લખનઉઃ સમાજવાદી પાર્ટીનાં ગૃહયુદ્ધમાં આખરે બેટાજી અખિલેશનો વિજય થયો છે. પક્ષનાં નામ અને નિશાન સાઇકલ માટે આમનેસામને પડેલા નેતાજી અને બેટાજીનાં દંગલમાં બેટાજીએ નેતાજીને ધોબીપછાડ આપી હતી. ચૂંટણી પંચ સમક્ષ રહેલા ચૂંટણી નિશાનના ચુકાદાને સોમવારે જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે સમાજવાદી પાર્ટીનું નામ અને તેનું સાઇકલનું નિશાન અખિલેશ જૂથને આપ્યાં હતાં. બીજી તરફ મુલાયમસિંહ પાસે અપમાનનું હળાહળ પીવા સિવાય અને હળનું નિશાન રાખવા સિવાય ખાસ કોઈ વિકલ્પ રહ્યા નથી.
અખિલેશ જૂથ તરફથી કપિલ સિબ્બલ સહિત છ વકીલોએ દલીલ કરી હતી જેની સામે મુલાયમ જૂથ ૧૧ વકીલો ટકી શક્યા ન હતા. ચૂંટણીપંચના ચૂકાદા પછી અખિલેશ મુલાયમને મળ્યા. જોકે, સૂત્રો મુજબ મુલાયમે અખિલેશ સામે ચૂંટણી લડવાનો હઠાગ્રહ પકડી રાખ્યો છે.
મુલાયમસિંહે રામગોપાલ યાદવ અને અખિલેશને પક્ષમાંથી હાંકી કાઢયા હતા. જનતાનો રોષ જોઈને મુલાયમે અખિલેશને પક્ષમાં તો લીધા પણ પોતાના ન કરી શક્યા. અખિલેશે પોતાની રીતે ચૂંટણી માટે દાવેદારી કરી જ્યારે મુલાયમે પોતાની રીતે. મુલાયમ નામ અને નિશાન માટે ચૂંટણીપંચમાં ગયા તો બીજી તરફ અખિલેશે પણ દાવો કર્યો. આ દરમિયાન અખિલેશ પાસે વધારે નેતા, વિધાનસભ્યો, સાસંદોનું સમર્થન હોવાનું બહાર આવ્યું. નેતાજી ગણતરીનાં લોકો સાથે હાંસિયામાં ધકેલાઈ ગયા. છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવાદમાં અખિલેશ સપા અને સાઇકલ બંને લઈ ગયા જ્યારે મુલાયમનાં ફાળે માત્ર અપમાનનું હળાહળ અને નિશાનમાં હળ આવ્યું.
ચૂંટણી પંચ ઉવાચ
ચૂંટણી પંચે સોમવારે જાહેરાત કરતાં જણાવ્યું કે, મુખ્ય પ્રધાન અખિલેશ યાદવ અને તેમનું જૂથ મૂળ સમાજવાદી છે. તેને કારણે સમાજવાદી પક્ષનું નામ અને તેનું સાઇકલનું નિશાન તેમને આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે અખિલેશ જૂથે સમાજવાદી પાર્ટીના ૫,૭૩૧માંથી ૪,૭૦૦ નેતાઓનો સપોર્ટ હોવાના દસ્તાવેજો ચૂંટણીપંચમાં રજૂ કર્યા હતા. બીજી બાજું મુલાયમસિંહના સપોર્ટમાં એકે નેતાએ દસ્તાવેજો રજૂ કર્યા ન હતા. અમરસિંહના એક પત્રમાં પણ ભૂલ હતી.
મુલાયમનો પુત્ર સામે જંગ
મુલાયમસિંહે સોમવારે જણાવ્યું હતું કે, અખિલેશે તેમની પાસેથી બધું જ છીનવી લીધું છે. તે રામગોપાલના ઈશારે કામ કરી રહ્યો છે. તે ત્રણ ત્રણ વખત બોલાવવા છતાં મળવા માટે નથી આવતો. ડિમ્પલના સોગંદ આપીને તેને બોલાવવો પડે છે, તે હવે કોઈ વાત સમજવા તૈયાર નથી, અમે કોર્ટમાં જવા તૈયાર છીએ. અખિલેશ પોતાની હઠ નહીં છોડે તો હું તેની વિરુદ્ધ ચૂંટણી લડીશ.