સાદગી અને સમર્પણના ‘મનોહર’ પ્રતીક પારિકરની વિદાય

Wednesday 20th March 2019 08:14 EDT
 
 

પણજીઃ ગોવાના લોકલાડીલા નેતા અને મુખ્ય પ્રધાન તેમજ પૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પારિકરનું લાંબી બીમારી પછી ૧૭મી માર્ચે નિધન થયું હતું. ૬૩ વર્ષના પારિકર ઘણા લાંબા સમયથી સ્વાદુપિંડનાં કેન્સરથી પીડાતા હતા. છેલ્લે ગોવા મેડિકલ કોલેજમાં તેમની સારવાર ચાલતી હતી. સતત બગડતી તબિયતના કારણે તેઓનો સ્વર્ગવાસ થયો હતો. તેમના નશ્વર દેહની રાજકીય નેતાઓ, પરિવારનાં સભ્યો અને લાખો ચાહકોની હાજરીમાં મીરામાર બીચ પર અંત્યેષ્ટિ કરાઈ હતી. મનોહર પારિકરના મોટા પુત્ર ઉત્પલે તેમને મુખાગ્નિ આપી હતી. તેમની અંતિમવિધિ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન સહિત કેન્દ્રીય પ્રધાનો, મહારાષ્ટ્રનાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેટલાક ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્ય પ્રધાનો પણ હાજર રહ્યા હતા. સંપૂર્ણ રાજકીય અને સૈન્ય સન્માન સાથે તેમની અંતિમવિધિ કરાઈ હતી.
સાદગીના પર્યાય
સાદગી અને સમર્પણના પર્યાય સમાન પારિકર દેશભરના પક્ષ-વિપક્ષના નેતાઓ, સામાજિક અગ્રણીઓમાં લોકપ્રિય હતા. ગોવામાં ભાજપ સરકાર લાવવામાં તેમણે સિંહફાળો આપ્યો હતો. તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે સોમવારે સવારે ૧૧ કલાકે દિલ્હીમાં કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવાઈ હતી. મનોહર પારિકરને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રનાં ગૃહ પ્રધાન રાજનાથસિંહ, વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ, નાણાપ્રધાન અરુણ જેટલી તેમજ કેબિનેટનાં સાથી પ્રધાનો, ભાજપ-કોંગ્રેસ અને અન્ય પક્ષોનાં દિગ્ગજ નેતાઓએ શ્રદ્ધાંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા ટ્વિટ કર્યું હતું કે, ગોવા અને દેશ માટે તેમના યોગદાનને ભૂલી શકાશે નહીં.
યુવાનોને શરમાવે તેવો જુસ્સો
કેન્સરની ગંભીર બીમારીમાં પટકાયા હોવા છતાં તેમનું આત્મબળ યુવાનોને શરમાવે તેવું હતું. મુખ્ય પ્રધાન તરીકે તેઓ માંદગીનાં બિછાનેથી ગોવાની સરકાર ચલાવતા હતા. નાકમાં ડ્રીપ લગાવીને તેઓ અંતિમ ક્ષણ સુધી ગોવાનાં મુખ્ય પ્રધાન તરીકે કામ કરતા રહ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૧૮માં તેમને પેનક્રિયાસનું કેન્સર થયું હોવાનું નિદાન થયું હતું. આ પછી તેમણે ગોવા, મુંબઈ, દિલ્હીમાં તેમજ ન્યૂ યોર્કમાં કેન્સરની સારવાર લીધી હતી. ફેબ્રુઆરીમાં ગોવા વિધાનસભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ રજૂ કરતી વખતે તેમણે બુંલદી અને જુસ્સા સાથે કહ્યું હતું કે, હું પૂરા જોશમાં છું અને હોંશમાં પણ છું. હું અંતિમ ક્ષણ સુધી પ્રમાણિકતા, નિષ્ઠા અને સમર્પણ સાથે ગોવાની જનતાની સેવા કરીશ. તેમણે મૃત્યુ સુધી આ વચન પાળી બતાવ્યું હતું. મનોહર પારિકર છેલ્લી ક્ષણ સુધી મોત સામે ઝઝૂમ્યા હતા અને જનતાની સેવા કરી હતી. તેમનાં પત્નીનું પણ કેન્સરથી મૃત્યુ થયું હતું.
ચાર વખત મુખ્ય પ્રધાન
મનોહર પારિકર ચાર વખત ગોવાનાં મુખ્ય પ્રધાન પદે રહ્યા હતા. છેલ્લે તેમણે ૧૪ માર્ચ ૨૦૧૭નાં રોજ ગોવાના મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. આ પહેલાં ૨૦૦૦થી ૨૦૦૫ સુધી અને ફરી ૨૦૧૨થી ૨૦૧૪ સુધી તેઓ ગોવાનાં મુખ્ય પ્રધાન બન્યા હતા. ૨૦૧૪માં કેન્દ્રમાં ભાજપની સરકાર રચાઈ તે પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને કેબિનેટમાં સમાવ્યા હતા અને સંરક્ષણ પ્રધાન બનાવ્યા હતા. તેઓ ગોવાના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પણ પોતાનું સ્કૂટર લઈને વિધાનસભા જતા હતા. સંરક્ષણ પ્રધાન બન્યા બાદ પણ તેઓ વિમાનમાં ઈકોનોમી ક્લાસમાં જ પ્રવાસ કરતા હતા. તેઓ સામાન્ય કપડાં અને સામાન્ય ચંપલ પહેરીને ફરતા હતા.
પ્રમોદ સાવંત ગોવાના મુખ્ય પ્રધાન
સોમવારે સાંજે ભાજપ પ્રમુખ અમિત શાહ અને નીતિન ગડકરીની હાજરીમાં ભાજપ વિધાયક દળની બેઠક યોજાઈ હતી જેમાં પ્રમોદ સાવંતને ગોવાના નવા મુખ્ય પ્રધાન બનાવવા નિર્ણય લેવાયો હતો. સુદિન ધવલીકર અને વિજય સરદેસાઈને નાયબ મુખ્ય પ્રધાન બનાવવા નિર્ણય લેવાયો હતો. પ્રમોદ સાવંત હાલ ગોવા વિધાનસભાનાં સ્પીકર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter