સાવિત્રી જિંદાલઃ 39.6 બિલિયન ડોલરની સંપત્તિ સાથે દેશનાં સૌથી ધનાઢ્ય મહિલા

Sunday 19th October 2025 07:28 EDT
 
 

ચંડીગઢઃ ‘ફોર્બ્સ’ ઈન્ડિયાએ તૈયાર કરેલા વર્ષ 2025 ભારતના સૌથી ધનાઢ્ય લોકોની યાદી મુજબ હરિયાણાના હિસારના ધારાસભ્ય અને ઓ.પી. જિંદાલ ગ્રૂપનાં ચેરપર્સન સાવિત્રી જિંદાલ દેશના સૌથી ધનવાન મહિલા બન્યા છે. તેમની કુલ સંપત્તિ 39.6 બિલિયન ડોલર (આશરે રૂ. 3.3 લાખ કરોડ) હોવાનું જાહેર કરાયું છે. આ સાથે જ હવે દેશના સૌથી રિચેસ્ટ વ્યક્તિ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી પછી સાવિત્રી જિંદાલ યાદીમાં ત્રીજા ક્રમે રહ્યા છે.
વિશ્વના ધનકુબેરોની યાદીમાં સાવિત્રી જિંદાલ 48મા સ્થાને છે. અગાઉ એપ્રિલ 2025માં જાહેર ફોર્બ્સ બિલિયોનેર લિસ્ટ મુજબ સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિ 33.5 બિલિયન ડોલર હતી. છ મહિનાના સમયગાળામાં તેમની સંપત્તિમાં અધધ 4.1 બિલિયન ડોલરનો વધારો નોંધાયો છે. એક તરફ દેશના ટોચના 100 ધનિક લોકોની નેટવર્થમાં 9 ટકાનો ઘટાડો નોંધાતા એક ટ્રિલિયન ડોલર (રૂ. 88 લાખ કરોડ) થઈ છે ત્યારે બીજી તરફ સાવિત્રી જિંદાલની કુલ સંપત્તિમાં વધારો થયો છે. દેશના ટોચના ધનિકોની 2024માં કુલ સંપત્તિનો આંક 1.1 ટ્રિલિયન ડોલર અર્થાત રૂ. 97 લાખ કરોડ હતો.
સાવિત્રી જિંદાલ હરિયાણાના હિસાર બેઠકથી ધારાસભ્ય ચૂંટાયા છે. તેઓ જિંદાલ ગ્રૂપના સંસ્થાપક સ્વર્ગસ્થ ઓમ પ્રકાશ જિંદાલના પત્ની છે. 2005માં એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઓ.પી. જિંદાલનું મૃત્યુ થયું હતું, ત્યારપછી સાવિત્રી જિંદાલે ગ્રૂપનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ વેપાર સામ્રાજ્ય હવે ચાર પુત્રો વચ્ચે વિભાજિત છે. સૌથી મોટા પુત્ર નવીન જિંદાલ હાલમાં કુરુક્ષેત્ર બેઠકથી ભાજપના સાંસદ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter