મસ્કતઃ વડા પ્રધાન મોદીએ ઓમાનની મુલાકાત દરમિયાન સુલતાન કબૂસ સાથે દ્વિપક્ષીય મંત્રણા યોજીને સંબંધોને મજબૂત બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બાદમાં બંને દેશો વચ્ચે વેપાર, સંરક્ષણ, પ્રવાસ, ખાદ્યસુરક્ષા, હેલ્થ સહિતના ક્ષેત્રે કુલ આઠ મહત્ત્વના કરારો થયા હતા. મોદીએ કહ્યું હતું કે તેમની ઓમાન મુલાકાતથી બંને દેશોનાં સંબંધોમાં ઉષ્મા ઉમેરાશે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું કે ઓમાન સાથે ભારતના સંબંધો સદીઓ જૂના છે. બંને દેશો વચ્ચે વેપારી આદાન-પ્રદાન પણ સદીઓ જૂનું છે. વડા પ્રધાન મોદીએ ઓમાનની મુલાકાતને બંને દેશોના સંબંધોમાં ઉષ્મા લઈ આવનારી ગણાવી હતી.
મોદીએ સુલતાન કાબુસ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં ભારતીય સમુદાયને સંબોધીને સરકારની સિદ્ધિઓ વિશે માહિતી આપી હતી. તેમણે ઓમાનમાં રહેતા આઠ લાખ ભારતીય મૂળના નાગરિકોને સાચા અર્થમાં દેશના રાજદૂત ગણાવીને દેશના વિકાસમાં તેમનો ફાળો મહત્ત્વનો હોવાનું કહ્યું હતું.
ઓમાન-ગુજરાત કનેકશન
ભારત અને ઓમાન વચ્ચેનો સંબંધ કરોડો વર્ષ જૂનો છે. પાંચ હજાર વર્ષ પહેલાં પણ ગુજરાતથી લાકડા ભરેલા જહાજો ઓમાન જતા હતા. હજારો વર્ષોમાં વ્યવસ્થાઓ બદલાઈ પણ સંબંધોમાં કોઈ ફેરફાર આવ્યો નથી.
ભારતને ગુલામીનો ભોગ બનવું પડયું પણ ઓમાન સાથેના સંબંધોમાં ક્યાંય કોઈ ફેરફાર થયો નથી.
રવિવારે સાંજે ઓમાન પહોંચ્યા પછી તેઓ સીધા જ હોટેલ ગયા હતા જ્યાં મોટી સંખ્યામાં ભારતીયો તેમના સ્વાગત માટે ઊમટી પડયાં હતાં. મોદીને રાજકીય સન્માન સાથે હોટેલ લઈ જવાયા હતા. અહીંયાં તેમણે ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. તે ઉપરાંત ઓમાનના ઉદ્યોગપિતઓને ભારતમાં વેપાર કરવા અને રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે, દુનિયા ભારતના વિકાસનું સન્માન કરી રહી છે. ભારતે છેલ્લાં ચાર વર્ષમાં સાધેલા વિકાસને દુનિયાભરના દેશો આવકારી રહ્યા છે. ભાજપ સરકારે સત્તામાં આવ્યા બાદ સામાન્યમાં સામાન્ય માણસને પણ વિકાસની તક આપી છે. હાલમાં દરેક ભારતીય ન્યૂ ઈન્ડિયાના સપનાને સાકાર કરવા મથી રહ્યો છે.