નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સરોગસીનો દુરુપયોગ રોકવા સરોગસી નિયમન વિધેયક ૨૦૧૯ના મુસદાને મંજૂરી આપી દીધી છે. વડા પ્રધાનની અધ્યક્ષતા હેઠળ ત્રીજીએ યોજાયેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. આ વિધેયક હેઠળ સરોગસીનો કમર્શિયલ ઉપયોગ કરવા પર પ્રતિબંધની જોગવાઈ છે. માહિતી અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે કહ્યું કે ભ્રૂણ કે સ્ત્રીબીજના ખરીદ-વેચાણ પર પ્રતિબંધ આવશે. સંતાન મેળવવામાં નિષ્ફળ દંપતીને નૈતિક સરોગસીની મંજૂરી મળશે. આ માટે કેટલીક શરતોનું પાલન કરવું પડશે. લગ્ન કરેલા ભારતીય દંપતીને જ સરોગસીનો લાભ મળી શકશે.
આ વિધેયકમાં કૂખ ભાડે આપનાર માતા અને સરોગસીથી જન્મેલા બાળકના અધિકારોના રક્ષણની પણ જોગવાઈ છે. રાષ્ટ્રીય સરોગસી બોર્ડ પણ બનાવાશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશમાં રાજ્ય સરોગસી બોર્ડ બનશે. દરમિયાનમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષકોની ભરતીમાં અનામત આપવાના બિલને સંસદે મંજૂરી આપી દીધી છે.

