહુમાં જાનકી કુટિર ખાતે જાવેદ અખ્તરની હોલી પાર્ટીમાં હાજરી આપી હતી. તેમાં તેમની સાથે અલી ફૈઝલ, ઋચા ચઢ્ઢા સહિત અનેક કલાકારો, લેખકો પણ સામેલ થયા હતા. સતીશ કૌશિકે આ પાર્ટીનાં કેટલાક ફોટો પિક્ચર્સ સોશિયલ મીડિયા પર મૂક્યાં હતાં, જે તેમની અંતિમ પોસ્ટ બની રહી હતી. તેમના નિધન બાદ ગુરુગ્રામની પાર્ટીનો અંતિમ વીડિયો પણ વાયરલ થયો હતો.

• સતીશ કૌશિકના લોકપ્રિય ડાયલોગઃ ‘આન્ટી નંબર વન’: ‘વૈસે તો મેં એક ફ્રસ્ટ્રેટેડ આદમી હું, મેરી સ્ટોરી કા પતા નહીં હૈ, ફાઇનેન્સ કા ઠિકાના નહીં હૈ, હીરો ડેટ નહીં દે રહા હૈ, હીરોઇન કહ રહી હૈ કિ મેં પૂરે કપડે પહનુંગી...’ હદ કરદી આપને: ‘મેરી એક ખુદ કી પર્સનલ બીવી હૈ.’ ‘સ્વર્ગ’: ‘એક દૂર કે ચાચા હૈ ઔર એક મુંહ બોલી ભાભી, દૂર કા ચાચા મુઝસે દૂર હી રહતા હૈ ઔર મુંહ બોલી ભાભી મુઝે કભી મુંહ નહીં લગાતી હૈ.’

• યાદગાર ફિલ્મ અને પાત્રઃ મિ. ઇન્ડિયા (કેલેન્ડર), મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી (ચંદા મામા), દિવાના મસ્તાના (પપ્પૂ પેજ૨), સાજન ચલે સસુરાલ (મુથુસ્વામી)

સતીષ કૌશિકને મારા પતિએ ઝેર આપ્યુંઃ વિકાસનાં પત્નીનો દાવો

સતીષ કૌશિકના મૃત્યુ મામલે બિઝનેસમેન વિકાસ માલુની પત્ની સાન્વીએ ચોંકાવનારો દાવો કરતાં સમગ્ર કેસમાં નવો વળાંક આવ્યો છે. સાન્વીએ પોતાના જ પતિ પર આરોપ લગાવ્યો છે કે તેણે જ સતીષ કૌશિકને ઝેર આપ્યું હતું. એટલું જ નહીં તેણે દિલ્હી પોલીસ કમિશનરને પત્ર લખીને ચોંકાવનારા દાવા પણ કર્યા છે. તેનું કહેવું છે કે વિકાસે સતીષને પોતાના રસ્તામાંથી હટાવી દીધા છે, જેથી 15 કરોડ રૂપિયા પરત ન આપવા પડે. સાન્વીનો આરોપ છે કે સતીષ કૌશિક અને વિકાસ માલુ વચ્ચે વ્યાપારી સંબંધો હતા અને બંને વચ્ચે પૈસાને લઈને ઝઘડો થયો હતો. ફાર્મહાઉસમાંથી કેટલીક વાંધાજનક દવાઓ પણ મળી આવી છે. મારા પતિ પૈસા પરત કરવાના મૂડમાં નહોતા, તેમણે તો એમ પણ કહ્યું કે તેઓ સતીષ કૌશિકને દૂર કરવા માટે ગોળીઓ અને રશિયન છોકરીઓનો ઉપયોગ કરશે. તેથી જ હું ન્યાયિક તપાસ માટે પોલીસ સમક્ષ આ એંગલ લાવી છું.
બીજી તરફ, સતીષ કૌશિકના પત્ની શશી કૌશિકે સાન્વીના આક્ષેપોને રદિયો આપ્યો છે. તેણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવતાં સાન્વીને કેસ પાછો ખેંચવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉદ્યોગપતિ વિકાસ માલુના દિલ્હી સ્થિત ફાર્મ હાઉસમાં યોજાયેલી હોળી પાર્ટીમાં સતીષ કૌશિક ગયા હતા. જ્યાં રાત્રે 12 વાગે છાતીમાં દુ:ખાવો ઉપડતાં તેમને હોસ્પિટલ લઈ જવાતા હતા ત્યારે રસ્તામાં જ તેમનું મોત થઈ ગયું હતું. પોલીસે અભિનેતાનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું જેમાં મોતનું કારણ હાર્ટ એટેક જણાવાયું છે.

સાન્વીના તમામ આક્ષેપો પાયાવિહોણાઃ સતીષ કૌશિકના પત્નીનો રદિયો

સાન્વીના તમામ દાવાઓ પર સતીષ કૌશિકના પત્ની શશીએ કહ્યું છે કે તેમના પતિ હોળી પાર્ટી માટે દિલ્હી ગયા હતા. પૈસાની લેવડદેવડના આક્ષેપો પાયાવિહોણા છે. સતીષ કૌશિક અને વિકાસ માલુ સારા મિત્રો હતા. તેઓ ક્યારેય ઝઘડો કરી જ ના શકે. વિકાસ પોતે ઘણા અમીર છે, તેથી આવી સ્થિતિમાં તેને સતીષ પાસેથી પૈસાની જરૂર પડે નહીં. શશીએ જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ થઈ છે કે દિવંગત અભિનેતાને 98 ટકા બ્લોકેજ હતા અને તેમના બ્લડ સેમ્પલમાં કોઈ ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું નથી. સાન્વીના ઈરાદાઓ પર સવાલ ઉઠાવતા શશીએ કહ્યું, ‘પોલીસે બધું જ ચકાસી લીધું છે. મને સમજાતું નથી કે તે કેવી રીતે દાવો કરી રહી છે કે તેમને ડ્રગ અપાયું હતું અને તેમની હત્યા કરી દેવાઈ છે. મને સમજાતું નથી કે મારા પતિના અવસાન પછી તે શા માટે તેમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે. આની પાછળ તેનો કંઈક એજન્ડા હોવો જોઈએ. કદાચ તે પોતાના પતિ પાસેથી પૈસા પડાવવા માંગે છે અને તેમાં હવે સતીષને પણ સામેલ કરી રહી છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter