નવી દિલ્હીઃ પાકિસ્તાનના તાબા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી શિબિરો પર સ્ટ્રાઇકમાં સામેલ ૪ અને ૯ પેરાટ્રૂપર્સના ૧૯ જવાનોને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ વીરતા ચંદ્રકથી સન્માનિત કરાયા હતા. તેમાં એક કીર્તિચક્ર છે જ્યારે કમાન્ડિંગ અધિકારીઓને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા હતા. ૪ પેરાટ્રૂપર્સના મેજર રોહિત સૂરીને શાંતિ કાળના બીજા સૌથી મોટા સન્માન કીર્તિચક્ર માટે પસંદ કરાયા હતા. ગોરખા રાઇફલ્સના હવાલદાર પ્રેમબહાદુર રેશમીને મરણોપરાંત કીર્તિચક્રથી નવાજવામાં આવ્યા હતા. ૪ અને ૯ પેરા કમાન્ડિંગ અધિકારીઓ હરપ્રીતસિંહ સંધૂ અને કર્નલ કપિલ યાદવને યુદ્ધ સેવા મેડલથી સન્માનિત કરાયા હતા. બંને યુનિટ્સના ૫ જવાનોને શૌર્યચક્ર જ્યારે ૧૩ને વીરતા માટે સેના મેડલ આપવામાં આવ્યા છે.
૭૭૭ કર્મીઓને પોલીસ મેડલ
પ્રજાસત્તાક દિવસ પ્રસંગે ૭૭૭ પોલીસકર્મીઓને તેમની વીરતા માટે પોલીસ મેડલથી સન્માનિત કરાયા હતા. ગૃહ મંત્રાલયના અનુસાર ૧૦૦ કર્મીઓને પોલીસ મેડલથી સન્માનિત કરવાની જાહેરાત પ્રજાસત્તાકદિનની પૂર્વસંધ્યાએ કરાઈ હતી. જ્યારે ૮૦ કર્મીઓ રાષ્ટ્રપતિના વિશેષ સેવા બદલ પોલીસ મેડલથી સન્માનિત કરવામાં આવશે તેવા સમાચાર હતા. ૫૭૯ પોલીસ જવાનોને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ મેડલ પણ અર્પણ કરવાની જાહેરાત ૨૫મીએ કરાઈ હતી.