સરકારની નીતિઓની ટીકા રાજદ્રોહ નથીઃ જસ્ટિસ દીપક ગુપ્તા

Friday 13th September 2019 08:34 EDT
 

અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ દીપક ગુપ્તાએ સાતમીએ કહ્યું હતું કે હિંસા વગર સરકારની નીતિઓની ટીકા એ રાજદ્રોહ નથી. જસ્ટિસ પી. ડી. દેસાઇ સ્મૃતિ વ્યાખ્યાનમાાળા અને પ્રલીન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયમર્તિ જસ્ટિસ દીપક ગુપ્તાએ 'રાજદ્રોહનો કાયદો અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય' વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું, જસ્ટિસ ગુપ્તાએ કહ્યું હતું કે રાજદ્રોહના કાયદાના ઉપયોગ કરતા દુરુપયોગ વધારે થાય છે.

જસ્ટિસ દીપક ગુપ્તાએ વ્યાખ્યાનની શરૂઆતમાં જસ્ટિસ પી.ડી. દેસાઇને યાદ કરતા કહ્યું હતું કે તેઓ હિમાચલ પ્રદેશ હાઇ કોર્ટમાં વકીલાત કરતા ત્યારે જસ્ટિસ દેસાઇ ત્યાં ચીફ જસ્ટિસ હતા. જસ્ટિસ દેસાઇની તેમની સ્મૃતિમાં અમીટ છાપ છે. વિષય અંગે તેમણે વાત કરતા કહ્યું હતું કે રાજદ્રોહનો કાયદો અંગ્રેજોએ ગુલામ ભારત પર વધુ નિયંત્રણો રાખવા અમલમાં મૂક્યો હતો. જસ્ટિસ નરીમને કહ્યું હતું કે ચર્ચા અને દલીલ ખૂબ મહત્ત્વના છે. મને લાગે છે કે હવે ચર્ચા કરવાની કળા મૃત:પ્રાય અવસ્થામાં છે.

અત્યારે માત્ર બૂમો પડી રહી છે અને સૂત્રોચ્ચાર થઇ રહ્યા છે. જેમાં કહેવામાં આવે છે કે તમે મારી સાથે સહમત થાવ નહીંતર તમે મારા દુશ્મન છો, અથવા તો દેશના દુશ્મન છો. દેશના સ્થાપકોએ આ પ્રકારની લોકશાહીની કલ્પના નહોતી કરી. તમારી અભિપ્રાય વ્યક્ત કરવા માટે તમારી પાસે વાણી સ્વાતંત્ર્ય છે.

જસ્ટિસ ગુપ્તાએ કહ્યું હતું કે, સરકાર એ કોઇ એક વ્યક્તિ નથી, સરકાર એક તંત્ર છે. જો તમે કોઇ તંત્ર કે તેની નીતિઓની હિંસા વગર ટીકા કરો છો તે રાજદ્રોહની બાબત નથી. આ અંગે માત્ર રાજદ્રોહ જ નહીં પરંતુ કોઇ પ્રકારનો ગુનો બનતો નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter