સલમાન સૌથી વધુ કમાતો સેલિબ્રિટીઃ કોહલી બીજા નંબરે

Wednesday 12th December 2018 05:17 EST
 
 

મુંબઈઃ અમેરિકાના વિખ્યાત બિઝનેસ મેગેઝિન ‘ફોર્બ્સ’એ સૌથી વધુ કમાણી કરનાર ૧૦૦ ભારતીય સેલિબ્રિટીની યાદી જાર કરી છે. જેમાં હિન્દી ફિલ્મઉદ્યોગના ‘ભાઇજાન’ સલમાન ખાને લગાતાર સતત ત્રીજા વર્ષે સૌથી વધુ કમાણી કરનાર સેલિબ્રિટીનું સ્થાન મેળવ્યું છે. સલમાને પહેલી ઓક્ટોબર ૨૦૧૭થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ દરમિયાન ૨૫૩ કરોડ રૂપિયાની આવક કરી છે. યાદીમાં ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી ૨૨૮.૦૯ કરોડ રૂપિયાની આવક સાથે બીજા નંબરે છે. અક્ષય કુમાર ૧૮૫ કરોડ રૂપિયાની આવક સાથે ત્રીજા નંબરે તો ચોથા નંબરે દીપિકા પદુકોણ છે જેની આવક ૧૧૨ કરોડ રૂપિયા રહી છે. ટોપ-૫માં દીપિકા એકલી મહિલા છે. મહેન્દ્ર સિંહ ધોની ૧૦૧.૭૭ કરોડ રૂપિયાની આવક સાથે પાંચમા નંબરે છે. આમિર ખાન, અમિતાભ બચ્ચન, રણવીરસિંહ, સચિન તેંડુલકર અને અજય દેવગણ છઠ્ઠાથી દસમા નંબરે છે.
આશ્ચર્યની વાત એ છે કે પ્રિયંકા ચોપરા આ વર્ષે ૪૯મા ક્રમાંકે રહી છે. ગયા વર્ષે તે સાતમા સ્થાને હતી. પ્રિયંકાની આવક ઘટીને ૧૮ કરોડ રૂપિયા સુધી પહોંચી છે. શાહરુખ ખાન ગયા વર્ષે બીજા નંબરે હતો, આ વર્ષે ૧૩મા નંબરે આવી ગયો છે તેની કમાણી માત્ર ૫૬ કરોડ રૂપિયા થઈ હતી. તેલુગુ ફિલ્મના એક્ટર પવન કલ્યાણ ૩૧ કરોડ રૂપિયાની આવક સાથે ૨૪મા સ્થાને છે. આંધ્ર પ્રદેશમાં તેણે જનસેવા પાર્ટી બનાવી છે. પવન ચિરંજીવીના નાના ભાઈ છે.
નોંધપાત્ર વાત એ છે કે આ યાદીમાં વિખ્યાત લેખકો અમિષ ત્રિપાઠી અને ચેતન ભગતનાં નામ સામેલ થયાં છે. ‘ટુ સ્ટેટ્સ’ જેવા પુસ્તકના લેખક ચેતન ભગત ૮.૭૫ કરોડ રૂપિયા સાથે ૯૦મા સ્થાને છે. જ્યારે ‘શિવા ટ્રાયોલોજી’થી વિખ્યાત થયેલા અમિત ૬.૫ કરોડ રૂપિયાની આવક સાથે ૯૫મા સ્થાને છે.
આ લિસ્ટમાં એક જ પરિવારમાંથી વિરાટ કોહલી-અનુષ્કા શર્મા, દીપિકા પદુકોણ-રણવીર સિંહ, અમિતાભ બચ્ચન-ઐશ્વર્યા રાય બચ્ચન, કરીના કપૂર-સૈફ્ અલી ખાન, અનિલ કપૂર-સોનમ કપૂર સામેલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter