સાંબા-કથુઆ સરહદે 22 વર્ષ પછી ખેતરોમાં ખેતી શરૂ થઇ

Tuesday 02nd May 2023 16:11 EDT
 
 

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં સાંબા-કથુઆ જિલ્લાના સરહદી વિસ્તારોમાં વાતાવરણ બદલાઈ રહ્યું છે. એક સમયે અહીં ફક્ત ગોળીબારો-વિસ્ફોટોના અવાજ જ સંભળાતા, પરંતુ હવે અહીં 22 વર્ષ પછી પહેલીવાર ઘઉંની ખેતી શરૂ થઈ છે. હાલ ખેતરોમાં લણણી ચાલી રહી છે. આટલાં વર્ષો પછી ખાલી પડેલાં ખેતરોમાં યુદ્ધવિરામ પછી ખેડૂતોના હળ ચાલી રહ્યાં છે.
કથુઆ જિલ્લાના મુખ્ય કૃષિ અધિકારી સંજીવ રાય ગુપ્તા કહે છે કે ભારત-પાકિસ્તાન સરહદે ઝીરો લાઈન પર 251 એકર જમીન ૫૨ ખેતી શરૂ થઈ છે. હીરાનગર બોબિયા ગામમાં નાનકડી દુકાન ચલાવતા ખેડૂત સંજય સિંહ કહે છે કે અહીં મોટા ભાગના લોકો ખેડૂત છે. ગોળીબાર થતા ત્યારે અમે ખેતી નહોતા કરી શકતા, ઢોર નહોતા ચરાવી શકતા અને ક્યારેક તો જાનવરો જ ગોળીઓ ખાઈને મરી જતાં. અમે ઘરોમાં કેદ રહેવા મજબૂર હતા. ક્યારેક તો ભોજન- પાણી માટે પણ ઝઝૂમવું પડતું. અમુક વાર પરિવાર સાથે સુરક્ષિત સ્થળોએ જતા રહેવું પડતું. જોકે, હવે અહીં સરકારે બંકરો બનાવી આપ્યાં છે, જેથી ગોળીબાર વખતે અમે ત્યાં જતા રહીએ છીએ.

હવે લગ્નનાં માંગા આવે છે
આ અગાઉ અવારનવાર પડોશી દેશોના ગોળીબાર અને અસુરક્ષાની ભાવનાના કારણે સરહદનાં ગામોમાં કોઈ કન્યા પણ નહોતું આપતું, પરંતુ હવે અહીં પણ માંગાં આવવા લાગ્યાં છે. ચક ફકીરા ગામના વડીલ પ્રિતમ સિંહ કહે છે કે અહીં હંમેશા ગોળીઓ છૂટતી રહેતી હોવાથી કોઈ લગ્ન કરવા નહોતું માંગતું પણ હવે સ્થિતિ બદલાઈ છે.
કેટલાંક ગામોમાં હજુ પણ બંકરવિહોણા
આજેય કાશ્મીરનાં અનેક ગામમાં બંકરો નથી બની શક્યાં. ગલાડ પણ એવું જ એક ગામ છે, જ્યાં 700-800 પરિવાર રહે છે. ગલાડ ગામના પંચાયત સભ્ય પ્રીતપાલ સિંહે કહ્યું કે ગામના લોકોએ બંકર બનાવવા માટે અરજી પણ આપી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter