નવી દિલ્હીઃ કૃષિ કાયદામાં સુધારાના વિરોધમાં ત્રણ સપ્તાહથી દિલ્હી સરહદે વિરોધ પ્રદર્શન કરી રહેલા ખેડૂત સંગઠનોએ સોમવારે પ્રતીકાત્મક ભૂખ હડતાળ કરીને સુધારા રદ કરવાની માગનો પુનરોચ્ચાર કર્યો હતો. બીજી તરફ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વખત જાહેર મંચ પરથી સંબોધન કરતાં કૃષિ સુધારાઓને ખેડૂતોના હિતમાં ગણાવ્યા હતા. સાથે સાથે જ કહ્યું હતું કે સરકાર ખેડૂતોના મનમાં રહેલી આશંકા દૂર કરવા માટે પ્રતિબદ્ધ છે. આમ કૃષિ સુધારાના મામલે ખેડૂતો અને સરકાર વચ્ચે મડાગાંઠ યથાવત્ છે.
આ દરમિયાન આંદોલનકારી ખેડૂતોને રસ્તાઓ પરથી હટાવવાની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે સરકાર, ખેડૂત સંગઠન અને અન્ય પક્ષોને સામેલ કરીને એક કમિટિ બનાવવી જોઈએ, કારણ કે ટૂંક સમયમાં આ રાષ્ટ્રીય મુદ્દો બનવાનો છે. એવું લાગે છે કે માત્ર સરકારના સ્તરે આનો નિવેડો નહીં આવે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યો પાસે પણ આ મામલે જવાબ માગ્યા છે, ગુરુવારે ફરી સુનાવણી થશે. લો સ્ટુડન્ટ ઋષભ શર્માએ આ અરજી કરી હતી.
અરજદાર શર્માનું કહેવું છે કે ખેડૂત આંદોલનને કારણે રસ્તા જામ થઇ જવાથી જનતા હેરાન-પરેશાન થઈ રહી છે. પ્રદર્શનના સ્થળે સોશિયલ ડિસ્ટન્સિંગ ન હોવાને કારણે કોરોનાનું જોખમ પણ વધી રહ્યું છે.
ખેડૂતોએ માફી માગી
ખેડૂત સંગઠનોએ આ મુદ્દે પત્રિકાઓ બહાર પાડીને જણાવ્યું હતું કે, અમે રસ્તા રોકીને, સરહદો ઉપર ચક્કાજામ કરીને કે આંદોલનો કરીને લોકોને હેરાન કરવા નથી માગતા. અમારે મજબૂરીમાં અમારા અધિકાર માટે આ બધું કરવું પડે છે. તેના કારણે લોકોને જે તકલીફ પડે છે તેના બદલ અમે માફી માગીએ છીએ.
કેનેડા મતબેન્કનું રાજકારણ કરે છે
પૂર્વ ભારતીય રાજદૂતોના એક જૂથે ખેડૂતોના આંદોલન મુદ્દે કેનેડાના વલણને મતબેન્કનું રાજકારણ ગણાવીને ખુલ્લો પત્ર લખ્યો છે. તેમાં કેનેડામાં હાઈ કમિશનર રહેલા વિષ્ણુ પ્રકાશ પણ સામેલ છે. આ રાજદૂતોએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિસ ટ્રુડો દ્વારા કરાયેલી ટિપ્પણીને બિનજરૂરી, વાસ્તવિકતાથી દૂર અને ભડકાઉ
ગણાવી છે.


