સબરીમાલામાં રજસ્વલા મહિલાને પ્રવેશ નહીં

Wednesday 20th November 2019 07:24 EST
 

તિરુવનંતપુરમ: સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા ચુકાદાને પડકારતી રિવ્યૂ પિટિશનોની સુનાવણી ૭ જજની લાર્જર બંધારણીય બેન્ચને સોંપાયા બાદ ૧૬મી નવેમ્બરથી કેરળ સ્થિત સબરીમાલા મંદિરની ૪૧ દિવસની વાર્ષિક ધાર્મિકયાત્રાનો પ્રારંભ થયો હતો. શનિવારે સાંજે ૫ કલાકે સબરીમાલા મંદિરનાં દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લાં મુકાયાં હતાં. મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પર સુપ્રીમના ચુકાદામાં અસ્પષ્ટતા હોવાના કારણે મહિલાઓ મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરે અને તેના કારણે અરાજકતા સર્જાય તેવી ભીતિથી રાજ્ય સરકારે સબરીમાલામાં ૧૦,૦૦૦થી વધુ પોલીસ જવાનો ચાર તબક્કામાં તહેનાત કરવા નિર્ણય કર્યો હતો. કેરળ સરકારે ચેતવણી આપતાં જણાવ્યું છે કે જે મહિલાઓ સબરીમાલા મંદિરમાં પ્રવેશવા ઇચ્છે છે તેમણે સાથે અદાલતનો આદેશ લાવવો પડશે. ભૂમાતા બ્રિગેડની એક્ટિવિસ્ટ તૃપ્તિ દેસાઈ સબરીમાલા મંદિરમાં ૨૦મી નવેમ્બરે પ્રવેશવાનો પ્રયાસ કરશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter