નવી દિલ્હી: પોતાની સરકારને સાત વર્ષ પૂર્ણ થયાના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં સરકારની સિદ્ધિઓ ગણાવી હતી, તો બીજી બાજુ રાષ્ટ્રીય સલામતી અને લોકોના આરોગ્યની ચિંતા પણ વ્યક્ત કરી હતી. કોરોના સામેની લડાઈનમાં તેમના દ્રઢ સંકલ્પ તેમજ સરકારના પગલાં સહિત અનેક વાતો પણ કરી હતી. તેમણે રવિવારે કહ્યું હતું કે દેશે આ તમામ વર્ષોમાં ‘સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ’નો મંત્ર ચરિતાર્થ કર્યો છે. અમે દરેક ક્ષણે દેશ અને દેશવાસીઓ માટે કામ કર્યું છે. આ વર્ષોમાં આપણે રાષ્ટ્રીય ગર્વની અનેક પળોનો અનુભવ કર્યો છે. જ્યારે આપણને એવું થવા લાગ્યું છે કે ભારત અન્ય દેશોના વિચારો અને દબાણને કારણે નહીં પરંતુ પોતાની દૃઢતાથી આગળ વધ્યું છે તો આપણને સહુને ગર્વ થાય છે.
વડા પ્રધાન મોદીએ રવિવારે ‘મન કી બાત’ કાર્યક્રમની ૭૭મી શ્રૃંખલા અંતર્ગત દેશવાસીઓને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે આપણે જોઈ રહ્યા છે કે કેવી રીતે સમગ્ર દેશ પૂરી તાકાત સાથે કોવિડ-૧૯ મહામારી સામે લડી રહ્યો છે.
તેમણે કહ્યું કે છેલ્લા ૧૦૦ વર્ષોમાં આ સૌથી મોટી મહામારી છે. આ મહામારીના પ્રકોપ વચ્ચે ભારતે અનેક કુદરતી આફતોનો પણ અડીખમ રહીને સામનો કર્યો છે.
મોદીએ કહ્યું હતું કે હું એ તમામ લોકોના પરત્વે પોતાની સંવેદના વ્યક્ત કર્યું છું, જેમણે પોતાના નિકટજનોને ગુમાવ્યા છે. આપણે તમામ આ મુશ્કેલ સમયમાં એ લોકોની સાથે મજબૂતાઈથી ઊભા છીએ, જેમણે આફતમાં નુકસાન વેઠ્યું છે.
તેમણે જણાવ્યું હતું કે પડકાર ભલે ગમે તેવો વિશાળ હોય, ભારતનો વિજય સંકલ્પ પણ એટલો જ વિશાળ છે. દેશની સામૂહિક શક્તિ અને આપણા સેવા ભાવથી દેશને દરેક તોફાનમાંથી ઉગારી લીધો છે. વડા પ્રધાને કહ્યું કે આજે ૩૦મી મેએ આપણે ‘મન કી બાત’ કરી રહ્યા છીએ અને યોગાનુયોગ સરકારના કાર્યકાળના ૭ વર્ષ પૂર્ણ થવાનો પણ સમય છે. આ વર્ષોમાં દેશ સબ કા સાથ, સબ કા વિકાસ, સબ કા વિશ્વાસ મંત્ર પર આગળ ધપ્યો છે.
તેમણે કહ્યું કે આ ૭ વર્ષોમાં જે પણ સિદ્ધિઓ હાંસલ થઈ છે, તે દેશની અને દેશવાસીઓને આભારી રહી છે. ભારતમાં વિતેલા ૭ વર્ષમાં ધરમૂળ પરિવર્તનને દુનિયાએ નિહાળ્યું છે. દેશવાસીઓનો ઉત્સાહ પણ શાબાશીને પાત્ર છે.
તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા અભિયાન હોય, સેટેલાઈટ પ્રક્ષેપણ હોય કે પછી દેશના દાયકાઓ જૂના વિવાદ પૂર્વોત્તરથી લઈને કાશ્મીર સુધીના સરળતાથી ઊકેલાયા છે. અમે છેલ્લા ૭ વર્ષોમાં એક સરકાર કરતા વધુ ટીમ ઈન્ડિયા તરીકે કામ કર્યું છે. દેશના દરેક નાગરિકે સરકારને મદદ કરી છે. તેની સાથે આ વર્ષોમાં અનેક અઘરી પરીક્ષાઓમાં પણ મજબૂત થઈને નીકળ્યા છીએ. સરકાર અને દેશવાસીઓએ કોરોનાની પ્રથમ લહેર સામેની લડત પણ સંપૂર્ણ જુસ્સાભેર લડી હતી અને બીજી લહેરમાં પણ ભારત જીતશે.