નવી દિલ્હીઃ ભારતના ટોચના બિઝનેસમેન વિજયપત સિંઘાનિયાએ ત્રણ વર્ષ પહેલાં રેમન્ડ ગ્રૂપની કમાન પોતાના પુત્ર ગૌતમ સિંઘાનિયાના હાથમાં સોંપી હતી, ત્યારે તેમણે કલ્પના પણ નહીં કરી હોય કે આ જ પુત્ર તેમને તરછોડી દેશે. જોકે હવે તેઓ પોતાના નિર્ણયથી ખૂબ પસ્તાઇ કરી રહ્યાં છે. વિજયપત સિંઘાનિયાને ફક્ત કંપનીની ઓફિસ જ નહીં, પરંતુ પોતાના ફ્લેટમાંથી પણ હાંકી કાઢવામાં આવ્યા છે. જોકે વિજયપત સિંઘાનિયાને કોર્ટના તાજેતરના આદેશથી આશા જાગી છે. તેઓ હવે પુત્ર ગૌતમ સિંઘાનિયાને ગિફ્ટ કરેલી પ્રોપર્ટી પરત લેવા માટે કાનૂની લડાઈ લડવા ઈચ્છે છે.
વિજયપતની મુશ્કેલી એ સમયે શરૂ થઈ જ્યારે ૨૦૧૫માં રેમન્ડ ગ્રુપનું સુકાન (૫૦ ટકાથી વધુ શેર) પોતાના ૩૭ વર્ષીય પુત્ર ગૌતમ સિંઘાનિયાને સોંપી દીધું હતું. કેટલીક સંપત્તિના વેચાણ મુદ્દે પિતા-પુત્ર વચ્ચે ઝઘડો વકર્યો અને પિતા પાસેથી ચેરમેનપદ છીનવી લેવાયું. એમને અપશબ્દો બોલવામાં આવ્યા. આ મુદ્દે વિજયપત સિંઘાનિયાએ કહ્યું કે, મને ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યો અને અધિકાર છીનવી લીધા. છેલ્લા બે વર્ષમાં મારા પુત્રે એક પણ વખત મારી સાથે વાત કરી નથી, પરંતુ હવે કોર્ટના તાજેતરના આદેશ બાદ પુત્ર સામે પગલાં ભરવાનું વિચારી રહ્યો છું. જોકે, પુત્ર ગૌતમ સિંઘાનિયાનું કહેવું છે કે, હું મારી જવાબદારી નિભાવી રહ્યો છું.
વિજયપત સિંઘાનિયાએ ૮૦ વર્ષ પહેલાં નાના સ્તરે કાપડ ઉદ્યોગમાં પગ મૂક્યો હતો. ધીમે ધીમે ટેક્સટાઈલ બિઝનેસને દેશના ઘરે-ઘરે પહોચાડ્યો અને આજે રેમન્ડ ગ્રૂપનો દાવો છે કે એ દુનિયામાં સૌથી વધુ હાઈ-ક્વોલિટી સૂટ્સ બનાવે છે. ગ્રૂપ સિમેન્ટ, ડેરી અને ટેકનોલોજી સેક્ટકરમાં પણ બિઝનેસ કરી રહ્યું છે.
દેશના મોટા ઉદ્યોગગૃહોના પરિવારમાં સત્તા-સંઘર્ષની એવી કેટલીયે વિકૃત ઘટના બહાર આવી ચૂકી છે. પિતા ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ પુત્રો મુકેશ અને અનિલ વચ્ચે રિલાયન્સ ગ્રૂપની કંપનીઓ પર કબજો વર્ચસ જમાવવા ખેંચતાણ શરૂ થઇ હતી. આ જ રીતે શરાબ અને રિઅલ એસ્ટેટ સેક્ટરની મોટી હસ્તી પોન્ટી ચઢ્ઢા અને એમના ભાઈ હરદીપ વચ્ચે શરૂ થયેલી સંપત્તિની ખેંચતાણ પર પૂર્ણવિરામ લાગી શકતું હતું. જોકે ૨૦૧૨માં બંને ભાઈઓએ કંપની પર નિયંત્રણ મેળવવાના ઝગડામાં એકબીજાને ગોળી મારી દીધી હતી.
એક અન્ય મામલો ફોર્ટીસ કંપનીના સિંહ બ્રધર્સનો છે. અબજોપતિ ભાઈઓ શિવિંદર સિંહ અને માલવિંદર સિંહે તાજેતરમાં એકબીજાની મારઝૂડ કર્યાના અહેવાલ પ્રગટ થયા હતા.
ક્રેડિટ સુઈસના તાજેતરના એક રિપોર્ટ અનુસાર, ભારત વિશ્વભરની મોટી કંપનીઓ પર કેટલાક પરિવારો નિયંત્રણ મામલે ચીન અને અમેરિકા પછી ત્રીજા ક્રમે છે.