સબરીમાલા મંદિરમાં ત્રણ ગણો ચઢાવો, 400 કર્મીઓ સિક્કા ગણવાના કામે લાગ્યા છે

Sunday 19th February 2023 14:59 EST
 
 

તિરુવનંતપુરમ્ઃ કેરળમાં ભગવાન અયપ્પાના સબરીમાલા મંદિરના કપાટ ગયા મહિને મંડલમ્-મકરવિલક્કુ મહાત્સવ પૂર્ણ થયા બાદ બંધ કરાયા છે. 60 દિવસીય મંડલમ્-મકરવિલક્કુ ઉત્સવમાં પહોંચેલા લાખો ભક્તોએ આ વખતે ઉદાર હાથે દાન આપ્યું હતું, જેના કારણે દાનનો અગાઉનો રેકોર્ડ તૂટી ગયો છે. બીજી તરફ દાનમાં ચઢાવવામાં આવેલા સિક્કાની ગણતરી હજુ પણ ચાલુ છે. અત્યાર સુધીની ગણતરી પ્રમાણે મંદિરને રેકોર્ડ તોડ 345,16 કરોડ સિક્કાના રૂપમાં દાન મળ્યું છે. 2020માં ભક્તોએ 130 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું. જોકે 2021 અને 2022માં કોરોના મહામારીને કારણે પ્રતિબંધો લાગૂ હતા.
કોરોના બાદ પ્રથમ વખત આયોજીત આ મહોત્સવમાં મોટીસંખ્યામાં ભક્તો દ્વારા દાનરૂપે સિક્કાઓ ચઢાવવામાં આવ્યા છે. નોટોની ગણતરી તો મશીનો દ્વા૨ા ક૨વામાં આવી હતી, પરંતુ સિક્કાઓની ગણતરી પૂરી થવામાં હજુ પણ સમય લાગશે. સિક્કાઓના ત્રણ મોટા પહાડો મંદિરના સ્ટોરરૂમાં છે. કનિકાના રૂપમાં ભક્તો મંદિરમાં સિક્કાઓ દાન કરે છે, જો કે સિક્કાઓની ગણતરી કરવી કર્મચારીઓ માટે એક પડકારજનક છે. ત્રાવણકોર દેવસ્વોમ બોર્ડના પ્રમુખ કે અનંતગોપાલનનું કહેવું છે કે સિક્કાઓની ગણતરી માટે 400 કર્મચારીઓ રાખ્યા છે. 11 આસિસ્ટન્ટ કમિશનર અને બે સ્પેશિયલ ઓફિસરો દેખભાર માટે ખડેપગે છે. સિક્કાઓની ગણતરી બે સપ્તાહમાં પૂર્ણ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે મહિનાના ઉત્સવ દરમિયાન મંદિરમાં 345.16 કરોડ રૂપિયાના સિક્કાઓ દાનરૂપે ચઢાવવામાં આવ્યા છે. નોંધનિય છે કે, 60 દિવસીય મંડલમ-મકરવિલક્કુ ઉત્સવ લગભગ બે વર્ષ પછી એટલે કે કોરોના મહામારી પછી ઉજવવામાં આવ્યો હતો. જેમાં લાખોની સંખ્યામાં ભક્તો પધાર્યા હતા. જો કે, આ દાનને અત્યારે અંતિમ ગણી શકાય નહીં, કારણ કે મંદિરમાં દાનની ગણતરી પૂર્ણ થઈ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter