નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરના પૂંચ સેક્ટરમાં સરહદે પાકિસ્તાને ફરી ગોળીબાર કર્યો હતો, જેમાં બીએસએફના વધુ એક ઓફિસર શહીદ થયા છે સાથે એક પાંચ વર્ષની બાળકીનું પણ મોત નિપજ્યું છે.આ ઘટનામાં છ જવાન પણ ઘાયલ થયા હતા. પાકિસ્તાની સૈન્ય ૨૯મી માર્ચથી દરરોજ સરહદે ગોળીબાર કરી રહ્યું છે. પરિણામે ગોળીબારના ચોથા દિવસે પાકિસ્તાની સૈન્યએ ભારતીય સૈન્યની ચોકીઓ અને ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવ્યા હતા.
પાકિસ્તાની સૈન્યએ અહીંના આશરે છ જેટલા ગામડાઓ પર અંધાધુંધ તોપમારો કર્યો હતો. જે દરમિયાન એક ગામમાં પાંચ વર્ષની બાળકી સોબીઆનું મોત નિપજ્યું હતું. શાહપુર વિસ્તારમાં પાકિસ્તાની સૈન્યએ ફેંકેલા શેલ વિસ્ફોટ થતા આ જાનહાનિ થઇ હતી જ્યારે ૨૦ લોકો ગંભીર રીતે ઘવાયા હતા જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં
આવ્યા છે.
પૂંચ જિલ્લામાં જ એક બીએસએફ અધિકારી પણ પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયા હતા. પાકિસ્તાન દ્વારા અગાઉ ૨૯, ૩૦ અને ૩૧મી માર્ચે પણ ગોળીબાર કરવામાં આવ્યો હતો અને ગ્રામીણ વિસ્તારોને જ સૌથી વધુ નિશાન બનાવ્યા હતા. સોમવારે ૧લી એપ્રિલે પાકિસ્તાની સૈન્યએ સવારે ૭.૪૦ કલાકે કસબા, મેનકોટે, કેરની, ગુનતરીયા અને શાહપુર ગ્રામીણ વિસ્તારને નિશાન બનાવ્યા હતા. આસપાસના વિસ્તારોમાં આવેલી શાળા કોલેજોને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દેવામાં
આવી છે.


