સમગ્ર વિશ્વના અર્થતંત્ર માટે આગામી વર્ષ મુશ્કેલઃ રાજન્

Tuesday 27th December 2022 08:55 EST
 
 

જયપુરઃ ભારતીય અર્થવ્યવસ્થાની સાથે આવનારું વર્ષ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલ બની શકે છે. જો જરૂરિયાત મુજબ 'સુધારા' નહીં કરાય તો અર્થતંત્રની સમસ્યાઓ વધી શકે છે એમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)ના ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું. રાહુલ ગાંધીના નેતૃત્વ નીચે યોજાયેલી 'ભારત જોડો યાત્રા'માં રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન્ રાજસ્થાનમાં જોડાયા હતા.
રાજને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી હતી. દેશમાં આગામી ક્રાંતિ સર્વિસ સેક્ટરમાં થઈ શકે છે.
આ સાથે તેઓએ વૃદ્ધિદરના માપદંડો વિષે કહ્યું હતું કે, તમો શાનેથી માપો છો તે મહત્ત્વનું છે. જો ગત વર્ષના સૌથી ખરાબ રહેલા ક્વાર્ટરની સરખામણીએ મૂલવશો તો આ વિકાસદર ઘણો જ સારો લાગશે પરંતુ ખરી વાત તો એ છે કે 2019માં મહામારી ફેલાઈ તે પૂર્વેની સ્થિતિ સાથે વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો સાચો વૃદ્ધિદર માત્ર બે ટકા જ છે. આ દર આપણા માટે અત્યંત નીચો છે.
વૃદ્ધિદર ઘટવાનું કારણ પૂછતાં તેઓએ કહ્યું કે કોવિડ મહામારી તો પ્રોબ્લેમનો એકભાગ માત્ર છે. વાસ્તવમાં તો મહામારી પૂર્વેથી જ મંદ ગતિ શરૂ થઈ ગઈ હતી કારણ કે નિકાસ માટે જરૂરી સુધારાઓ જ આપણે કરી શક્યા નથી.
આ સાથે સતત વધી રહેલી આર્થિક અસમાનતા વિષે રિઝર્વ બેંકના આ પૂર્વ ગવર્નરે કહ્યું હતું કે, અપર-મિડલ ક્લાસની આવક વધી હતી કારણ કે તેઓ ઘરેથી કામ કરી શકતા હતા. પરંતુ જેઓ ફેક્ટરીઓમાં કામ કરતા હતા તેમણે તો નોકરીઓ ગુમાવી હતી, આવક ગુમાવી હતી. આથી મહામારી દરમિયાન તફાવત વધતો જ ચાલ્યો છે.
શ્રીમંતોને તો કોઈ પ્રોબ્લેમ ન હતો, નીચલા વર્ગને રેશન મળતું હતું અન્ય ચીજો મળી હતી પરંતુ નીચલા મધ્યમ વર્ગને ઘણું સહન કરવું પડયું હતું. નોકરી ન હતી, નાના ધંધાઓ પડી ભાંગ્યા હતા. બેકારી વધી રહી હતી માટે નીતિ ઘડવૈયાઓએ આ વર્ગનો વિચાર કરવો જ જોઈએ. નીતિઓ આ વર્ગને લક્ષ્યમાં રાખી ઘડાવી જોઈએ કારણ કે કોરોના વાયરસ દરમિયાન આ વર્ગને સૌથી વધુ સહન કરવું પડયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter