સાયરસ મિસ્ત્રીઃ ગુમનામ અબજોપતિના પુત્રથી તાતા જૂથના ચેરમેન સુધીની સફર

Tuesday 06th September 2022 16:36 EDT
 
 

મુંબઈઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓમાં ગણના પામનારા સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતમાં નિધનના સમાચારે સૌ કોઇને હેરાન કરી દીધા હતા. સાયરસના પિતા પાલોનજીની ગણના પણ દેશના દિગ્ગજ અબજોપતિઓમાં થતી હતી. જોકે તેઓ હંમેશાં ગુમનામ રહ્યા. તેમણે ક્યારેય પણ મીડિયામાં પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ નહોતો કર્યો. આ કારણથી તેમને હંમેશાં ગુમનામ અબજોપતિના નામથી ઓળખવામાં આવતા હતા.
સાયરસના માતા પાત્સી પેરિન દુબાશો આઈરિશ હતાં. લગ્ન બાદ પાલોનજીને પણ આઈરિશ નાગરિકતા મળી પણ તેઓ મુંબઈમાં જ રહેતાં હતાં. તેમની કંપનીએ મુંબઈમાં આરબીઆઈ બિલ્ડિંગ અને તાજમહાલ પેલેસ હોટેલ જેવી ઇમારતો બનાવી છે. આ ગુમનામ અબજોપતિને બે પુત્ર અને બે પુત્રીઓ થઇ. પુત્ર સાયરસ અને શાપૂર જ્યારે પુત્રીઓ લૈલા અને અલ્લુ. સાયરસનો જન્મ મુંબઈમાં 4 જુલાઇ 1968ના રોજ થયો હતો.
પરિવાર એક સદીથી બિઝનેસમાં સક્રિય
પલોનજી પરિવાર એક સદીથી વધુ સમયથી બિઝનેસમાં સક્રિય છે અને તે 1930ના દાયકામાં સાયરસના દાદા શાપૂરજી મિસ્ત્રીએ સૌપ્રથમ તાતા સન્સમાં હિસ્સો ખરીદ્યો હતો. તે તેમની કંપની સાયરસ ઇન્વેસ્ટમેન્ટ્સ પ્રા.લિ. થકી ટાટા સન્સમાં 18.4% હિસ્સો ધરાવે છે. વર્ષ 2018માં મિસ્ત્રીની કુલ સંપત્તિ લગભગ 10 બિલિયન ડોલર હતી.
સાયરસના મોટાભાઇ શાપૂરજી મિસ્ત્રીએ તેના પહેલાં પરિવારનો બિઝનેસ સંભાળી લીધો હતો. તેમણે શાપૂરજી જૂથની ઘણી કંપનીને સંભાળી હતી. હાલમાં તેઓ શાપૂરજી પલોનજી જૂથના વડા છે.
તાતા પરિવાર સાથે શું સંબંધ છે?
સાયરસની બહેન અલ્લુના લગ્ન નોએલ તાતા સાથે થયા છે. નોએલ રતન તાતાના ઓરમાન ભાઇ છે. આ પ્રકારે મિસ્ત્રી પરિવારનો સંબંધ તાતા પરિવાર સાથે જોડાયેલો છે.
સાયરસને તાતા સન્સે ચેરમેન બનાવ્યા
2013માં સાયરસની તાતા સન્સના ચેરમેન તરીકે નિમણૂક કરાઇ હતી. તેની સાથે જ તેઓ તાતા સ્ટીલ, તાતા મોટર્સ, તાતા કન્સલ્ટન્સી, તાતા પાવર, તાતા ટેલિસર્વિસિસ, ઈન્ડિયન હોટેલ્સ, તાતા ગ્લોબલ બેવરેજ, તાતા કેમિકલ્સના પણ ચેરમેન બન્યા હતા. તેઓ 2016 સુધી તાતા ગ્રૂપના ચેરમેન હતા. સાયરસ મિસ્ત્રી ગ્રૂપના છઠ્ઠા ચેરમેન હતા. નૌરોજી સકલાતવાલા પછી તેઓ માત્ર બીજા વ્યક્તિ હતા જેમની અટક તાતા નહોતી. 2016માં સાયરસ અને તાતા જૂથ વચ્ચે અણબનાવ શરૂ થયો હતો. સાયરસની ચેરમેનપદેથી હકાલપટ્ટી કરાઇ. સાયરસે આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જોકે સાઇરસે જાહેરાત કરી હતી કે તે તાતા સન્સમાં ફરી ચેરમેન નહીં બને. અલબત્ત, કોર્ટે તેમનો વાંધો ફગાવી દઇ તાતા સન્સના નિર્ણયને બહાલ રાખ્યો.
પત્ની શ્રેષ્ઠ મિત્ર અને આકરી ટીકાકાર
સાયરસ મિસ્ત્રીએ 2 જાન્યુઆરી 1992ના રોજ લગ્ન કર્યા હતા. પત્નીનું નામ રોહિકા ચાગલા છે. તેમને બે પુત્રો ફિરોઝ અને ઝહાન છે. 2017માં, લગ્નની 25મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી. પતિ-પત્ની વચ્ચે ઘણો સારો મનમેળ હતો. ‘ઈકોનોમિક ટાઈમ્સ’ અનુસાર, 24 ઓક્ટોબર 2016ના રોજ સાયરસ મિસ્ત્રીએ કહ્યું હતું કે, ‘રોહિકા મારી સાથે અસહમત થવામાં કે જ્યારે હું કંઈક ખોટું કરી રહ્યો હોઉં ત્યારે મને જણાવવામાં સહેજ પણ સંકોચ અનુભવતી નથી.’
રોહિકા ચાગલા પોતે એક કોર્પોરેટ આઇકોન છે અને કેટલીક ખાનગી તથા પબ્લિક લિમિટેડ કંપનીમાં ડિરેક્ટર છે. તે એવા પરિવારમાંથી આવે છે જે દેશના ન્યાયિક ઈતિહાસમાં ઊંડા મૂળ ધરાવે છે. 2017 માં, તેના ભાઈ રિયાઝ ચાગલાની બોમ્બે હાઈ કોર્ટમાં જજ તરીકે નિમણૂક થઇ હતી.
તાતા ગ્રૂપની વેબસાઈટ પર પ્રકાશિત એક ઈન્ટરવ્યુમાં ચેરમેન સાયરસ મિસ્ત્રીએ પોતાના પરિવાર સાથે વિતાવેલા સમય વિશે ખુલાસો કર્યો હતો. મિસ્ત્રી તેમની પત્નીને તેમના શ્રેષ્ઠ મિત્ર તેમજ તેમના ટીકાકાર માનતા હતા. તે શ્વાન પ્રેમી હતા. સાયરસે કહ્યું હતું કે મારી પાસે બે કૂતરા પણ છે જે મને ખૂબ પ્રેમ આપે છે. હું પણ બંનેને ખૂબ ચાહું છું અને જ્યારે હું ઘરે પાછો જાઉં ત્યારે તે મારી આતુરતાથી રાહ જોતા હોય છે.
સાયરસનું શિક્ષણ અને જીવનશૈલી
મિસ્ત્રી પરિવારને પૂરતો સમય આપતા ને ક્યારેક ગોલ્ફ રમતા હતા. જોકે 2016માં તેમણે કહ્યું હતું કે પોતે છેલ્લાં 5 વર્ષમાં ગોલ્ફ કોર્સ પર પગ મૂક્યો નથી. સાયરસે તેમનું શિક્ષણ લંડનની ઈમ્પિરિયલ કોલેજમાંથી મેળવ્યું હતું. તેમણે 1990માં લંડન યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં બેચલર ઓફ એન્જિનિયરિંગની પદવી મેળવી હતી. 1996માં લંડન યુનિવર્સિટીમાંથી મેનેજમેન્ટમાં ઇન્ટરનેશનલ એક્ઝિ. માસ્ટર્સનો એવોર્ડ મેળવ્યો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર આંચકાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સાઇરસ મિસ્ત્રી એક પ્રોમિસિંગ બિઝનેસ લીડર હતાં. જેમને ભારતના આર્થિક કૌશલ પર પૂરો ભરોસો હતો. તેમણે ટ્વિટ કરી હતી કે સાયરસ મિસ્ત્રીનું અકાળ નિધન સ્તબ્ધ કરનારું છે. તેઓ ભારતના આર્થિક કૌશલમાં વિશ્વાસ ધરાવતા હતા તેમનું નિધન ઉદ્યોગજગત માટે એક મોટી ક્ષતિ છે. તેમના પરિવાર અને મિત્રો પ્રત્યે સંવેદના. તેમના આત્માને શાંતિ પ્રાપ્ત થાય.
દેશ અને પારસી સમાજને મોટી ખોટ: દસ્તુરજી
ઘટનાની જાણ થતાં ઉદવાડા વડી અગિયારીના ખુરશીદ દસ્તુરજીએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, સાયરસ મિસ્ત્રી ઉદવાડા ઈરાનશાના દર્શન માટે તેમના અંગત સ્વજનો સાથે આવ્યા હતા. આજે મારી સાથે મુલાકાત બાદ તેઓ પરત મુંબઈ જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતમાં સાયરસ મિસ્ત્રીનું નિધન થયું હતું. થોડા સમય પહેલાં જ તેમના પિતાજી પાલનજી મિસ્ત્રીનું નિધન થયું હતું. તે પછી અચાનક સાયરસ મિસ્ત્રીનું અવસાન થતાં દેશને એક મોટી ખોટ પડી છે. પારસી સમાજ માટે પણ આ ન પુરાય તેવી ખોટ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter