સર્જિકલ સ્ટ્રાઈક પછી પાક. સેના દ્વારા ૧૦૦થી વધુ શસ્ત્રવિરામ ભંગ

Wednesday 09th November 2016 11:11 EST
 
 

જમ્મુઃ ભારતીય સેના દ્વારા ૨૮મી સપ્ટેમ્બરે પીઓકેમાં સફળ અંજામ આપેલી સર્જિકલ સ્ટ્રાઈક પછી પાકિસ્તાન સૈન્ય દ્વારા આશરે ૧૦૦થી વધુ વખત શસ્ત્ર વિરામનો ભંગ થયો છે. રવિવારે પાકિસ્તાન સૈન્ય દ્વારા જમ્મુના ક્રિશ્ના ઘાટી અને પૂંચમાં આડેધડ ગોળીબાર કરાયો હતો. જેમાં ૨૩ વર્ષીય સીપોય ગુરસેવરસિંહ અને અન્ય એક જવાન શહીદ થયા હતા અને બે જવાનો ઘાયલ થયા હતા. દરમિયાન પૂંચમાં રહેતી ૨૮ વર્ષીય મહિલા સલીમા અખ્તરને પણ પાક. સૈન્યની ગોળી વાગતાં તે ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ છે.

આ ઉપરાંત રવિવાર રાતથી સરહદી વિસ્તાર દક્ષિણ કાશ્મીરના શોપિયામાં બે આતંકીઓ ભારતીય સેનાએ ઠાર માર્યા હતા જેમાં એક જવાનને ઈજા થઈ હતી. શોપિયા જિલ્લાના દુબજાન ગામના એક મકાનમાં ચારથી પાંચ આતંકવાદી સંતાયા હોવાની માહિતી મળતાં સ્ટેટ પોલીસ અને સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

સોમવારે પાકિસ્તાની સૈન્યએ નાના મોટા છમકલા કર્યા પછી મંગળવારે સવારે પાકિસ્તાન સેનાએ રાજૌરીના નૌસેરા સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ શરૂ કરી દીધો હતો. તેના થોડા કલાકો બાદ લગભગ ૧-૪૫ વાગે તેમણે પૂંચની કૃષ્ણા ઘાટીમાં બીએસએફની અનેક ચોકીઓ પર હુમલા કર્યા હતા જેમાં એક ભારતીય જવાન શહીદ થયો હતો.

બીજી તરફ ગુપ્તચર સંસ્થાનો રિપોર્ટ છે કે આગામી દિવસોમાં ઠંડીને પગલે કાશ્મીરમાં હિમ વર્ષા થશે, જેથી આતંકીઓને ઘુસાડવા મુશ્કેલ થઇ જશે. જેથી હાલમાં જ પાકિસ્તાની સેના ૩૦૦ આતંકીઓને ભારતમાં ઘુસાડવા કોશિશ કરે છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી કે. રાજેન્દ્રએ જણાવ્યું હતું કે સરહદે ૩૦૦ આતંકીઓ ઘુસવાની ફિરાકમાં છે. જે દેશ માટે ચિંતાજનક બાબત કહેવાય. પાક. સેના દ્વારા ભારતમાં ઘુસણખોરી દરમિયાન ૧૨૦ એમએમ મોર્ટાર અને ૮૨ એમએમ મોર્ટાર તેમજ ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ થતાં ભારતીય સરહદી ગામડામાં ભારે નુકસાન પણ થયું હતું.

પાક.ના ૪૦ જવાન ઠાર

મીડિયાના અહેવાલો પ્રમાણે પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ભારતીય જવાન મનદીપસિંહના શિરચ્છેદનો બદલો લેવા ભારતીય સેનાએ ૨૯મી ઓક્ટોબરે મોટો હુમલો કરી પાકિસ્તાનની ૪ ચોકીઓ તબાહ કરી ૪૦ પાકિસ્તાની સૈનિકોને મારી નાખ્યાં હતાં. કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ભારતીય સેનાએ ૨૦૦૩માં યુદ્ધવિરામ કરાર બાદ પહેલી વાર તોપનો ઉપયોગ કરી પોતાના જવાનની શહાદતનો બદલો લીધો હતો. ભારતીય સેનાએ વરસાવેલા ગોળામાં ૪ પાકિસ્તાની ચોકીઓનો નાશ થયો હતો અને ૪૦ પાકિસ્તાની જવાનો માર્યા ગયા હતા.

આઝાદ બલૂચમાં પહેલી પ્રતિમા મોદીની સ્થપાશેઃ નાયદા કાદરી

વારાણસી ખાતે યોજાયેલા બે દિવસીય સંસ્કૃતિ સંસદમાં ભાગ લેવા આવેલા વિશ્વ બલૂચ મહિલા સંઘના વડા નાયદા કાદરીએ ૬ નવેમ્બરે જણાવ્યું કે, પાકિસ્તાન અને ચીન સાથે મળીને બલૂચિસ્તાનમાં બલૂચ પ્રજાને જ ખતમ કરવા માગે છે. ભારત જો પરવાનગી આપે તો બલૂચિસ્તાનની નિર્વાસિત સરકારની રચના અહીંયાં વારાણસીમાં જ કરી દેવામાં આવે. તેમણે જણાવ્યું કે, બલૂચિસ્તાનને આઝાદી મળી તો ત્યાં સૌથી પહેલાં નરેન્દ્ર મોદીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter