નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીને નંદીગ્રામમાં ચૂંટણી પ્રચાર સમયે થયેલી ઇજા પર ચૂંટણી પંચે રવિવારે પોતાનો નિર્ણય જણાવતા કહ્યું હતું કે, મમતા બેનરજી પર નંદીગ્રામમાં હુમલો થયો નહોતો. તેમને ઇજા પહોંચાડવા પાછળ કોઇ કાવતરું નહોતું. આમ ચૂંટણી ટાણે લોકોની સહાનુભૂતિ મેળવવાના મમતાના ધમપછાડાને મોટો ફટકો પડયો હતો.
ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય અને સ્પેશિયલ પોલીસ ઓબ્ઝર્વર વિવેક દુબે તથા અજય નાયકના રિપોર્ટના આધારે આ નિર્ણય લીધો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, સુરક્ષામાં થયેલી ચૂકના કારણે મમતા બેનરજીને ઇજા પહોંચી હતી.ચૂંટણી પંચના ઓબ્ઝર્વરે તેમના રિપોર્ટમાં જણાવ્યું હતું કે, નંદીગ્રામમાં બનેલી ઘટના સુનિયોજિત હુમલો નહોતો પરંતુ ફક્ત એક અકસ્માત હતો. રાજ્યના મુખ્ય સચિવ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં પણ મમતા બેનરજી પર હુમલો થયો હોવાનો કોઇ ઉલ્લેખ કરાયો નથી.
સુરક્ષા અધિકારીઓ સસ્પેન્ડ
ચૂંટણી પંચે મમતા બેનરજીની સુરક્ષાના ઇન્ચાર્જ આઇપીએસ વિવેક સહાયને સસ્પેન્ડ કર્યા હતા. પૂર્વ મિદનાપુર જિલ્લાના ડિવિઝનલ મેજિસ્ટ્રેટ વિભુ ગોયલને બિનચૂંટણીપદ પર ખસેડાયાં છે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પ્રવીણ પ્રકાશને સસ્પેન્ડ કરાયા છે.
મમતાનો વ્હીલચેરમાં રોડ શો
તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનરજી રવિવારે ઘાયલ પગ સાથે વ્હીલચેરમાં બેસીને કોલકાતાના મેયો રોડથી ગાંધી મૂર્તિ સુધી પાર્ટીના નેતાઓ અને સમર્થકો સાથે પાંચ કિમી લાંબો રોડ શો કર્યો હતો. મમતા બેનરજીએ હજરા ખાતે ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે, મને અટકાવવાનો નિષ્ફળ પ્રયાસ કરાયો હતો. મેં જીવનમાં ઘણા હુમલાનો સામનો કર્યો છે પરંતુ ક્યારેય હાર માની નથી. હું મારું માથું ઝુકાવવાની નથી.