નવી દિલ્હીઃ સમજૌતા એક્સ્પ્રેસ બ્લાસ્ટ કેસના ચુકાદામાં સ્પેશિયલ એનઆઈએ કોર્ટે તપાસ એજન્સીઓની આકરી ઝાટકણી કાઢતાં કહ્યું છે કે, આ કૃત્ય માટે વિશ્વસનીય અને સ્વીકાર્ય પુરાવાના અભાવે કોઇને સજા થઇ શકી નથી. ૨૮મીએ સવારે જાહેરમાં મુકાયેલા એનઆઇએ કોર્ટના ચુકાદામાં અધિક સેશન્સ જજ જગદીપસિંહે જણાવ્યું છે કે, આતંકવાદને કોઈ ધર્મ હોતો નથી કારણ કે વિશ્વનો કોઈ ધર્મ હિંસા શીખવતો નથી. કાયદાની અદાલતે રેકોર્ડ પર મૂકાયેલા પુરાવાના આધારે કાયદાની જોગવાઇઓ અનુસાર અંતિમ નિર્ણય કરવાનો હોય છે.
૨૦મી માર્ચ ૨૦૧૯ના રોજ એનઆઈએ કોર્ટે તેના ચુકાદામાં સ્વામી અસીમાનંદ સહિતના તમામ આરોપીઓને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો. અદાલતે આતંકવાદી હુમલાને મુસ્લિમ આતંકવાદ, હિંદુ કટ્ટરવાદ જેવી ઉપમાઓ આપવા માટે તપાસ એજન્સીઓની ઝાટકણી કાઢી હતી. અદાલતે ચુકાદામાં જણાવ્યું હતું કે, અપરાધી તત્ત્વ કોઈ ચોક્કસ ધર્મ, જાતિ કે સમુદાયનો હોય તેથી તે સમગ્ર ધર્મ, સમુદાય તે જાતિનું પ્રતિનિધિત્વ કરે છે તેવું ઠોકી બેસાડવું જોઇએ નહીં.