સરળ શાસન માટે મોદીના આશીર્વાદ ઇચ્છું છુંઃ કેજરીવાલ

Wednesday 19th February 2020 04:00 EST
 
 

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે સવારે નવી દિલ્હીના રામલીલા મેદાનમાં સતત ત્રીજી વાર દિલ્હીના મુખ્ય પ્રધાનપદના શપથગ્રહણ કર્યાં હતાં. કેજરીવાલે જણાવ્યું હતું કે, દિલ્હીનાં સરળ શાસન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આશીર્વાદ ચાહું છું. તમારા દીકરાએ ત્રીજી વાર દિલ્હીના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધાં છે. મેં કોઇના પ્રત્યે ઓરામાયું વર્તન કર્યું નથી અને છેલ્લા પાંચ વર્ષમાં દરેક માટે કામ કર્યું છે. હું દરેકને સાથે રાખીને કામ કરવા માગું છું. કોઇપણ પાર્ટીને મત આપનાર અને કોઇ પણ ધર્મનો વ્યક્તિ મારી પાસે આવી કામ કરાવી શકે છે. હું દિલ્હીને નંબર વન સિટી બનાવવા માટે કેન્દ્ર સરકાર સાથે મળીને કામ કરવા ઇચ્છું છું. મેં શપથ ગ્રહણમાં આવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપ્યું હતું પરંતુ તેઓ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત છે.
દિલ્હી વિધાનસભામાં પ્રચંડ બહુમતી મેળવ્યા પછી આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ૧૭મી ફેબ્રુઆરીએ ખાતાઓની વહેંચણી કરાઈ હતી જેમાં અતિ મહત્ત્વનું જળ ખાતું સત્યેન્દ્ર જૈનને સોંપાયું હતું. ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને નાણું અને તેમનું પ્રિય શિક્ષણ ખાતું સોંપાયું હતું. આપના પ્રવક્તા ગોપાલ રાયને પર્યાવરણ મંત્રાલય સોંપાયું હતું. જોકે, મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ ખાતા વિનાના પ્રધાન રહેશે.
કુલ તો ત્રણ જ ખાતામાં ફેરબદલ કરાયો હતો. બાકીના ખાતા ગઈ વખતની જેમ જ રહ્યા હતા. રાજેન્દ્ર પાલ ગૌતમને મહિલા અને બાળકલ્યાણ મંત્રાલય સોંપાયું જે અગાઉ મનીષ સિસોદિયા પાસે હતું. આમ આ ત્રણ મહત્ત્વના ફેરફાર સિવાય અન્ય કોઈ ફેરફાર કરાયા નથી. જૈન પાસે સ્વાસ્થ્ય અને શહેરી વિકાસ ખાતું પણ રહેશે. ઉપરાંત તેમની પાસે ગૃહ મંત્રાલય પણ રહેશે. આમ આમ આદમી પાર્ટીની સરકારે મામૂલી ફેરફાર જ કર્યા હતા.

શપથગ્રહણમાં છ ‘લિટલ મફલરમેન’ છવાયા

દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો સમયે એક વર્ષના આવ્યાન તોમરને ‘લિટલ કેજરીવાલ’ તરીકે સ્વેટર અને મફલરના ડ્રેસમાં સજ્જ કરીને લવાયો હતો. રવિવારે કેજરી સરકારના શપથગ્રહણમાં તેને પરિવાર સાથે વિશેષ આમંત્રણ અપાયું હતું. જોકે, શપથગ્રહણ સમારંભમાં બીજા પાંચ બાળકો પણ ‘બેબી મફલરમેન’ બનીને આવ્યા હતા. તે એક જ પરિવારના હતા. જૂની દિલ્હીના મિર્ઝા પરિવારના ત્રણ ભાઈઓ કાશીફ, સાજિદ અને વાજિદના સંતાનો ‘લિટલ કેજરીવાલ’ બન્યા હતા અને તેમણે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter