તેલ અવીવઃ ભારતની રાજદ્વારી પહેલે ઇતિહાસ રચ્યો છે. ૭૦ વર્ષ બાદ સાઉદી અરબે ઇઝરાયલ જનારી કોઇ કોમર્શિયલ ફ્લાઇટ્સ માટે પોતાનું હવાઇ ક્ષેત્ર ખોલ્યું છે. ૨૨ માર્ચે એર ઇન્ડિયાનું વિમાન પહેલી વાર સાઉદી અરબના હવાઇ માર્ગે ઇઝરાયલ પહોંચ્યું હતું. વિમાનને નવી દિલ્હીથી તલ અવીવના બેન ગુરિએન એરપોર્ટનું અંતર કાપવામાં ૭.૨૫ કલાકનો સમય લાગ્યો. અહીં એરપોર્ટ પર વિમાનનું વોટર કેનન અને રોશનીથી સ્વાગત કરાયું હતું.
જોકે, સાઉદી અરબે આ છૂટ માત્ર એર ઇન્ડિયાને આપી છે. ઇઝરાયલ કે અન્ય કોઇ દેશની એરલાઇન્સ પર આ પ્રતિબંધ ચાલુ રહેશે. અત્યાર સુધી એર ઇન્ડિયા ઓમાનના હવાઇ ક્ષેત્રનો ઉપયોગ કરતી હતી.
એર ઇન્ડિયાને મંજૂરી મળવાથી યાત્રાના સમયમાં ૨.૧૦ કલાકનો સમય ઓછો થયો છે.
એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર સાઉદી અરેબિયાના હવાઇ ક્ષેત્રમાં ૪૦,૦૦૦ ફૂટની ઊંચાઇએ આશરે ૩ કલાક સુધી રહ્યું હતું. ત્યાર પછી આ જોર્ડનની
સીમા પાર કરીને વેસ્ટ બેંક ઇઝરાયલ પહોંચ્યું. ટુરિઝ્મ મિનિસ્ટર યરીવ લેનિને કહ્યું કે આ એક ઐતિહાસિક અને યાદગાર પળ છે.