સમીર પટેલનું યુકેથી ભારતને પ્રત્યર્પણ

Wednesday 19th October 2016 08:36 EDT
 

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા પ્રત્યર્પણની વિનંતીને માન આપી ભારતમાં ટ્રાયલનો સામનો કરવા બ્રિટિશ સરકાર દ્વારા ભારતીય નાગરિક સમીરભાઈ વિનુભાઈ પટેલને મંગળવાર ૧૮ ઓક્ટોબરે ભારત મોકલી અપાયા છે. ભારત અને યુકે વચ્ચે ૧૯૯૨માં એક્સ્ટ્રડિશન સંધિ થયા પછી સૌપ્રથમ વખત કોઈનું પ્રત્યર્પણ કરાયું છે.
સમીર પટેલ ભારતમાં ૨૦૦૨ના ગોધરા રમખાણો પછીના એક રમખાણ સંદર્ભે ટ્રાયલનો સામનો કરી રહ્યા છે. તેમના સહિત અન્ય ૪૩ સામે હત્યા, રાયોટિંગ અને ગેરકાયદે સભામાં ઉપસ્થિતિનો ગુનો નોંધાયો છે. સમીરની ભારતમાં ધરપકડ થયા પછી તેને જામીન અપાયા હતા. તે જામીનનો ભંગ કરી યુકે નાસી ગયો હતો અને તેને લેવા માટે ભારતથી ખાસ ટીમ બ્રિટન મોકલવામાં આવી હતી.
બ્રિટિશ સરકારમાં પ્રત્યર્પણ વિનંતીઓ હાથ ધરતા વિભાગોમાં એક ધ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસે જણાવ્યા અનુસાર પટેલે તેમના ભારત પ્રત્યર્પણ માટે સંમતિ આપી હતી. ગુજરાત પોલીસની એક ટીમ પટેલને ભારત લઈ આવવા લંડન પહોંચી હતી.
ભારતની સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમે તપાસ કરેલા આ રમખાણ કેસમાં ૨૩ લોકોનાં મોત સંદર્ભે સ્પેશિયલ કોર્ટે ૯ એપ્રિલ, ૨૦૧૨ના દિવસે ૨૩ આરોપીને સજા ફરમાવી હતી. પટેલ નાસી છૂટ્યો હોવાથી તેની સામે ખટલો ચલાવી શકાયો ન હતો, જે હવે ચલાવાશે તેમ મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter