સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાં હમારા...

Wednesday 29th January 2020 08:57 EST
 
 

૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યો. તે દિવસથી લઈને દર વર્ષે પ્રજાસત્તાક પર્વે રાજધાની દિલ્હીના રાજપથ પર ભવ્ય પરેડ યોજાય છે. જેમાં ભારતની સૈન્ય તાકાત, વિવિધ રાજ્યોની શક્તિ, વિવિધતામાં એકતા, જાંબાઝ જવાનોના શૌર્યથી ભરપૂર કરતબો વગેરેની ઝાંખી જોવા મળે છે. જોકે આ વર્ષની પરેડ ખાસ હતી કારણ કે તેમાં ઘણી બધી વસ્તુઓ પ્રથમ વખત જોવા મળી છે.
૧) ભવ્ય રાજપથનું વિહંગ દૃશ્ય.
૨) ૭૧મા ગણતંત્ર દિવસની પરેડના મુખ્ય આકર્ષણમાં ૨૬ વર્ષની કેપ્ટન તાન્યા શેરગિલ પણ સામેલ છે. જેણે રાજપથ ઉપર પરેડમાં પુરુષ બટાલિયનનું નેતૃત્વ કરી ઈતિહાસ રચ્યો છે. ગણતંત્ર દિવસની પરેડમાં પુરુષ ટુકડીનું નેતૃત્વ કરનાર તે પ્રથમ મહિલા ઓફિસર બની છે. તાન્યા પરિવારની ચોથી પેઢી છે કે જે સૈન્યમાં છે.
૩) ગણતંત્ર દિવસના અવસર પર પહેલી વખત વડા પ્રધાને યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી. અત્યાર સુધી દર વર્ષે ઈન્ડિયા ગેટ ખાતે અમર જવાન જ્યોતિ પર શહીદોને શ્રદ્ધાંજલિ અપાતી હતી.
૪) જમ્મુ-કાશ્મીર રાજ્યે પ્રથમ વખત કેન્દ્રશાસિત પ્રદેશના રૂપે પરેડમાં ભાગ લીધો. બેક-ટુ-વિલેજ થીમ પર જમ્મુ-કાશ્મીરનો ટેબ્લો રજૂ કરાયો હતો.
૫) ભારતની શસ્ત્રશક્તિ સાથે કળાવારસાની ઝલક દર્શાવતી આ પરેડમાં ગુજરાતે પાટણની ઐતિહાસિક રાણકી વાવની ઝલક રજૂ કરી હતી. આ ટેબ્લોની સાથે ચાલતા ચાલતા જ રાસગરબા રજૂ કરીને ગુજરાતના કલાકારોએ દર્શકોનું મન મોહી લીધું હતું. ગુજરાતના કલાકારોેને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
૬) પરેડમાં ડીઆરડીઓએ પ્રથમ વખત એન્ટી સેટેલાઈટ મિસાઇલ રજૂ કરી. એ-સેટ મિસાઈલ ૧૦૦૦ કિમીની ઊંચાઈએ રહેલા ઉપગ્રહ પર પ્રહાર કરવા સક્ષમ છે.
મુખ્ય ફ્લાય પાસ્ટનો પ્રારંભ સેનાની ત્રણેય પાંખો આર્મી, નેવી અને વાયુસેનાના ત્રણ આધુનિક હેલિકોપ્ટરોએ કર્યો હતો, જેને ટ્રાઈ સર્વિસ ફોર્મેશન નામ અપાયું. આ પ્રથમ વખત હતું જ્યારે ટ્રાઈ સર્વિસ ફોર્મેશને પરેડમાં ભાગ લીધો હોય. પરેડમાં પ્રથમ વખત અમેરિકન બનાવટના સીએચ ૪૭ એફ(આઈ) ચિનૂક હેવી-લિફ્ટ હેલિકોપ્ટર જોવા મળ્યા. તો એરફોર્સના એએચ ૬૪-ઈ-અપાચે હેલિકોપ્ટર પણ પ્રથમ વખત પરેડમાં જોડાયા હતા. અમેરિકા દ્વારા નિર્મિત અપાચે હેલિકોપ્ટરે ઓસામા બિન લાદેનનો ખાત્મો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

દેશનાં આર્થિક વિકાસ માટે આપણે સૌએ બંધારણને અનુસરવું પડશે: રાષ્ટ્રપતિ

નવી દિલ્હીઃ દેશના ૭૧મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દેશવાસીઓને રાષ્ટ્રજોગ સંબોધન સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેશવાસીઓને શુભકામનાઓ વ્યક્ત કરતાં કહ્યું હતું કે દેશનાં આર્થિક વિકાસ માટે સૌએ બંધારણ મુજબ ચાલવું પડશે. વિકાસનાં પથ પર આગળ વધવા આપણા દેશ અને દેશવાસીઓએ વિશ્વ સમુદાય સાથે સહયોગ સાધવાનો છે, જેથી માનવતાનું ભવિષ્ય સુરક્ષિત અને સમૃદ્ધિથી ભરેલું રહે. રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, આપણે સૌ નાગરિકોએ સાથે મળીને દેશનું ભાવિ ઘડવાનું છે. ધારાસભા, સરકાર અને ન્યાયતંત્ર એ દેશની ત્રણ મહત્ત્વની ધરોહર છે, પણ મૂળભૂત રીતે લોકો થકી જ દેશ બને છે.

કોવિંદે કહ્યું કે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે તેમના માટે ગાંધીજીનો અહિંસાનો મંત્ર મહત્ત્વનો છે. તેમણે આ મંત્ર યાદ રાખીને આગળ વધવાનું છે. કોઈ પણ માગણી કે જરૂરિયાત માટે જ્યારે લડત લડતા હો ત્યારે લોકોએ અહિંસાનાં સંદેશને યાદ રાખવાની જરૂર છે. રાષ્ટ્રનિર્માણ માટે ગાંધીજીનાં વિચારો આજે પણ પ્રાસંગિક છે. તેમને સંબોધનમાં અનેકવિધ મુદ્દા આવરી લીધા હતા. જેમ કે,
• રાષ્ટ્રપતિએ મોદી સરકારનાં સ્વચ્છતા અભિયાન, ઉજ્જવલા યોજના, ડિજિટલ ચુકવણી અને રાંધણગેસની સબસિડી છોડવાનાં અભિયાનની પ્રશંસા કરી હતી.
• પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના દ્વારા ૧૪ કરોડથી વધુ ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ની લઘુતમ રકમ અપાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
• જળજીવન મિશન દ્વારા પાણી બચાવો અભિયાન પણ પ્રશંસાને પાત્ર છે. જીએસટીનાં અમલ પછી દેશમાં એક દેશ - એક ટેક્સ - એક બજારની વ્યવસ્થા સ્થપાઈ હોવાનું તેમણે કહ્યું હતું.
• દેશનાં વિકાસ અને આંતરિક સુરક્ષા માટે સરકારે નક્કર પગલાં લીધા છે.
• શિક્ષણ, આરોગ્ય અને અવકાશ ક્ષેત્રે આપણી સિદ્ધિઓથી દેશવાસીઓને ગર્વ છે. ઈસરોનાં સફળ મિશનોથી દેશનાં દરેક નાગરિકનું મસ્તક ગર્વથી ઊંચું છે.
• ઓલિમ્પિક ૨૦૨૦માં આપણા ખેલાડીઓએ તેમની શક્તિનું પ્રદર્શન કરવાનું છે.
• દેશની સુરક્ષા માટે આર્મી, અર્ધસૈનિક દળો અને આંતરિક સુરક્ષા બળો સજાગ અને સક્ષમ છે.
• સત્તા પક્ષ અને વિપક્ષોએ સાથે મળીને દેશનાં વિકાસ માટે કામ કરવાનું છે.
૭૧મા પ્રજાસત્તાક પર્વની રંગચંગે ઉજવણી

નવી દિલ્હી: દેશભરમાં રવિવારે ભારે હર્ષોલ્લાસ સાથે ૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. ભારતની ભવ્ય સંસ્કૃતિ અને વિવિધતાની ઝાંખી કરાવતા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. અનેક રાજ્યોએ તેમની સિદ્ધિઓ અને વિકાસના એજન્ડાને દર્શાવીને પોતાના ગુણગાન કર્યા હતા.
રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરોમાં રાષ્ટ્રભક્તિ દર્શાવતા કાર્યક્રમો યોજાયા હતા. જોકે આસામમાં અનેક સ્થળોએ બ્લાસ્ટને કારણે રંગમા ભંગ પડ્યો હતો. પશ્ચિમ બંગાળમાં અનેક જગ્યાએ સીએએના વિરોધ વચ્ચે પણ પર્વની ઉજવણી કરાઈ હતી.
જમ્મુ-કાશ્મીરમાં ખાસ દરજ્જો પાછો ખેંચાયા બાદ પહેલી વખત ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. લેન્ફેટેનેન્ટ ગવર્નર જી. સી. મુર્મુએ જમ્મુમાં મુખ્ય સમારોહમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને સમારોહનું નેતૃત્વ કર્યું હતું. જોકે શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં મુખ્ય સમારોહ યોજાયો હતો. જોકે મોટા ભાગના મુખ્ય રાજકારણીઓ કાર્યક્રમમમાં જોવા મળતા નહોતા.
રાજધાની દિલ્હી સુરક્ષા છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. જમીનથી માંડીને આસમાનમાં સશસ્ત્ર દળના હજારો કર્મચારીઓ ખડેપગે ઊભા રહ્યા હતા. અનેક ડઝન ડ્રોન્સ અને સીસીટીવી કેમેરાથી સમગ્ર વિસ્તારમાં ચાંપતી નજર રાખવામાં આવી રહી હતી. દિલ્હીના શાહીન બાગમાં સીએએવિરોધી પ્રદર્શનકારીઓએ ધ્વજને ફરકાવી અને રાષ્ટ્રગીત ગાઈને ઉજવણી કરી હતી. જોકે એની વચ્ચે ‘સીએએ’થી આઝાદી, એનઆરસી સે આઝાદી, ભાજપ સે આઝાદી’ જેવા સૂત્રોચ્ચાર કરાયા હતા.
વિમાની કંપની એર ઇન્ડિયાએ ઇકો ફ્રેન્ડલી બિયારણના પેપરથી ૩૦,૦૦૦ તિરંગાની વહેંચણી કરી હતી. શ્રીનગરના ઐતિહાસિક લાલચોકમાં મોટા હોર્ડિંગ લગાડવામાં આવ્યા હતા. ઉત્તરપ્રદેશમાં સેના, અર્ધસરકારી પોલીસ કર્મચારી અને સ્કૂલ બાળકોની ટીમોએ ગલીમાં કૂચ યોજી હતી. ઉત્તરાખંડમાં ગવર્નર બેબી રાની મૌર્યે તેમના સંબોધનમાં મહિલા ભ્રૂણની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ ગણતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી. દેશના પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભાગોમાં જે તે રાજ્યોના ગવર્નરોએ તિરંગો ફરકાવ્યા હતા. મેઘાલયમાં ગવર્નર તથાગત રોયની જગ્યાએ મુખ્ય પ્રધાન કોનરાડ સંગમાએ સમારોહનું અધ્યક્ષપદ સંભાળ્યું હતું. આસામમાં ગવર્નર જગદીશ મુખી, પશ્ચિમ બંગાળમાં ગવર્નર જગદીશ ધનખડે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવીને ઉજવણી હતી. ઝારખંડમાં ગવર્નર દ્રોપદી મુર્મૂ અને મુખ્ય પ્રધાન હેમંત સોરેને ગણતંત્ર દિવસને લગતા સમારોહમાં હાજરી આપી હતી. બિહારમાં પણ ગર્વનર ફગુ ચૌહાણે ઝંડો ફરકાવ્યા બાદ આપેલા પ્રવચનમાં ક્લાયમેટ ચેન્જનો મુદ્દો ઉઠાવ્યો હતો.
બ્રાઝીલના પ્રમુખ મુખ્ય મહેમાન
બ્રાઝીલના પ્રમુખ જૈર મોસિઆસ બોલ્સોનારો આ વખતની સેરેમનીમાં મુખ્ય મહેમાન હતા. તેમણે રાજધાની દિલ્હીના ઐતિહાસિક સ્થળેથી પરેડ નિહાળી હતી. તેની સાથે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાષ્ટ્રપતિ વૈકૈંયા નાયડુ સહિતના મહાનુભાવો પણ હતા.
રાજધાનીમાં થયેલી ઉજવણીનાં અનેક કરતબો સાથે ભારતીય સેનાની તાકાતનો પણ પરિચય કરાવવામાં આવ્યો હતો. મિશન શક્તિ હેટળ વિકાસ પામેલા એન્ટિ સેટેલાઈટ વેપન સિસ્ટમ, એટેક હેલિકોપ્ટર અપાચે, આર્ટિલરી ગન સિસ્ટમ ‘ધનુષ’, ટ્રાન્સપોર્ટ હેલિકોપ્ટર ચિનૂક આકર્ષણ રહ્યા હતા.
પાક. સાથે મીઠાઈની વહેંચણી ન કરાઈ
જમ્મુ-કાશ્મીરમાં અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર પાકિસ્તાન સેના સાથે આ વખતે ગણતંત્ર દિવસના નિમિત્તે મીઠાઈની વહેંચણી કરાઈ ન હતી. છેલ્લાં ઘણા વખતથી બન્ને દેશો વચ્ચે ચાલી રહેલી તંગદિલીને કારણે ભારતીય સેના આ પરંપરાથી દૂર રહી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter