નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પગલે દેશભરમાં રાજકીય ક્ષેત્રે ઉત્તેજના પ્રવર્તે છે. આ સમયે હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં ભાજપ માટે ચિંતાજનક તારણ રજૂ થયું છે. આ સર્વે અનુસાર, ૨૦૧૪માં જોવા મળેલી નરેન્દ્ર મોદીની લહેરમાં આ વખતે ઓટ જોવા મળે છે. પરિણામે ભાજપને ગયા વખતની સરખામણીએ ૫૧ બેઠકોનું નુકસાન ઉઠાવવું પડશે. ભાજપને આ વખતે ૨૨૨ બેઠક મળવાની શક્યતા જોવાઈ રહી છે. જ્યારે સામેની તરફ કોંગ્રેસ ૯૧ બેઠક જીતીને લોકસભામાં બીજો સૌથી મોટો પક્ષ બની રહે એવું જોવા મળી રહ્યું છે. ત્રીજા સ્થાને ડીએમકે રહેશે, જેને ૨૭ બેઠકો મળવાનો અંદાજ છે.
મહારાષ્ટ્રમાં પણ ભાજપ અને શિવ સેનાની યુતિને ખાસ્સું નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયા વખતે ૪૮માંથી ૪૨ બેઠકો જીતીને સનસનાટી ફેલાવી દેનારી ભગવી યુતિને આ ખતે ફક્ત ૩૫ બેઠકો મળે એવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં ભાજપને ૨૧ અને શિવ સેનાને ૧૪ બેઠકો મળવાની જ્યારે એનસીપીને પાંચ અને કોંગ્રેસને ૮ બેઠકો પર વિજય મેળવવાની શક્યતા એબીપી માઝા - સી વોટરના સર્વેક્ષણમાં વ્યક્ત કરવામાં આવી છે.
રાષ્ટ્રીય સ્તરે જોવામાં આવે તો અત્યારની લોકસભામાં ૩૩૬ બેઠક ધરાવતી એનડીએની બેઠકોની સંખ્યા ઘટીને ૨૬૭ થઈ જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગયા વખતની સરખામણીએ ભાજપની બેઠક ૫૧ જેટલી ઘટશે જ્યારે કોંગ્રેસની બેઠકમાં ૪૭નો વધારો થશે. યુપીએને લોકસભામાં ૧૪૨ બેઠક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. અન્ય પક્ષોના ફાળામાં ૧૪૩ બેઠકો જવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશમાં માયાવતી અને અખિલેશ વચ્ચે થયેલા ગઠબંધનનો ફટકો બીજેપીને સહન કરવો પડશે. અહીં બીજેપીને ૮૦માંથી ૩૨ બેઠક પર વિજય મળવાની શક્યતા છે. ૪૧ બેઠક ફક્ત ઉત્તર પ્રદેશમાં જ ઘટી જશે. ગયે વખતે ભાજપને ઉત્તર પ્રદેશમાં ૭૨ બેઠક પર વિજય મળ્યો હતો.
બિહારમાં યુપીએને બે બેઠકનું નુકસાન અને એનડીએને ચાર બેઠકનો ફાયદો થવાની શક્યતા છે.
ગુજરાતમાં યુપીએને ગયા વખતે એકેય બેઠક મળી નહોતી તેની સરખામણીએ યુપીએ યુતિને બે બેઠકનો ફાયદો અને એનડીએને બે બેઠકનું નુકસાન થવાની શક્યતા છે.
બીજી તરફ, રાજસ્થાનમાં યુપીએને પાંચ બેઠકનો ફાયદો અને એનડીએને પાંચ બેઠકનું નુકસાન થવાની શક્યતા છે. મધ્ય પ્રદેશમાં યુપીએને ચાર બેઠકનો ફાયદો અને એનડીએને આટલી જ બેઠકો મળવાની શક્યતા છે. છત્તીસગઢ અને ઝારખંડમાં પણ એનડીએને નુકસાન થવાની શક્યતા છે. સમગ્ર ઉત્તર ભારતમાં એનડીએની બેઠકો ૧૭૮ હતી તે ઘટીને ૧૨૧ થઈ જવાની શક્યતા છે.