સદીના સૌથી મોટા દાનવીર જમશેદજી તાતા

Wednesday 30th June 2021 06:33 EDT
 
 

મુંબઇ: વિશ્વમાં સૌથી ઉદારદિલ દાનવીર કોણ છે? એવો પ્રશ્ન પૂછાય તો તરત જ કોઇના પણ હોઠો પર બિલ ગેટ્સ (માઇક્રોસોફ્ટ) કે વોરન બફેટ (બર્કશાયરહાથવે)નું નામ આવશે. પરંતુ સાચો જવાબ છેઃ જમશેદજી તાતા. ભારતીય ઉદ્યોગજગતના પિતામહ અને આજે ૨૦૦ બિલિયન ડોલરનું સામ્રાજ્ય ધરાવતા તાતા જૂથના સ્થાપક જમશેદજી તાતા દુનિયામાં સૌથી મોટા દાનવીર છે.
હુરુન ઈન્ડિયા અને એડેલગિવ ફાઉન્ડેશને જારી કરેલા ૧૦૦ વર્ષના દુનિયાના સૌથી મોટા દાનવીરોની યાદીમાં આ માહિતી આપી છે. ગુજરાતના નવસારીમાં જન્મેલા જમશેદજી તાતાએ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રમાં ૧૮૯૨થી દાન આપવાની શરૂઆત કરી હતી. બજારમૂડી આધારે મૂલવવામાં આવે તો ભારતના આ ટોચના ઔદ્યોગિક જૂથે વીતેલી સદીમાં સૌથી વધુ ૧૦૨.૪ બિલિયન ડોલરનું સખાવતી દાન કરેલું છે.
વિશ્વના અગ્રણી ૧૦ દાનવીરોમાં તાતા એકમાત્ર ભારતીય છે, જ્યારે વિપ્રોના ચેરમેન અઝીમ પ્રેમજી ટોચના ૫૦ દાનવીરમાં ૧૨મા સ્થાને છે. બિલ ગેટ્સ, મેલિન્ડા ગેટ્સ, વોરેન બફેટ પણ આ યાદીમાં પાંચ અગ્રણી દાનવીરોમાં સ્થાન પામ્યા છે. યાદીમાં તાતા પછીના ક્રમે બિલ ગેટ્સ - મેલિન્ડા ગેટ્સનો સમાવેશ થાય છે. આ દંપતી ૭૪.૬ બિલિયન ડોલરનું દાન કરી ચૂક્યા છે. હુરુન ઇન્ડિયા દ્વારા સદીના સૌથી મોટા દાનવીરોની આ યાદી પહેલી જ વાર પ્રકાશિત કરવામાં આવી છે.

આજના બિલિયોનેરમાં દાન આપવાની વૃતિ ઘટી
હુરુન રિપોર્ટના સંશોધક રુપર્ટ હુગવર્ફે જણાવ્યું હતું કે વીતેલી સદીમાં દાનવીર તરીકે લોકમાનસમાં અમેરિકી અને યુરોપીય દાનવીરો છવાયેલા રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે ભારતના તાતા જૂથના સ્થાપક જમશેદજી તાતા વિશ્વના સૌથી મોટા દાનવીર છે. આજના બિલિયોનેરમાં દાન કરવાની વૃત્તિમાં ઘટાડો થયો છે. જે ઝડપથી નાણા કમાય છે તેની સરખામણીએ દાન આપવાની ગતિ ખૂબ જ મંદ છે. મહામારીએ નિર્ધન અને અમીરો વચ્ચેની ખાઇ ઘણી વધારી નાખી છે.
જમશેદજીએ કરેલું દાન તાતા સન્સની કંપનીઓના મૂલ્યના ૬૬ ટકા જેટલું
હુરુન રિસર્ચ અને એડલગિવ ફાઉન્ડેશનના રિપોર્ટ મુજબ જમશેદજી તાતાએ કરેલું દાન અને ત્યારબાદ તેમના નામે થયેલા દાનની રકમ તાતા સન્સની લિસ્ટેડ કંપનીઓના કુલ મૂલ્યના ૬૬ ટકા જેટલી છે. તાતાએ ૧૮૭૦ના દાયકામાં સેન્ટ્રલ ઈન્ડિયા સ્પિનિંગ વિવિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ કંપનીની શરૂઆત કરી હતી. ઉચ્ચ શિક્ષણ માટે ૧૮૯૨માં જે. એન. તાતા એન્ડોમેન્ટની સ્થાપના કરી હતી, જે તાતા ટ્રસ્ટની શરૂઆત હતી. ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુ હંમેશ ‘વન મેન પ્લાનિંગ કમિશન’ તરીકે તેમનો ઉલ્લેખ કરતા હતા.
જમશેદજીનો જન્મ નવસારીમાં
જમશેદજી તાતાનો જન્મ ૩ માર્ચ ૧૮૩૯ના રોજ દક્ષિણ ગુજરાતના નવસારીમાં નસરવાનજી અને જીવણબાઈ નામના પારસી દંપતીના ઘરે થયો હતો. તેમનાં માતા-પિતાએ તેમને પશ્ચિમી શિક્ષણ અપાવ્યું હતું. બાદમાં વધુ આધુનિક અભ્યાસ માટે તેમને મુંબઈ પણ મોકલ્યા હતા. વર્ષ ૧૮૬૮માં તેમણે રૂ. ૨૧ હજારની મૂડીથી ટ્રેડિંગ કંપની શરૂ કરીને તાતા જૂથનો પાયો નાંખ્યો હતો, અને આજે આખી દુનિયા જાણે છે કે તાતા જૂથ કેટકેટલા ક્ષેત્રે કાર્યરત છે. આજે દેશવિદેશમાં ૨૦૦ બિલિયન ડોલરનું ઔદ્યોગિક સામ્રાજ્ય ધરાવતા તાતા જૂથે માત્ર આર્થિક પ્રગતિ જ હાંસલ કરી છે એવું નથી, તેણે સમાજનું ઋણ ચૂકવવામાં પણ કોઇ કસર છોડી નથી. આજે તાતા ટ્રસ્ટના અનેક સંસ્થાનો સમાજ કલ્યાણ ક્ષેત્રે પ્રશંસનીય યોગદાન આપી રહ્યા છે.
વીતેલા ૧૦૦ વર્ષમાં ૮૩૨ બિલિયન ડોલરનાં દાન
રિપોર્ટમાં જણાવાયા મુજબ વિશ્વભરના દાનવીરો વીતેલા ૧૦૦ વર્ષમાં ૮૩૨ બિલિયન ડોલરનું દાન આપી ચૂક્યા છે. વિવિધ ફાઉન્ડેશન દ્વારા ૫૦૩ બિલિયન ડોલરનું દાન થયું હતું અને વિવિધ દાતાઓએ ૩૨૯ બિલિયન ડોલરનું દાન કર્યું હતું.
યાદીમાં ઉલ્લેખિત દાનવીરોની સંખ્યામાં અમેરિકા મોખરે છે. અહીંના ૩૯ દાનવીરો મોટું દાન કરી ચૂક્યા છે. યાદીમાં બ્રિટનના પાંચ, ચીનના ૩, ભારતના બે તો પોર્ટુગલ અને સ્વિત્ઝર્લેન્ડના એક - એક દાનવીરનો પણ સમાવેશ થાય છે.
ત્રણ ધનવાનોની સંપત્તિ એક વર્ષમાં ૫૦ બિલિયન ડોલરનો વધારો
એક જ વર્ષમાં ત્રણ વ્યક્તિએ તેમની ધનસંપત્તિમાં ૫૦ બિલિયન ડોલરથી વધુનો ઉમેરો કર્યો છે. ઇ-કારનું ચલણ વધતાં એલન મસ્કની ધનસંપત્તિમાં ૫૧ બિલિયન ડોલર જેટલો વધારો થયો છે. તો એમેઝોનના જેફ બેઝોસ અને પિન્ડોડુના કોલિન હુઆંગની સંપત્તિમાં પણ ૫૦-૫૦ બિલિયન ડોલર જેટલી સંપત્તિનો વધારો થયો છે. હુગવર્ફ કહે છે કે આ રફ્તારથી જ ધનસંપત્તિ વધતી રહી તો આગામી પાંચ વર્ષમાં ૫૦થી વધુ ધનપતિઓ ૧૦૦ બિલિયન ડોલરથી વધુ ધનસંપત્તિ ધરાવતા થઇ જશે.
વિશ્વની ધનસંપત્તિમાં થઇ રહેલા વધારાને એકબીજા માપદંડથી માપવું હોય તો ગયા વર્ષમાં ૧૦૦૦ બિલિયન ડોલરની સંપત્તિ ધરાવનારાઓની યાદીમાં ઉછાળો આવ્યો છે અને તે સંખ્યા વધીને ૭૫૦૦ થઇ ગઇ છે. યાદીમાં હજી અનેક ધનપતિના નામ સામેલ કરવાના રહી ગયા છે.

શિક્ષણ, આરોગ્ય, સંશોધન સહિત સામાજિક વિકાસ ક્ષેત્રે કરાયેલું દાન
૧. જમશેદજી તાતા (ભારત) રૂ. ૭.૬૦ લાખ કરોડ
૨. બિલ-મેલિન્ડા ગેટ્સ (યુએસ) રૂ. ૫.૫૩ લાખ કરોડ
૩. હેનરી વેલકમ (યુકે) રૂ. ૪.૨૧ લાખ કરોડ
૪. હાવર્ડ હ્યુજ (યુએસ) રૂ. ૨.૮૬ લાખ કરોડ
૫. વોરેન બફેટ (યુએસ) રૂ. ૨.૭૭ લાખ કરોડ
૬. જ્યોર્જ સોરોસ (યુએસ) રૂ. ૨.૫૯ લાખ કરોડ
૭. હેન્સ વિલ્સડોર્ફ (સ્વિત્ઝર્લેન્ડ) રૂ. ૨.૩૩ લાખ કરોડ
૮. જેકે લિલી સિનિ. (યુએસ) રૂ. ૨.૦૪ લાખ કરોડ
૯. જ્હોન ડી. રોકફેલર (યુએસ) રૂ ૧.૯૯ લાખ કરોડ
૧૦. એડસેલ ફોર્ડ (યુએસ) રૂ ૧.૯૭ લાખ કરોડ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter