નવી દિલ્હી: કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક આખરે ઠેરની ઠેર સાબિત થઈ હતી. ૨૪મી ઓગસ્ટે સાત કલાકના હાઇપ્રોફાઇલ અને પોલિટિકલ મેલોડ્રામા બાદ કોંગ્રેસીઓએ સોનિયા ગાંધીને જ વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષા ચૂંટયા હતા. બીજી તરફ એવું પણ નક્કી થયું કે, આગામી છ મહિનામાં કોંગ્રેસના નવા અધ્યક્ષની પસંદગી થશે.
સોનિયા ગાંધીને બદલે કાયમી અને મજબૂત કોંગ્રેસ અધ્યક્ષ પસંદ કરાય તેવી માગ કોંગ્રેસમાં ઊઠી હતી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સહિત ૨૩ નેતાઓએ આ અંગે સોનિયા ગાંધીને જ પત્ર લખ્યો હતો. આ પત્ર આવતાંની સાથે જ સોનિયા ગાંધીએ તમામ જવાબદારીઓમાંથી મુક્ત થવાની ઓફર કરી હતી. સોમવારે સવારે સીડબ્લ્યુસીની બેઠકમાં પણ તેમણે તમામ જવાબદારીઓ છોડી દેવાની અને કોંગ્રેસના નવા નેતા પસંદ કરવાની ઓફર કરી હતી અને સાંજે તેમને જ ફરીથી કોંગ્રેસના સંચાલનની કામચલાઉ જવાબદારી સોંપાઈ હતી.
આ પછી સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે, પત્ર લખનારા સામે મારા મનમાં કોઈ દુર્ભાવના નથી કારણ કે તેઓ મારો પરિવાર જ છે. અત્યારે આપણે સમયની માગને ધ્યાનમાં રાખીને દેશને નબળો પાડનારી તાકાતો સામે લડવાનું છે અને આગળ વધવાનું છે.
શરૂઆતમાં મનમોહનસિંહ અને એ. કે. એન્ટની દ્વારા સોનિયા ગાંધીને પદ ન છોડવા અંગે ફેરવિચારણા કરવા કહેવાયું હતું. રાહુલ ગાંધીએ નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રાજકીય ઘર્ષણ ચાલે છે અને સોનિયા ગાંધી બીમાર છે ત્યારે જ નેતાઓએ પત્ર લખવાનું શા માટે પસંદ કર્યું? કે. સી. વેણુગોપાલ દ્વારા સોનિયા ગાંધીના પત્રનું વાંચન કરવામાં આવ્યું જેમાં સોનિયા ગાંધીએ વચાગાળાના અધ્યક્ષનું પદ છોડવાની વાત કરી હતી. એ. કે. એન્ટની અને અહેમદ પટેલ દ્વારા રાહુલ ગાંધીને કોંગ્રેસનું સુકાન સંભાળવા માટે અપીલ કરાઇ હતી. શરૂઆતમાં કપિલ સિબ્બલ દ્વારા ભાંગરો વાટવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે રાહુલે તેમના ઉપર આરોપ મૂક્યો છે કે તેઓ ભાજપ સાથે મિલીભગત કરે છે. આ મુદ્દે સીડબલ્યુસીમાં હોબાળો અને ગરમાગરમી જોવા મળી હતી. ગુલામનબી આઝાદે તો રાજીનામા આપી દેવાની વાત કરી હતી. છેલ્લે સિબ્બલે ટ્વિટ ડિલિટ કરીને સ્પષ્ટતા કરી કે, રાહુલ ગાંધીએ ક્યારેય ભાજપ સાથે મિલીભગતની વાત કરી નથી. સાત કલાકના પોલિટિકલ ડ્રામા પછી આખરે ઘીનાં ઠામમાં ઘી પડયું હતું અને સોનિયા ગાંધીને જ ફરીથી વચગાળાના કોંગ્રેસ અધ્યક્ષા ચૂંટયા હતા. આ સાથે જ પત્ર લખવા માટે આરંભે શૂરા રહેલા કોંગ્રેસી નેતાઓ પણ છેલ્લે શરણમ્ ગચ્છામિની ભૂમિકામાં આવી ગયા હતા.