સાત તબક્કામાં ૬૭.૧૧ ટકા મતદાનઃ અત્યાર સુધીમાં સૌથી વધુ

Thursday 23rd May 2019 06:13 EDT
 
 

નવી દિલ્હીઃ રવિવારે સાત તબક્કામાં પૂર્ણ થયેલી લોકસભા ચૂંટણીમાં સરેરાશ ૬૭.૧૧ ટકા મતદાન થયું છે. જે અત્યાર સુધીની તમામ લોકસભા ચૂંટણીઓમાં સૌથી વધુ છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં લગભગ ૯૧ કરોડ મતદારો પૈકી ૬૭.૧૧ ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. ૨૦૧૪ની ચૂંટણીમાં કુલ સરેરાશ મતદાન ૬૬.૪૦ ટકા હતું. જો કે ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલા આ આંકડા હંગામી છે અને તેમાં વધઘટ થઇ શકે તેમ છે.
ઉલ્લેખનીય છે કે ૫૪૩ લોકસભા બેઠકો પૈકી ૫૪૨ બેઠકો પર મતદાન પૂર્ણ થઇ ગયું છે. નોટના બદલામાં વોટના આરોપને પગલે વેલ્લોર લોકસભાની ચૂંટણી રદ કરવામાં આવી હતી. જોકે ચૂંટણી પંચે હજુ સુધી વેલ્લોરની ચૂંટણીની નવી તારીખ જાહેર કરી નથી.
૨૦૧૪ની ચૂંટણીમાં કુલ ૮૩.૪૦ કરોડ મતદારો હતાં. ૨૦૦૯ની ચૂંટણીમાં સરેરાશ ૫૬.૯ ટકા મતદાન થયું હતું. આ વખતની ચૂંટણીમાં જેમ મતદાનના તબક્કા આગળ વધતા ગયા તેમ તેમ મતદાનની ટકાવારીમાં ઘટાડો જોવા મળ્યો છે.
પ્રથમ તબક્કામાં ૬૯.૬૧ ટકા, બીજા તબક્કામાં ૬૯.૪૪ ટકા, ત્રીજા તબક્કામાં ૬૮.૪૦ ટકા, ચોથા તબક્કામાં ૬૫.૫૦ ટકા, પાંચમાં તબક્કામાં ૬૪.૧૬ ટકા, છઠ્ઠા તબક્કામાં ૬૪.૪૦ ટકા અને સાતમાં તબક્કામાં ૬૫.૧૫ ટકા મતદાન થયું હતું.
મધ્ય પ્રદેશમાં ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં ૫.૯૨ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૨૦૧૪ની સરખામણીમાં ૫.૧ ટકા વધુ મતદાન થયું છે. જોકે ચંડીગઢમાં ૨૦૧૪ની સરખામણીમાં ૧૦.૨૭ ટકા ઓછું મતદાન થયું છે. પંજાબમાં પણ ૨૦૧૪ની ચૂંટણીની સરખામણીમાં ૫.૬૪ ટકા ઓછું મતદાન થયું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter